સમય એક એવો શબ્દ છે જેને નથી કાનો કે માત્રા તથા નથી દીર્ઘ અથવા હૄર્સ્વ. દેખાવમાં સાવ સાદો શબ્દ પરંતુ વર્તવામાં સૌથી વધુ બળવાન છે. જીવસૃષ્ટી શરૂ થઈ તે પહેલાંથી સમય તો ચાલ્યો આવે છે તથા આજે અબજો વર્ષોના વહાણા વીતી ગયા પરંતુ તે અટક્યા વગર ચાલતો જ રહ્યો છે. જેનો જન્મ નથી કે જેનું મરણ નથી એ કદી થોભવાનુ નામ જ નથી લેતો પરંતુ હરઘડી તથા હરપળ તે તેની  ગતિથી ચાલ્યા જ  કરે છે. આવવાનો સમય આવી જશે અને વીતી પણ જશે પણ કોઈના ઇશારાથી કે કોઈના માટે તે રોકાતો નથી. સમયને કોઈની પડી હોતી નથી પછી ભલેને તે તિર્થંકર હોય કે મોટા  તપાસ્વી, નેતા હોય કે અભિનેતા, અમીર હોય કે ગરીબ. સમયને માટે બધાં જ સરખા હોય છે. સમય બળવાન છે જે માનવીને આગળ લાવી શકે છે કે પછડાટ પણ આપી શકે છે. અમુક માનવી *મારો સમય ખરાબ છે* તેવું કહેવાવાળા બહાના જ કાઢતા હોય છે. સમય કદી ખરાબ હોતો નથી પરંતુ પોતાનું ભાગ્ય ખરાબ હોઈ શકે છે.
સમય ભૌતિક ચીજ નથી કે જેને નરી આંખે પણ નીરખી શકાય કે જેને સ્પર્શ પણ કરી શકાય. એની  વણથંભી ગતિ  હોવાથી તે કદી રોકાતો નથી. જેનામાં જીવ ન હોવા છતાં પણ તે ચાલતો જ રહે છે અને જેનું નિયમન કોઈના હાથમાં હોતું નથી.  અમુક વિદ્યાર્થીઓ વિચારે કે ‘પરિક્ષાને તો હજી વાર છે તો શી ઉતાવળ છે’ એવું વિચારતા ભણવામાં ઢીલ મુકી દેતા હોય છે પરંતુ સમય પોતાની ગતિથી ચાલતા પરિક્ષાનાં દિવસો નજદીક આવી જતાં ઘણું મોડું થઈ જાય છે અને તેને તૈયારી કરી ન હોવાથી ગભરાઈ જતાં તે પરીક્ષામા નિષ્ફળ થઈ જાય કે એકદમ ઓછા ગુણથી સફળ થતાં કોલેજમાં દાખલ થવામાં ફાંફા મારતા રહે છે.
માનવીએ પોતાના આગામી કાર્ય કરવા માટે  સમયની પણ ગણતરી ધ્યાનમાં રાખીને જ આગળ ચાલવામાં પ્રગતિ કરી શકાય છે નહિતર તે છેવટે અફસોસ કરતો રહી જશે. કોઈપણ યોજના બનાવવામાં સમયની ગણતરી પણ કરાતી હોય છે. અમુક સમયમાં કાર્ય થવું જ જોઈએ તેવું વિચારાતા યોજનાનાં સફળતાના દ્વાર આપોઆપ ખૂલી જાય છે. કોઈ પણ કારખાનામાં  સમયનું મહત્ત્વ ઘણું જ રહે છે. કોઈ પણ ટેન્ડર ભરવામાં કે નિકાસ કરવામાં પૈસા તથા ગુણવત્તા સાથે સાથે સમયની પણ બાંયધરી કરાતી હોય છે.
