જમાનો બદલાતા માનવીએ જૂની પ્રણાલિકા ત્યજીને નવી પ્રણાલિકાને સ્વીકારવા અચકાવું ન જોઈએ. અગર કોઇ વ્યક્તિ ‘જે ચાલ્યું આવે છે’  તે બદલવા તૈયાર નહિ થાય તો તે બીજાઓની સરખામણીમાં પાછો પડશે. નવા પરિવર્તનોને ગ્રહણ કરાતા જૂનાનો ત્યાગ કરવો પડે છે અને પરિવર્તનને નહિ સ્વીકારતા તે પાછળ પડી જવાનો ભય રહે છે.
આજના આધુનિક જમાનામાં નવી નવી વિવિધ શોધો થતા લોકો તેને સ્વીકારતા જીવનમાં સરળતા થઇ ગઇ છે. વર્ષોથી ચાલી આવતી જૂની પ્રણાલિકા તથા દૅઢ થયેલી વિચારસરણીમાં પરિવર્તન લાવીને જીવન જીંવત બનાવવા પ્રતત્ન કરવો જોઈએ. આજના આધુનિક જમાનામાં રહેણી-કરણી, આચાર-
વિચાર, આહાર-વિહાર, સાહિત્ય, શિક્ષણ,ચિત્રપટ, સંગીત, વાહનોમાં પરિવર્તન આવ્યું છે તથા પ્રચાર પ્રસારનાં સાધનો વધતાં સમાજમાં તથા માનવીમાં પરિવર્તન આવવા લાગ્યું છે.
જૂનો જમાનો તથા આજનો આધુનિક જમાનામાં ઉત્તર દક્ષિણ જેટલો ફરક પડતો ગયો છે. અલબત્ત જૂની પેઢી તથા આજની નવી પેઢીનાં લોકોના વિચારોમાં આસમાન જમીન જેટલો ફરક પડી જવાથી મનમેળ થઇ શકતો નથી અથવા એક બીજા જોડે અનુકૂળ થતાં તકલીફ પડતાં સંબંધોમાં અવરોધ આવતો ગયો છે.
આજનાં  ઝડપી યુગમાં ટેલીફોન, ફેક્સ, કમ્પ્યુટર, ઇંટરનેટ, વેબસાઇટ, ટી. વી., વિડિયો તથા સુપરફાસ્ટ ટ્રેન, વિમાન તથા વિવિધ ઇલેક્ટ્રોનિક સાધનોની શોધો થતાં અને લોકોએ તેનો સ્વીકાર કરતાં દુનિયામાં દૂર દૂર ખૂણે ખાંચરે રહેતી વ્યક્તિ નજદીક આવતાં ભિન્ન લોકોનાં વિચારો એક બીજાને જાણવા મળ્યા. નવી વિચારસરણી ધરાવતી વ્યક્તિ જોડે જૂની વિચારસરણીવાળાઓએ દોડમાં સાથે રહેવું જ પડશે નહિતર જૂની પેઢીનાં લોકો ત્યાં ને ત્યાંજ અટકી જશે અને નવી પેઢીના લોકો અને આગળ ને આગળ નીકળી જશે.
ગઇકાલ, આજ અને આવતી કાલ ત્રણે કાળચક્રમાં સંજોગો મુજબ પરિવર્તનનો યોગ રહેલો જ હોય છે. ગઇકાલની વ્યક્તિઓએ આજની વ્યક્તિને અનુકૂળ થવું  પડશેઅને વખત આવે આજની વ્યક્તિએ પણ આવતી કાલની પેઢીનાં લોકોની જોડે અનુકૂળ થવું જ પડશે. રૂઢિચુસ્ત પ્રણાલિકાને તિલાંજલી આપવાથી મનમાં ક્ષોભ અને સંકોચ રહેશે પરંતુ તેનો કોઈ વિકલ્પ જ નથી તથા આજના ઝડપી યુગમાં નવો અભિગમ સ્વીકારવો જ રહ્યો.
