શંકા ફક્ત બે જ અક્ષરનો બનેલો એક મામૂલી શબ્દ છે પરંતુ એ માનવીને આખો ને આખો ભરખી જાય છે. શંકા અણુબોમ્બ અથવા મિસાઈલથી પણ વધુ ભંયકર અને ખતરનાક છે જે માનવીના મનમાં પ્રવેશતાં જ તે માનવી અંદર ને અંદર મૂરઝાતો જાય છે.
શંકા એક એવો કીડો છે જે ઊધઈની રાણી કરતા પણ વિનાશક છે. જ્યાં સુધી શંકાનું નિવારણ ન થાય ત્યાં સુધી માનવીનાં મનમાં સળવતો રહે છે.નબળા મનનાં માનવીને આ વહેમ રૂપી કીડો વધારે ને વધારે નબળો બનાવી દેતા તે માનસિક હતાશામાં આવી જાય છે અને તે સાવ દિગ્ મૂઢ થઈ જાય છે. સંદેહ દેહ અને દિમાગને ખોખલો અને ખતમ કરનારું ખતરનાક ઝેર છે. માનવીનાં મનમાં સંદેહની ઉત્પતિ પુર્વભવના કર્મોને આધિન પણ હોઈ શકે છે.
ઘણીવાર આંખે જોયેલું અને કાને સાંભળેલું પણ સાચું નથી હોતું જેને લીધે શંકાના બીજ વવાય છે. ઘણા કિસ્સામાં બીજાની વાતોને માનીલેતા કોઈક વખત શંકાનું નિર્માણ થાય છે.
બ્લોટીંગ પેપર પર પડેલી શાહીનું ટપકું જેમ પ્રસરતું જાય છે તેમ મનમાં દાખલ થયેલી શંકા પણ ફેલાઈને માનવીને માનસિક, શારીરિક, વ્યહારિક તથા આર્થિક રીતે તંગ કરે છે.
શંકા થતાં કોઈ પર પણ આરોપ મૂકતા પહેલાં પોતે વસ્તુસ્થિતિને ચકાસવી જ જોઈએ જેથી કોઈ નિર્દોષ માનવી ભૂલનો શિકાર બની ના જાય.
કોઈક વ્યક્તિનો ઈરાદો ન પણ હોય પરંતુ તેની શરતચૂકને કારણે તેના પર શક કરવાથી જિંદગીભરનો નાતો તૂટી જાય છે.
વર-વહુ, બાપ-દીકરો, ભાઈ-ભાઈ, ભાગીદારી, શેઠ-નોકર તથા દોસ્તીમાં આપસમાં શંકા ઉત્પન થતાં કોઈક વખત બોલાચાલીથી માંડીને જીવનભરનાં અબોલા થઈ જાય તો કોઈક વખત હત્યા કરવા તૈયાર થઈ જાય કે હત્યા કરી નાખતા પણ અચકાય નહિ તેવા સંજોગો ઉભા થઈ જાય છે.
શંકાના વમળમાં ફસાતા માનવીની પ્રગતિ રૂંધાઈ જાય છે તેથી તેનું નિવારણ થવું જ જોઈએ.
અમુક વ્યક્તિઓ દરેક વસ્તુસ્થિતિને શકની નજરે જ જોતી હોય છે. કંઈ પણ બનાવ બને તો ‘આમ કેમ થયું’ અને ‘આમ કેમ ના થયું’ , ‘તેણે આમ શું કામ કર્યું હશે’ તેવા મનમાં વિચાર આવતાં જ તે વિચારોમાં જ તે અટવાઈ જતાં બીજા કાર્યો સફળતાથી પાર પાડી શકતો નથી.
*શંકામાં શેકાતી માનસિક વેદના.* શંકા એક બહુ જ ભયાનક અવગુણ છે. હજી ભોળા માનવી હોય કે ભલા માનવી હોય તો તે આનંદિત રહી શકે છે પરંતુ શંકાશીલ માનવી દુ:ખમાં ને દુ:ખમાં જ રાચતો રહે છે. દરેક માનવીએ નકારાત્મક વિચારો ન કરતા વિધેયાત્મક વિચારો ઈરવા જોઈએ.
શંકાની ઉત્પતિથી નાના ઝગડાથી માંડીને મોટી મોટી મારામારી પણ થવાના બનાવો બનતા રહે છે.
*વહેમનું કોઈ ઓસડ જ નથી, પરંતુ ફક્ત પોતાનું મન જ શંકા દૂર કરી શકે છે.*
બાળપણથી જ બાળકોને સંસ્કાર સીંચતા મન સંકુચિત ન રાખતા વિશાળ મન રાખતાં શીખવવું જોઈએ. સંદેહ કરતા પહેલાં પોતે વિચાર કરવો જોઈએ કે આમ કેમ થયું હશે અને તે છતાં પોતાનું મન ન માને તો સામે ચાલીને શંકાનું નિવારણ કરી લેવું જોઈએ.
આપણે માની લીધેલા વિચારો સાચા ન પણ હોય. અલબત્ત એ સાવ પાયા વિહોણા પણ હોઈ શકે તેથી પોતે ધારેલી પરિસ્થિતિ હોય તેનાથી વિપરીત પરિસ્થિતિ પણ હોઈ શકે છે.
શંકાનું નિવારણ બીજું કોઈ નહિ પણ માનવી પોતે જ કરી શકે છે.
*વહેમનું ઓસડ દહાડા* કહેવતથી સમજાય છે કે શકને દૂર કરવા ફાંફા મારવાને બદલે ક્યારેક બધું સમય પર છોડી દેવં જોઈએ.
લેખક:- શ્રેણિક દલાલ…. શ્રેણુ
