માનવી સમાજમાં રહેતો હોવાથી અન્ય જોડે સંપર્કમાં આવતા કોઇ વખત અમુક કારણોસર મનદુ:ખ થાય કે ખુશી થતા હ્રદયમાં લાગણીનો ઊભરો આવતો હોય છે. માનવીએ અમુક સંજોગોમાંથી પસાર થતા ભારે પળનો સામનો કરવો પડતો હોય છે અથવા હળવી પળ માણતા પોતાના જીવનમાં ઉલ્લાસ આવતા ‘હાશકારો’ અનુભવતો હોય છે.
જ્યારે માનવી અમુક ચિંતાઓથી ઘેરાયેલો હોય છે ને અમુક સમય બાદ તેના સારા સંજોગો આવતા ચિંતા મુક્ત થઇ જતા જે પળો વિતાવે છે ત્યારે તે પળો નચિંતે ખુશીથી વીતાવતો હોય છે. માનવીની જિંદગીમાં દુ:ખનું વાવાઝોડું ફરી વળતા માનવી હતાશાની ખીણમાં સરકી જતા કે ચિંતા રૂપી દરિયાના વમળમાં સપડાઇ જતા ભારે પળો વિતાવતો હોય છે. પરંતુ તે વાવાઝોડું પસાર થઇ જતા ધીરે ધીરે હળવી પળો માણતા *’હાશ’* નામનો ઉદગાર તેના મુખમાથી નીકળી પડતો હોય છે.
          *કહે શ્રેણુ  આજ* 
*ન ગમગીન બની જા તું, જીવનમાં આવતી ભાર પળ,*
*ન ખુશખુશાલ થઇ જા તું, જીવનમાં માણતા હળવી પળ.*
*જીવનમાં આવે અને જાય હળવી પળ કે ભારે પળ,*
*બતાવે છે મન જ માનવીને, ભારે પળ કે હળવી પળ.*
*જીવનમાં તો આવતી રહે ભારે પળ અને હળવી પળ*
પરિક્ષાનો સમય નજદિક આવતાં વિદ્યાર્થીઓ કે ઓપરેશનના સમયે દરદી તથા તેના સગાવહાલાઓ કે ન છૂટકે ઓચિંતા બહારગામ જવાના કાર્યક્રમના દિવસે રિઝર્વેશન  ન હોવાથી જે પળો વીતાવાતી હોય છે ત્યારે તેઓ મનમાં ભારે બોજના દબાણમાં રહેતા હોય છે પરંતુ અણધાર્યા પરિણામો તેમની તરફેણમાં આવતા દિલમાં અનેરી ખુશી જે મળે છે ત્યારે હળવી પળ તેઓ ભાણતા આનંદવિભોર બની જાય છે.
*દરેકના જીવનમાં ભારે પળ કે હળની પળ તો આવ્યા જ કરે અને માનવીને તેનો સામનો કરવો પડતો જ હોય છે અથવા ખુશી વીતાવતો હોય છે, તે ફક્ત મનનું જ કારણ છે.*
ભારે પળ આવતા સામનો કરવા તૈયાર રહેવું જ જોઈએ. જો મન
સ્વસ્થ હશે તો વિચારવાનો સમય કે વિચાર શક્તિનો સંચાર થશે જ. આવા સમયે જો માનવી ગભરાશે તો તે તેમાંથી બહાર નીકળી શકશે નહિ.
૧૯૯૧ ની સાલમાં દિવાળી અરસામાં મને ગેંગરીન થતા મુંબઇની જાણીતી જસલોક હોસ્પીટલમાં દાખલ થવું પડ્યુ હતું અને નામાકિંત ડોક્ટરની ચકાસણી બાદ તાકીદે મારા પગનું ઓપરેશન કરવું પડે એમ હતું. ઓપરેશન ચાલું થતા પહેલાં ડોક્ટરે મારા પરિવારનાથ સભ્યોને જણાવ્યું કે ઓપરેશન દરમ્યાન કદાચ મારો ડાબો પગ કાપવો પડશે મારા પરિવારનાં સભ્યોના ચહેરા  જોવા જેવા થંડાગાર થઇ ગયે હતાં તથા તેઓની આંખોમાં આંસુ સરી પડ્યાં.
મેં હિમ્મત રાખી અને પરિવારનાં સભ્યોની સામે નજર કરીને ઈશારાથી સમજાવ્યું કે *’જે થશે તે સારા માટે જ થશે. ગભરાવાની જરૂર નથી. ભગવાન પર ભરોસો રાખો.* અને તેઓએ પણ મારા વિચારોને સમંત્તિ આપી અને અમારા કુટુંબના વડીલે ઓપરેશન કરવાના કાગળ પર સહી કરી આપી. ઓપરેશન લગભગ પાંચ કલાક ચાલ્યું. મારા ડાબા પગ પર પાંચથી છ જગ્યાએ વાઢકાપ કરવામાં આવી હતી. હું નવકાર મંત્ર ગણીને ઓપરેશન થીયેટરમાં દાખલ થયો હતો પણ જ્યારે ઓપરેશન પછી
મને ભાન આવતાં મેં કુટુંબીજનોના ચહેરા પર  સ્મિત જોયું તથા તેઓના વદન પર *’ હાશકારો’* વર્તાયેલો જોતા હું પણ ખુશ થઈ ગયો અને પછી ખબર પડી કે ડોક્ટરની કાબેલિયાતથી મારો પગ કપાવવો ન પડ્યો. આજે  ડોકટર શિરીષ ભણસાલી હયાત નથી પણ એમનો જીવનભર હું ઋણી બની ગયો. આજે પણ ૩૧ વર્ષના વહાણા બાદ તે મારા જીવનની ભારે પળ પસાર થયા બાદ આવેલી હળવી પળ હું ભૂલી શકતો નથી.
ઘણા માણસો સતત ટેન્શનમાં જીવતા હોય છે. જીવનનાં ભારથી તેઓ અકાળે વૃધ્ધ બની જતા હોય છે તથા  પરિણામે તેઓ જીવનનો આનંદ મેળવી શકતા નથી.
જીવન પ્રતિ માનવીએ તટસ્થ ભાવ કેળવશે તો તે શાંતિથી જીવી શકશે. દરેક વ્યક્તિની સફળતા કે નિષ્ફળતાનો આધાર એ જીવનને કેવી રીતે જુએ છે તેના મન પર જ છે. જે જીવનને બોજ સમજે છે તે માનવી કદી સુખી રહેતો નથી અને શાંતિથી જીવી શકતો નથી. પણ જે જીવનને હળવું ફિલ્મ જેવું માને છે તે સુખ અને શાંતિથી જીવી શકે છે.
*પોતાના મનનાં જ વિચારો માનવીના જીવનને ઘડે છે.*
*જીવન બોજ નથી પરંતુ એક ફુલ જેવું  છે.*
*લેખક:– શ્રેણિક દલાલ ….. શ્રેણુ*