સમય સમયનું કામ કરતો જ રહે છે. માનવીએ પણ સમય સાથે ચાલતા રહેવું જ પડશે નહિતર સમય ક્યાંનો  ક્યાં આગળ નીકળી જશે અને પોતે પાછળ રહી જશે. અમુક માનવીને એવી ટેવ પડી ગઈ હોય છે કે પછી કરીશું અથવા કાલે કરીશું પરંતુ તેઓની કાલ કે પછી કદી આવતાં જ નથી અને સમય ન રોકાતા તે વ્યક્તિ હરહમેંશ નિષ્ફળ જ રહેતો હોય છે.
સમય નથી રોકાતો કદી, થઈ છે જ્યારથી જીવસૃષ્ટીઆ જગમાં,
સમય નહિ રોકાય કદી, ભલે બની જાય દુનિયા ખાક ભવિષ્યમાં.
સમય છે બળવાન, ન કરી શકે કોઈ એને આહવાન,
સમય છે શક્તિમાન, ન કરી શકે કોઈ એને પડકાર.
સમયને ન સમજો સાધારણ, એ તૉ છે અસાધારણ,
સમયને પારખવામાં કરી છે જો ભૂલ, તો આપી જાશે હાથતાલી.
બનવા કાળે બનવાનું  છે, તો તે બનીને જ રહેશે,
તો પછી થઈ જાઓ તૈયાર, કરવા સામનો એનો વિના સંકોચે.
*સમય જોતો નથી રાત કે દિવસ, મહિના કે વર્ષો, દસકો કે યુગો,
દોડવીર પણ થાકી જાય દોડતા, બનાવી ન શકે સમયને કોઈ મહાત.
સમય અમૂલ્ય છે જેની કિંમત અંકાતી જ નથી. સમયને કદી વયનો બાધ આવતો નથી. દુ:ખનું ઓસડ દહાડા  શોક દૂર કરવાનો ઉત્તમ ઈલાજ ધીરજથી સમય પસાર કરાતા ગમે તેવું દુ:ખ ભૂલી શકાય છે. ગમે તેવું દુ:ખ આવી પડતા રામબાણ ઈલાજ બની રહે છે. પૈસાથી બધું જ ખરીદી શકાય છે પરંતુ સમય તથા સચ્ચાઈ કદી ખરીદી શકાતા નથી.
સમય ને જે માનવી સમજે છે તે જ સમયની સાચી કિંમત આંકી શકે છે. સમય સાચવીને ચાલનાર વ્યક્તિ નિયમિત બની જતાં લોકો તેને માનની  નજરે જુએ છે. રમત-ગમતમાં, હરિફાઈમાં, વેપારમાં, મુસાફરીમાં, વ્યવહારમાં સમયની કિંમત અમૂલ્ય ગણાય છે. ડોક્ટર હોય કે દરદી, વિદ્યાર્થી હોય કે પરિક્ષક, માલિક હોય કે નોકર, વકિલ હોય કે અસીલ, વ્યવસાયીક હોય કે અરજદાર, વાહનચાલક હોય કે વૈજ્ઞાનિક….. બધાએ સમયનું મહત્ત્વ સમજવું જોઈએ તથા તેનું પાલન કરવું જોઈએ.
આવેલી તક ન જવા દો હાથમાંથી કદી,
વારંવાર એ સમય ન આવે પાછો કદી
જો પસાર થઈ ગઈ એ ઘડી હાથમાંથી,
તો વારો આવશે પસ્તાવાનો જિંદગાનીમાં
હાલનાં આ આધુનિક તથા ઝડપી જમાનામાં પાછા પડ્યા તો હાર્યા. માનવીએ સમયની સાથે જ ચાલવું પડે છે નહિ કે સમયે માનવીની સાથે. દુનિયામાં ગમે તેવી અથવા ગમે ત્યારે
ઉથલપાથલ થાય તે છતાં સમય તેના ક્રમે જ ચાલતો રહે છે.
સમય છે બળવાન જે નથી રોકાતો કદી
લેખક શ્રેણિક દલાલ…શ્રેણુ