દૈનિક પરિવર્તન લાવવાનો સૃષ્ટિનો સ્વભાવ છે. જ્યાં જુઓ ત્યાં અથવા જ્યારે જુઓ ત્યારે કંઇ પણ તથા કોઇપણ વસ્તુમાં ધીરે ધીરે પરિવર્તન આવે છે જેથી સમાજમાં પ્રણાલિકા બદલાતી રહે છે તથા જીવનનો દ્રષ્ટીકોણમાં પણ ફરક આવતો જાય છે. આજના પ્રચાર માધ્યમનાં પગલે પરિવર્તનની ગતિ ઝડપી બની ગઇ છે. આમાં ઔદ્યોગિકકરણ અને સંસાર ક્રાંતિએ મહત્વનો ભાગ ભજવ્યો છે. દરેક માનવીમાં ઉત્તરોત્તર આગળ વધવાની ખેવના હોય છે. પરિસ્થિતિને અનુરૂપ પ્રત્યેક માનવી અને પ્રત્યેક ચીજો બદલાતી જ રહે છે. માનવી પોતે પરિવર્તનનો માધ્યમ બની ગયો છે. આજની નવી પેઢીનાં લોકો સુર્યોદય પહેલા ઉઠવામાં માનતા નથીં તથા રાતે મોડે સુધી જાગતાં  રહેવું,  સી. ડી. તથે ટી. વી. પોગ્રામ જોવા તથા રાતની મિજબાનીમાં હાજરી આપવી એ દરરોજનો કાર્યક્રમ બની ગયો છે. વહેલાં  સૂઇ જવું  તે રૂઢિવાદી પ્રણાલિકા ગણાય છે.
              કહે શ્રેણુ આજ
પરિવર્તન  રૂપી પહેરવેશ, જમાના રૂપી શરીરને સજાવે છે,
બદલાવ રૂપી કૂકડો, નવી પેઢીના લોકોને જગાડે  છે.
પહેલાંના  લોકો તાજું ખાવામાં જ માનતા હતા પરંતુ આજે Fast Food માં પીઝા, બર્ગર, ચાઇનીઝ ફુડ વિગેરે, ઠંડા પીણા તત્કાલ મળતા થઇ ગયાં છે. આજે લોકોને ફ્રીજ કે ડીપફ્રીજમાં રાખેલી ખાવા પીવાની વાનગીઓ આરોગવામાં વાંધો દેખાતો નથી.  આ પંચતારક સંસ્કૃતિ તો વાસી વાનગીઓનો પર્યાય બની ગઇ છે. પરિવર્તનનું પરિણામ સમગ્ર ભોજનને વિષયુક્ત બનાવી દીધું છે. અનાજ, ખાતર, જંતુનાશક દવાઓ તથા પ્રિજરવેટીવ કોઇપણ ખાવા-પીવાની ચીજને શુધ્ધ રહેવા દીધી નથી જેથી રોગો પણ વધતાં ગયાં છે.
રમત-ગમતમાં જૂના જમાનાથી ચાલી આવતી પાંચ દિવસની ક્રિકટ ટેસ્ટ મેચ કરતા આજના નવા જમાનામાં નવી પદ્ધતિથી રમાતી વન ડે મેચ એક જ દિવસમાં તથા ટ્વેન્ટી ટ્વેન્ટી ૩ થી ૪ કલાકમાં હાર, જીત તથા ટાઇ થવાની શક્યતામાં પરિણમે છે (Instant  Result in one day) જેથી લોકો પસંદ કરે છે.
આજના માનવીનો સ્વભાવ જ પરિવર્તનશીલ છે. રોજ રોજ એક રીતે રહેવું કે એક જ પ્રકારનું ખાવું  માનવીને ગમતું નથી  માત્ર નવિનતાને કારણે રોજ રોજ નવી ખાવા પીવામાં વેરાયટીજ તથા નવી નવી વ્યક્તિઓને મળવાનું તથા નવા વિષયો જાણવાની ઈંતેજારી, નવી નવી જગ્યાએ ફરવા જવાનું તથા નવી નવી સ્ટાઇલનાં કપડા પહેરવાના આ બધું માનવીનો પ્રાકૃતિક  સ્વભાવ બની ગયો છે.
જૂની પેઢીનાં લોકો કોઇપણ અગત્યનો નિર્ણય લેતાં પહેલાં બે વખત વિચાર કરતાં હતાં જ્યારે આજના યુગમાં નવી પેઢીના લોકો ઝટપટ નિર્ણયમાં માનતા હોય છે. પરંતુ ઘણી વખત નવી પેઢીના લોકોને ઝડપી નિર્ણય લેવાથી પોતાને નુકસાન પણ ભોગવવાનો વારો આવતો હોય છે.
   લેખક:–  શ્રેણિક દલાલ …. શ્રેણુ