જેવી સોબત તેવી અસર, જેવો સંગ તેવો રંગ
માનવીના સંસ્કારને ઓળખવા માટે એ કેવા લોકોની સોબતમાં છે એ જાણવું જરૂરી છે. સારી સોબત મળે તો માનવીનો ઉદ્ધાર થઈ જાય, પરંતુ ખરાબ સોબત માનવીને પાયમાલ કરી નાખે છે. માનવીનો જેવો સંગ હોય એવો જ એના ચારિત્ર્યની રંગ લાગે છે. અલબત્ત માનવીના મનોબળ પર પણ ઘણો આધાર રહે છે. નબળા મનના માનવી સારા ગુણોને બદલે ખરાબ ગુણો જલ્દી ગ્રહણ કરી લે છે, જેને કારણે માનવી દુ:ખની ખીણમાં સરતો રહે છે.
મનુષ્યને જો સદ્ ગુણોની સોબત મળે તો પોતે સદ્ ગુણી બને છે અને વ્યસની માણસોની સોબત મળે તો વ્યસની બનવાનો સંભવ છે.Shrenik Dalal,
પાત્રમાં રહેલા પાણીમાં જેવો રંગ નાખો તેવું પાણી બને. સંગથી તેનું રૂપ બદલાઈ જાય છે. વરસાદનું પાણી શેરડીના રોપા ગ્રહણ કરે છે અને લીમડાનું બી પણ ગ્રહણ કરે છે. એકમાં તે મીઠાશ રૂપે પરિણમે છે તો બીજામાં કડવાશ રૂપે પરિણમે છે.
આ ભૌતિક જમાનામાં લોકોએ બીજા જોડે પરિચય થતા સમજી વિચારીને સંબંધ કેળવવો જોઈએ કારણ કે એ જ પરિચય સંબંધ વધતાં પોતાના પર ઘણી અસર થઈ શકે છે.
બાળપણથી જ બાળકો પર ધ્યાન રાખવાથી ખરાબ સંસ્કાર ન પડે તે જોવાની મા-બાપની ફરજ છે. વડીલોએ ધ્યાન રાખવું જ જોઈએ કે પોતાનું બાળક કોની જોડે હળેમળૈ
છે તથા કોની જોડે તેની સંગત છે.
દૂધમાં સાકર ભેળવવાથી દૂધ ગળ્યું થાય છે પણ દૂધમાં લીંબુનો રસ ભેળળવાથી દૂધ ફાટી શકે છે તેવી જ રીતે સારી સોબત માનવીને સંસ્કારી બનાવી શકે છે અને ખરાબ સંગત માણસને દુરાચારી બનાવે છે.
જેમ સડેલી કેરી સારી કેરી સાથે મૂકતા સારી કેરી પણ સડવામાં બાકાત રહેતી નથી તેમ દુરાચારી માનવીનો સંબંધ સારા માણસને પણ દુરાચારી બનાવી શકે છે તેથી દુરાચારી માનવીઓથી દૂર રહેવામાં જ માલ છે.
સદાચારી માનવી જો દુરાચારીની સંગતમાં રહે તો તે માનવી દુરાચારી બનવામાં વાર નથી લાગતી તેટલી જ વાર, દુરાચારી માનવી સદાચારીની સંગતમાં રહે તો સદાચારી બનવામાં વાર લાગે છે. એક કુટેવ બીજી ચાર કુટેવોને આમંત્રે છે. આ આધુનિક જમાનામાં સત્સંગ કરવામાં જ મજા રહી છે.
*ગાંધીજીએ પણ કહ્યું છે કે, ‘મિત્રતા સરખા ગુણવાળા વચ્ચે શોભે અને નભે. મિત્રો એકબીજાની ઉપર અસર પાડ્યા વિના ન જ રહે.*
ગાંધીજી જ્યારે શાળામાં ભણતા હતા ત્યારે તેમને એક એવા મિત્ર જોડે સંગત થઈ કે તેઓ મિત્રના કહેવામાં આવી જઈને માંસ ખાવા માટે પણ તૈયાર થઈ ગયેલા અને તે સોબતની પણ એવી અસર થઈ કે તેમણે પોતે માંસ પણ આરોગ્યું.
ગાંધીજીની માતુશ્રી, જ્યેષ્ઠ ભાઈ તથા ધર્મ પત્નીની અનિચ્છા હોવા છતાં તેમને તે દોસ્તની સંગત ચાલુ રાખી. એને સુધારવાનો તેમનો ઇરાદો હતો પણ તે દોસ્તની વાતમાં આવી ગયા હતા.
