કાલની ચૂકવણીનો વિચાર કરીને આજની ખરીદી પર અંકુશ રાખવામાંજ મઝા છે.
હાલના યુગમાં ક્રેડિટ કાર્ડ થકી ખરીદી કરવાનું ઘણું જ સરળ તથા મહત્વનું બની ગયું છે અને તેનો ઉપયોગ પણ ઘણો જ વધી ગયો છે. બેંક મેનેજમેન્ટ લોકોને ખરીદી કરવામાં સુગમતા કરવા સારી એવી સવલતો આપતી થઈ છે તથા તેઓની ગળાકાપ હરિફાઈથી લોકોને લોભામણી જાહેરખબરો આપીને તથા ટેલિફોન કરીને લલચાવે છે અને જાતજાતની યોજનાઓ જનતા સમક્ષ મૂકે છે, જે આપણા જીવનમાં ખરીદી કરવામાં મોટો ભાગ ભજવે છે.
દેશ વિદેશની બેંકો લોકોની ખરીદી વધારવામાં તથા ધંધો વીકસાવવામાં સગવડતા આપવામાં ક્રેડિટ કાર્ડ તથા બેંક લોન વિશેષ મદદરૂપ બની રહી છે.
આ ધીરાણ યોજનામાં દેખીતા ફાયદા તથા સંતાયેલા ગેરફાયદાનો પણ ઘણો સમાવેશ થયેલો છે. આપણને ક્રેડિટ કાર્ડ તથા બેંકની સગવડો, વસ્તુઓ તાત્કાલિક મેળવવામાં તથા ભોગવવામાં ઘણી જ સહાયરૂપબને છે તથાઆપણે આપણું કામ કાઢીને આત્મષંતોષ મેળવીએ છીએ.
ગજવામાં પૈસા નથી પણ શેની ચિંતા? છે ને ક્રેડિટ કાર્ડ પછી શું? ત્રીસથી પિસ્તાલીસ દિવસ સુધી વગર વ્યાજે પૈસા ચૂકવવાનાં છે. હમણા આપણે ક્યા ચૂકવવાના છે જે પછીથી ચૂકવીશું, એમ વિચારી નચિંતે ખરીદી કરવા પ્રેરાઈએ છીએ. ખિસામાં પૈસા લઈને ખરીદી કરવા શા સારું જોખમ લેવું? જુદી જુદી બેંકો હવે ખરીદી પર રિવોર્ડ પોંઈટ પણ આપે છે. આ રિવોર્ડ પોંઈટ પણ તેના ગ્રાહકોને વધું ખરીદી કરવા લલચાવે છે.
ક્રેડિટ કાર્ડ પણ સમાજમાં મોભો વધારવામાં કાંઈ બાકી રાખ્યું નથી. અમુક વ્યક્તિઓને તો જુદી જુદી બેંકોના ક્રેડિટ કાર્ડ રાખવાનો શોખ હોય છે જે તેમને પોતાની વાહ વાહ કરાવવામાં મદદરૂપ બને છે.
બેક નવું ઘર લેવામાં, ગાડી ખરીદવામાં, ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે, ધંધામાં, ખેતીમાં અથવા કોઈ પણ વસ્તુઓ વસાવવામાં લોન આપવા તૈયાર થઈ ગઈ છે. તથા આ મંદીના કાળમાં લોકોને સહાયરૂપ બનવા પ્રયત્ન કરે છે.
હાલમાં તમે ઘરમાં બેઠાં બેઠાં અડધી રાતે પણ ‘લોન-ઓન-ફોન’ ની સગવડતાનો ઉપયોગ કરી શકો છો. ટેલીફોન કરી આપ આપની બેંકમાં તમારા કાર્ડ પર મળતી લોનનો આંકડો મેળવી લોન-ઓન-ફોન, કોઈ પણ પત્ર વ્યવહાર વગર તથા માથાકૂટ વગર બે થી ત્રણ દિવસમાં લોનનો ચેક મેળવી શકો છો. લોનના કાગળ ઉપર પણ સહી સિક્કાની પણ જરૂર પડતી નથી.
