“આજનો યુગ” વર્તમાન પત્રના શ્રી મહાસુખભાઈ તથા તેમના પુત્ર ચી. ફાલ્ગુનને તેમના સચોટ અને સફળ પત્રકારત્વ માટે ધન્યવાદ. ડિજિટલ પ્લેટફોર્મ પર The News Express. ( News Portal ) ના શ્રી ગણેશ આપણા જેવા વાચકો માટે શુભ સમાચાર છે.

ઇલેક્ટ્રોનિક નો યુગ શરૂ થયો ત્યારે થતું હતું પ્રિન્ટ મીડિયા નો અંત આવશે છાપા વર્તમાનપત્રો વંચાતા બંધ થઈ જશે પરંતુ એવું બિલકુલ ન થયું. કોરોનામાં ઘરે વર્તમાન પત્ર ( Hard Copy ) નહોતી આવતી પણ ( Soft copy ) થી કામ ચલાવી લેતા હતા. ચાલી જતું હતું પછી તો વર્તમાન પત્રોની સોફ્ટ કોપી આપણા રોજિંદા જીવન ચક્ર સાથે વણાઈ ગઈ. એમાંય મહાસુખભાઈ અને ચી. ફાલ્ગુને “આજના યુગને” પ્રિન્ટ મીડિયાની સાથે સાથે ડિજિટલ પ્લેટફોર્મ પર પણ લાવી, મોબાઇલમાં છાપુ જોવાની વાંચવાની આદત પાડી દીધી. અને આજે “The News Express” શરૂ કરી ડિજિટલ મીડિયાના માધ્યમથી સફળતાના સોપાન ખેડી રહ્યા છે. ત્યારે તેમના પત્રકારત્વને વંદન કરવાનું મન થાય.

લેખન અને સાહિત્ય સાથે સીધો નાતો રાખનાર મારા જેવા લોકોને પણ પિતા – પુત્ર માર્ગદર્શક બન્યા છે. “આજનો યુગથી” લોક ચાહના અર્જિત કરનાર તેઓ બંનેને “The News Express” ની સફળતા માટે શુભેચ્છા પાઠવું છું ધન્યવાદ…

– અમર પંડિત 

(લેખક સંપાદક) આલોક પ્રકાશન

 

લેખક-સંપાદક અમર પંડિતની સર્જનયાત્રા

શ્રી અમર પંડિતે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઈ. સ. ૧૯૮૦માં આલોક પ્રકાશનની સ્થાપના કરી. આ દરમિયાન ચરિત્રલેખન ક્ષેત્રે તેમણે આશરે ૩૦૦થી પણ વધુ સંક્ષિપ્ત ચરિત્રો—રેખાચિત્રો આલેખ્યાં છે, જે સમયાંતરે વિવિધ પુસ્તકસ્વરૂપે, સામયિકોમાં અને પ્રતિષ્ઠિત વર્તમાનપત્રોમાં અવારનવાર પ્રકાશિત થયાં છે.

વિવિધ ક્ષેત્રે પોતાનું યશસ્વી પ્રદાન કરનાર ગુજરાતનાં ૧૧૧ નારી રત્નોનાં જીવનચરિત્રો આલેખી શ્રી પંડિતે પ્રકાશિત કરેલ ‘વીરાંગનાઓની વસુંધરા ગરવી ગુજરાત’ પુસ્તક ગુજરાતની પ્રબુદ્ધ જનતાએ વખાણ્યું અને વધાવ્યું હતું. આ પુસ્તકનું વિમોચન ઍમ.ઍસ. યુનિ.નાં કુલપતિ શ્રીમતી મૃણાલિનીબહેન પુવારના હસ્તે થયું.

સમાજ વચ્ચે રહી લોકકાર્યમાં ઓતપ્રોત વિવિધક્ષેત્રે વિશિષ્ઠ પ્રદાન કરનાર વ્યક્તિત્વોનું સુંદર આલેખન તેમણે કર્યું જે, ‘સામાજિક વૈષ્ણવજન’ રૂપે પ્રકાશિત થયું. આ પુસ્તકનું વિમોચન ઋષિતુલ્ય શતાયુ કે. કા. શાસ્ત્રીજીએ કર્યું. તે અવસર અમર પંડિતે સાહિત્યક્ષેત્રે કરેલ કાર્યને સમાજસ્વીકૃતિ મળ્યા તુલ્ય ગણી શકાય.

શ્રી પંડિત દ્વારા લિખિત યશસ્વી પાટીદારોનું જીવન-દર્શન કરાવતા પુસ્તક ‘ધરતીથી આકાશ’નું લોકાર્પણ ભારતમાતા મંદિર હરિદ્વારના પૂજ્ય સ્વામીશ્રી સત્યમિત્રાનંદગિરીજીના વરદ્દહસ્તે થયું હતું.

તેમણે અવકાશ – વીરાંગના સુનીતા વિલિયમ્સની અવકાશયાત્રાને આવરી લેતી પુસ્તિકા ‘ગગનગામી ગરવી ગુજરાતણ સુનીતા વિલિયમ્સ’નું આલેખન કર્યું. તેનું વિમોચન સુનીતા વિલિયમ્સે તેમની અમદાવાદની મુલાકાત દરમિયાન કર્યું.

અમર પંડિત દ્વારા લિખિત તેમજ વિક્રમ સારાભાઈ કોમ્યુનીટી સાયન્સ સેન્ટર દ્વારા પ્રકાશિત ‘માનવતા સમર્પિત કર્મયોગી વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઈ’ પુસ્તકનું વિમોચન ૧૨મી ઑગસ્ટ, ૨૦૦૯ના રોજ મૃણાલિની સારાભાઈના વરદ્દહસ્તે કરવામાં આવ્યું.

સ્વર્ણિમ ગુજરાતનાં શુભ અવસરે શ્રી અમર પંડિત દ્વારા લિખિત અને કુસુમ પ્રકાશન દ્વારા પ્રકાશિત ગરવી ગુજરાતની ઓળખ સમી ‘ગુર્જર વંદના શ્રેણીના ૭ પુસ્તકોનું વિમોચન થયું. આ ઉપરાંત ૧૬ જાન્યુઆરી ૨૦૧૧ના રોજ કડવા પાટીદાર પરિવાર ટ્રસ્ટ આયોજિત ‘લવ-કુશ પાટીદાર મહાસંમેલન’ના અવસરે અમર પંડિત દ્વારા લિખિત—સંપાદિત પુસ્તક થીવનનાં તેજ—તિમિર’નું વિમોચન હજારો પાટીદારોની હાજરીમાં ભારતમાતા મંદિર, હરિદ્વારના સ્થાપક પ.પૂ. સ્વામીશ્રી સત્યમિત્રાનંદગિરિજી અને સ્વામિનારાયણ સંપ્રદાયના પ.પૂ. ડૉક્ટરસ્વામિએ સંયુક્તપણે કર્યું.

શ્રી અમરભાઈ દ્વારા લિખિત ગઈ સદીના ઉદ્યોગ પુરુષ સ્વ. ધીરુભાઈ અંબાણીનાં જીવનવૃત્તાંત આધારિત પુસ્તક ‘સફળતાનું બીજું નામ ધીરુભાઈ અંબાણી’ ટૂંક સમયમાં પ્રતિષ્ઠિત પ્રકાશક આર. આર. શેઠની કંપની દ્વારા પ્રકાશિત થશે. શ્રી અમર પંડિતની આદર્શ ચરિત્ર લેખનની આ યાત્રા નિરંતર ગતિવંત રહે તેવી શુભેચ્છા.