ગાંધીજીને પછીથી ખબર પડી કે તેમની ગણતરી બરાબર ન હતી. સુધારો કરવા સારુ પણ માણસે ઊંડા પાણીમાં ઉતરવું જોઈએ નહિ. જેને સુધારવો હોય તેની જોડે મિત્રતા રખાય નહિ. ગાંધીજીને તે મિત્ર તરફથી ખબર પડી કે શાળાનાં શિક્ષકો છુપી રીતે માંસાહાર ને મદ્યપાન કરતા હતા. ગાંધીજીનો મિત્ર ગાંધીજીને સમજાવતો રહેતો હતો કે આપણે માંસાહાર નથી કરતા, તેથી આપણે નમાલી પ્રજા છીએ. અંગ્રેજો આપણા ઉપર રાજ ચલાવે છે તેનું કારણ તેમનો માંસાહાર છે. આપણા શિક્ષકો તે ખાય છે. એ વગર સમજયે ખાય ખરા? તમારે પણ ખાવું જોઈએ, ખાઈ જુઓ, અને જોશો કે તમારામાં કેટલું જોર આવે છે.
વારંવાર સમજાવાથી ગાંધીજી પીગળ્યા અને માંસાહાર સારી વસ્તુ છે, તેથી હું બળવાન અને હિંમતવાન થઈશ. અગર આખો દેશ માંસાહાર કરે તો અંગ્રેજોને હરાવી શકાય. એમ માનતા થયા.
ગાંધીજીને તો સુધારો કરવો હતો. માંસાહારનો શોખ ન હતો તથા તેમાં સ્વાદ છે એવું ધારીને પણ ગાંધીજીએ માંસાહાર નહોતો આરોગવો. એમને તો બળવાન તથા હિંમતવાન થવું હતું ને પછી અંગ્રેજોને હરાવી હિંદુસતાનને સ્વતંત્ર કરવું હતું. આ સુધારાની ધગશમાં ગાંધીજી ભાન ભૂલ્યા હતા.
બીજો પ્રસંગ પણ તાદ્શ છે કે સોબત કેવી અસર કરી શકે છે. અમદાવાદ શહેરમાં એક કરોડપતિ તથા ખાનદાન પરિવારમાં બની ગયેલી આ સત્ય ઘટના છે. આ પરિવારમાં ઉછરેલો દીકરો ભણવામાં ઘણો જ પ્રવીણ તથા બીજી કળાઓમાં પણ પારંગત તથા દેખાવડો પણ હતો. કોલેજમાં સ્નાતક થયા પછી તેના વિવાહ ખાનદાન કુટુંબની છોકરી જોડે થયા પિતાનો એકનો એક દીકરો લાડકોડમાં ઉછરેલો પરંતુ વખત જતા તે દીકરાને ખોટી સંગત મળતા તે આડે રસ્તે ચાલવા લાગ્યો. વિવિધ ધંધામાં નુકસાન કરવાથી,પત્તા, જુગાર, સિગારેટ તથા મદ્યપાનમાં પૈસા વેરવાથી પૈસાની ખેંચ પડતા પઠાણ પાસે ઊંચા વયાજે પૈસા લેવા પડેલા અને પઠાણને લખાણ એવું લખી આપ્યું કે તેના પિતાજીને પારાવાર નુકસાન થયું.
પિતાજીએ વ્હાલા દીકરાને સીધા રસ્તે લાવવા ઘણાં પ્રયત્ન કર્યા પણ તેની સંગત એવી હોવાથી તે વધારે ને વધારે બગડતો ગયો છેવટે કંટાળીને તેના પિતાજીએ સારા એવા પૈસા આપી ફારગતી લખી આપી. દીકરા જોડે છેડો ફાડી નાખતા દીકરો વટમાં ને વટમાં વડોદરા જઈને સ્થાઈ થઈ ગયો..
વડોદરામાં વિવિધ ધંધામાં પૈસા રોકાણ કરતા ઘણું નુકસાન કર્યું તથા તેના દોસ્તોની સંગતમાં વેશ્યાના રવાડે ચડતા તે ત્યાંની કોલગર્લમાં માનીતો થઈ ગયો. ધીરે ધીરે તે શારીરિક, માનસિક તથા આર્થિક રીતે પડી ભાંગ્યો. એક જમાનાનો વાઘ જેવો દીકરો બિલાડી જેવો બની ગયો.
દરેક વડીલોએ પોતાના દીકરાનું ધ્યાન રાખવું જોઈએ જેથી ભવિષ્યમાં પસ્તાવાનો વારો ન આવે તથા દરેક માનવીએ પણ પોતાનું મનોબળ એટલું જ મક્કમ રાખવુ જોઈએ.
*’સોબત એવી અસર* કદી મિથ્યા નહિ થાય તેથી સારી સોબતને ગ્રહણ કરો અને ખરાબ સોબતનો ત્યાગ કરો.
લેખક:– શ્રેણિક દલાલ… શ્રેણુ