પોતાની અંગત આવકની તથા મિલકતની આકારણીની ચકાસણી કર્યા બાદ બેંક ક્રેડિટ કાર્ડસ પણ આપવા તપ્તરતા બતાવે છે તથા આપણી વિથડ્રોયલ લિમિટ પાસ કરે છે. બેંકોની ગળાકાપ હરિફાઈ હોવાથી અમુક બેંકો દાખલ ફી પણ માફ કરવા તૈયાર થાય છે તો કોઈ બેંક છ મહિનાથી પહેલા વર્ષની ફી પણ છોડી દેવા તૈયાર થાય છે તથા લોકો પ્રલોભનમાં આવીને સભ્ય બની જાય છે તથા આ લોન મેળવવા તમને અમુક રીવોર્ડ પોઈંટ અથવા ચાંદીના સિક્કા પણ આપે છે. આપણા વતી બેંક જેને પેમેન્ટ આપવાનુ હોય તેને આપી દે છે. આપણું કામ ઘણું જ સરળ બની જાય છે. લગ્ન પ્રસંગથી માંડીને કોઈ પણ અવસર સહેલાઈથી ઉકેલાઈ જાય છે, પણ ક્રેડિટ કાર્ડનો દુરુપયોગ ગ્રાહકને કેટલો પાયમાલ બનાવી દે છે તેનો ખ્યાલ પછીથી આવે છે. અમુક ગ્રાહકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ગમે તેમ તથા આડેધડ અથવા ન લેવાની વસ્તુઓ લેવામાં કરે છે તથા પછી ચૂકવણી કરતા તેમને નવનેજા પાણી ઉતરે છે.
ક્રેડિક કાર્ડ ધારક પોતાની મુનસફીથી વસ્તુઓ ખરીદવામાં ક્રડિટ કાર્ડ વાપરે છે. બેંક સંચાલકો ક્રેડિટ કાર્ડની સાથે એ. ટી. એમ. કાર્ડ પણ આપતી હોય છે જેથી દિવસે કે રાતે ગમે તે સમયે ગ્રાહક એ. ટી. એમ. કેન્દ્રમાં જઈને બેંકે નક્કિ કરેલ મર્યાદિત રકમ ઉપાડી શકે છે.
ક્રેડિટ કાર્ડ જાળવીને રાખવું પડે છે તથા ગેરવલ્લે ન જાય તેની ખાસ કાળજી રાખવી પડે છે નહિતર અહિતેચ્છુનાં હાથમાં આવી જતાં તે કાર્ડનો ગેરઉપયોગ થતાં ગ્રાહકને મુંડાવું પડે છે.
એમેરિકા જેવા વિકસિત દેશમાં મોટા ભાગના લોકો ક્રેડિટ કાર્ડ તથા બેંકના ચેકનો ઉપયોગ કરે છે. તથા ઘરમાં રકમ નજીવી રાખે છે કારણ કે ત્યાં મોટા ભાગની વસ્તુઓ કે સેવાઓ ક્રેડિટ કાર્ડ અથવા ચેકથી મેવી શકાય છે. આપણા ભારત દેશમાં પણ ક્રેડિટ કાર્ડનો વપરાશ વધતો ગયો છે તથા લોકો ક્રેડિટ કાર્ડનું મહત્વ સમજતા થયાં છે.આ ક્રેડિટ કાર્ડ પ્લાસ્ટીક મની તરીકે પણ ઓળખાય છે.
જુદી જુદી બેંકો વિવિધ કાર્ડ
પણ આપે છે, જેમ કે ઈન્ટરનેશનલ કાર્ડ, વિસાકાર્ડ, ગોલ્ડ કાર્ડ, ડાઈનર કાર્ડ, પેટ્રો કાર્ડ તથે ડેબિટ કાર્ડ વગેરે.
ક્રેડિટ કાર્ડ ધારકે બીલ ચૂકવવામાં નિષ્ફળ જતાં વ્યાજ તથા પૈસારૂપી દંડ ભરવો પડે છે. ગાડી કે ઘર ખરીદવાં બેંક થકી લીધેલી લોન ભલપાઈ કરવામાં જો ગ્રાહક
નિષ્ફળ જાય તો અમુક બેંક સંચાલકો દાદાગીરીથી પૈસા વસુલ કરવાનાં દાખલાઓ છાપામાં ચમકે છે.
