મહુવામાં તુલસી જન્મોત્સવ પ્રસંગે વાલ્મીકિ, વ્યાસ, તુલસી અને રત્નાવલી સન્માન થયાં અર્પણ
તુલસી જન્મોત્સવ પ્રસંગે કૈલાસ ગુરૂકુળ મહુવામાં વાલ્મીકિ, વ્યાસ, તુલસી અને રત્નાવલી સન્માન અર્પણ કરતાં શ્રી મોરારિબાપુએ ભાવ નિરૂપણ વ્યક્ત કરી કહ્યું કે, સંત શ્રી તુલસીદાસજી એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ જ છે.
ગોસ્વામી શ્રી તુલસીદાસજી પ્રાગટ્ય દિવસ પ્રસંગે યોજાયેલા સન્માન અર્પણ પ્રસંગે પ્રેરક શ્રી મોરારિબાપુએ તેમનાં ભાવ ઉદ્બોધનમાં નિરૂપણ કરતાં કહ્યું કે, સંત શ્રી તુલસીદાસજી એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ જ છે, જેને ક્રમશઃ ચાર મુખ, ચાર ભુજા અને ત્રણ નેત્ર છે.
શ્રી મોરારિબાપુએ તુલસીદાસજી આ ભાવરૂપ આપતાં જણાવ્યું કે, બ્રહ્માનાં ચાર મુખ એટલે સન્મુખ, ગોમુખ, વેદમુખ અને ગુરુમુખ છે. વિષ્ણુનાં ચાર બાહુ એટલે અજાન, વરદ્દ, અભય અને પાલક બાહુ છે આ સાથે મહેશનાં ત્રણ નેત્ર સત્ય, પ્રેમ અને કરુણા છે.
કૈલાસ ગુરૂકુળમાં જગદગુરુ આદિ શંકરાચાર્ય સંવાદગૃહમાં આ પ્રસંગે શ્રી મોરારિબાપુએ આ ઉપક્રમ એ તેમનાં માટે શ્રવણ પર્વ ગણાવ્યું અને આગામી વર્ષે પાંચ દિવસનાં બદલે આ સંગોષ્ઠી સાથે જન્મોત્સવ સાત દિવસ ઉજવવા રાજીપા સાથે જાહેરાત કરી.
આ સમારોહમાં વાલ્મીકિ સન્માન શ્રી રામાનંદદાસજી મહારાજ (અયોધ્યા) તથા સ્વામી શ્રી રત્નેશજી મહારાજ (અયોધ્યા), વ્યાસ સન્માન શ્રી યદુનાથજી મહારાજ (અમદાવાદ) તથા પંડિત શ્રી ગજાનન શેવડેજી (મુંબઈ), તુલસી સન્માન પાર્શ્વગાયક શ્રી મૂકેશજી વતી શ્રી નીતિનજી (મુંબઈ) તથા શ્રી અખિલેશ ઉપાધ્યાયજી (જમનિયા) અને રત્નાવલી સન્માન શ્રી હિરામણી માનસ ભારતી (વારાણસી)ને એનાયત કરાયેલ. આ પ્રતિભાઓને શ્રી મોરારિબાપુનાં હસ્તે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ સાથે સન્માન પદક અર્પણ કરવામાં આવ્યાં.
સન્માનિત શ્રી મૂકેશજીનાં પુત્ર શ્રી નીતિનજી દ્વારા તેમનાં પિતાનાં સ્મરણ સાથે રામાયણ સંબંધી ધ્વનિ મુદ્રણ સંગ્રહ લગાવ અને ઉલ્લેખ કરી શ્રી મોરારિબાપુ પ્રત્યે અહોભાવ વ્યક્ત કર્યો અને તેમના કંઠે વિનયપત્રિકા રચના ગાન રજૂ થયું.
શ્રી હરિશ્ચંદ્ર જોષીનાં દ્વારા સંચાલન સાથેનાં ઉદ્બોધનમાં આ પ્રસંગ અને પર્વ મૌલિક હોવાં અંગે ઉલ્લેખ કર્યો.
શ્રી મોરારિબાપુનાં સાનિધ્યમાં બુધવારથી શનિવાર દરમિયાન તુલસી સાહિત્ય સંગોષ્ઠી અને રવિવારે જન્મોત્સવ સન્માનમાં મોટી સંખ્યામાં વિદ્વાન વક્તા કથાકારો સામેલ થયાં.