હાલમાં બેંકો ઘરમાં કે ઓફીસમાં વારંવાર ટેલિફોન કરીને પૂછપરછ કરે છે કે આપને ઓવર ડ્રાફ્ટ ફેસીલીટી જોઈએ છે? આપને કાર ફાઇનાન્સ જોઇએ છે? આપને ક્રેડિટ કાર્ડ જોઇએ છે? તથા પ્રાચાર માધ્યમ દ્વારા અખબાર અને ટી. વી. પર પણ જાહેરખબરો આપીને તથા કોઈ હોટલમાં ડીનરનું આમંત્રણ આપીને ચેકબુક લાવવા સમજાવીને જુદી જુદી યોજનાઓ આપીને લોકોને લલચાવે છે. એક બાજુ આકર્ષણ રૂપે અમુક ગ્રામ સોનુ આપે તો બીજી બાજુ હપ્તામાં વધારો કરે જે સામાન્ય લોકોને ખબર પણ ન પડે. કોઈ માઈનો લાલ નુકશાન તો ન જ કરે.
આજકાલ દેખાદેખીથી વસ્તુઓ વસાવવા આપણે આપણી આર્થિક મર્યાદા ભૂલી જઈને ક્રેડિટ કાર્ડ માધ્યમ દ્વારા વસ્તુઓ મેળવી લઈને આત્મસંતોષી બનીએ છીએ. પરંતુ ક્રેડિટ કાર્ડથી પર ખરીદી કરવા પર જો અંકુશ નહિ રાખીએ તો આપણે આફતરૂપી વંટોળમાં ફંગોળાઈ જઈશું.
કાલની ચૂકવણીનો વિચાર કરીને આજની ખરીદી પર અંકુશ રાખવામાંજ મઝા છે.
હમણાં હમણાં આડંબર બહુ વધી ગયો છે તથા ક્રેડિટ કાર્ડનો દુરુપયોગ તથા બેંક થકી ગાડી માટે લોન લઈને પોતાના દીકરા કે દીકરીના લગ્ન માટે પૈસાવાળું ઘર તથા પાત્ર મેળવવા પ્રયત્ન કરી તથા પોતાનું નિમિત્ત પુરું થતા ગાડીનો હપ્તો ભરવાને અસમર્થ બનતા ગાડી પરત કરી દેવી પડે છે. હપ્તો ભરતાં નાકે દમ આવતા, ન છૂટકે બેંકવાળા ગાડી જપ્ત કરી લે છે.
ખરીદી કરવા રોકડા આપી ઉધારીમાં ન પડતાં આપણે ચેનથી સૂઈ શકીએ છીએ પણ જ્યારે વગર સમજે તથા વિવેકભાન ભૂલી જઈને ક્રેડિટ કાર્ડ દ્વારા આડેધડ ખરીદી કરતાં આપણે જ આપણા શરીરમાં કેન્સર રૂપી રોગ આમંત્રિએ છીએ તથા આ એક વ્યસન બની જાય છે અને આપણા પર આર્થિક બોજો વધતો જાય છે તેનો ખ્યાલ નથી રહેતો તથા જ્યારે ખબર પડે છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે.
માણસની લાલસાવૃત્તિ, આડંબર તથા પઝેસિવનેસ છોડવી જ પડશે. આજે લીધેલી ક્રેડિટ ફેસિલિટી અથવા લોન ભરપાઈ કરવામાં નિષ્ફળ જતાં ધીમે ધીમે નાગચૂડમાં ફસાઈ જઈએ છીએ તથા તે લોન ભરપાઈ કરવા માટે બીજી લોન લેવી પડે છે.
આપણે ખોટા પ્રલોભનોભાં આવી ન જવું ન જોઈએ એવો દરેક માણસે સંકલ્પ કરવો જોઈએ. પથારીની બહાર પગ લંબાવવો ન જોઈએ અથવા ગજાબહાર વધારે વસાવવું ન જોઈએ.
લેખક:– શ્રેણિક દલાલ …. શ્રેણુ

