મારી નાત જાતનાં મોટા ભાગના લોકો અમદાવાદ શહેરમાં વસે છે. ત્યાં અમારી નાતની ક્લબ છે જેમાં એક વાંચનાલય પણ ચલાવવામાં આવે છે.
જેમાં વિવિધ લેખકોની લખેલી નવલિકાઓ, વાર્તાઓ, નિંબધમાળા, નાટકો અને કવિઓની રચેલી કવિતાઓ, ગઝલકારોની ગઝલો અને શાયરોની બનાવેલી શાયરીઓનાં પણ પુસ્તકો વસાવેલા છે. અમારી નાતના સાહિત્યરસિક સભ્યો પોતાનો શોખ મુજબ પોતાને ગમતા પુસ્તકો નિ:શુલ્ક વાંચવા ઘરે લઈ જઈ શકે અને વાંચીને પરત કરી શકે તેવી વ્યવસ્થા કરાવામાં આવી છે.
મારા અમર પ્રેમની શરૂઆતના દિવસોમાં ઉડતો લાગણી રૂપી ફુલો ખીલ્યા.
ઈ. સ. ૧૯૬૫ -૧૯૬૬ ના વર્ષના ગાળામાં મારા કોલેજ જીવનના દિવસોમાં વેકેશન પડતાં હું મુંબઈથી મારે માદરે વતન અમદાવાદ ગયો હતો. ત્યારે થોડા દિવસનાં મારા મુકામ દરમિયાન હું એક દિવસ સમી સાંજે ગોરસ સમયે મારા પિતાઈભાઈ સ્મિતેશ જોડે નાતના વાંચનાલયમાં ગયો હતો.
મને કવિ કલાપીનો કેકારાવ નામનું પુસ્તક વાંચવા જોઈતું હતુ. આ સમયે વાંચનાલયમાં માંડ બે ચાર સભ્યો હાજર હતાં. કવિ કલાપીનો કેકારાવ ચોપડી શોધતા શોધતા મારી નજર એક છોકરી પર પડી. તે પણ કોઈ એક ચોપડી શોધતી હતી. અનાયાસે અમે બન્ને એક જ book self આગળ આવી ગયાં. મને જે ચોપડી જોઇતી હતી તે મળતા હું હાથમાં લેવા ગયો ત્યારે તે જ ચોપડી લેવા તેણે પણ હાથ લંબાવ્યો. બંન્નેને એ જ ચોપડી લેવી હતી. મેં તેને એ ચોપડી લઈ જવા જણાવ્યું ત્યારે તેણે શરમાતા શરમાતા મને ચોપડી લઈ લેવા કહ્યું. મેં કહ્યુંકે તમે પહેલા લઈ લો પણ તેને પણ મને પહેલાં લઈ લેવા જણાવ્યું. મેં આભારની લાગણી વ્યકત કરી. અમને બંન્નેને એક જ સમયે એ જ વિષયનું પુસ્તક જોઇતું હતું તે ફક્ત યોગાનુયોગ જ હતું. અમે બંન્નેએ પહેલી વખત જ એકબીજાને જોયાં હતાં.
મારી પહેલી જ નજર તે છોકરી પર પડતાં તે મારા દિલમાં વસી ગઈ હતી. મેં હિમ્મત કરીને સ્મિત કર્યું ત્યારે તેને પણ શરમાતા શરમાતા સ્મિતનો જવાબ સ્મિતથી આપતાં હું ગાંડોઘેલો બની ગયો અને મારા દિલમાં પ્રેમની લાગણીના અંકુર ફુટવાનો અનુભવ થયો.
મને તે છોકરીપહેલી નજરે જ ગમી જતા તે રાતે હું સુઈ ન શક્યો ને ચોપડી વાંચતા વાંચતા તેનો ચહેરો, તેનું વહાલભર્યું સ્મિત, બંન્નેનો એક સાથે તે ચોપડી લેવા લંબાવેલો હાથ તથા ચોપડી પહેલાં મને લઈ જવાનો તેનો આગ્રહ એ બધું મારી નજર સમક્ષ આવ્યું અને તે દ્રશ્ય મારી નજરથી ખસતું ન હતું. વિચારોમાં ને વિચારોમાં આખી રાત વિતતી ગઈ અને જુદા જુદા કવિઓની કવિતાઓ તથા ગઝલકારોની ગઝલોની યાદ સતાવતી રહી.
અમૃત ઘાયલની ગઝલ યાદ આવી ગઈ.
*કાજળ ભર્યાં નયનના કામણ મને ગમે છે, કારણ નહીં જ આપું, કારણ મને ગમે છે.*
*લજ્જા થકી નમેલી પાંખણ મને ગમે છે , ભાવે છે ભાર મનને ભારણ મને ગમે છે.*
રમેશ ગુપ્તાની કવિતાની કડી પણ યાદ આવી ગઈ.
*મારા ભોળા દિલનો હાય રે શિકાર કરીને, ચાલ્યાં ગયાં આંખોથી આખો ચાર કરીને,*
*બિમાર કરીને …. મારા ભોળા દિલનો, મેં વીનવ્યું વારં વારં કે દિલ સાફ કરી લ્યો.*
વેણીભાઈ પુરોહિત…..
*તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી.*
*તારા રૂપની પૂનમનો પાગલ એકલો રે*
ધીરે ધીરે થોડાં દિવસોમાં અમને એક બીજાને મળ્યા વિના ચેન પડતું ન હતું
કવિ કલાપીની કવિતા યાદ આવી ગઈ.
*”જ્યાં જ્યાં નજર મ્ર્હારી ઠરે યાદ ભરી ત્યાં આપની, આંસુ મહીંયે આંખથી યાદી ઝરે છે આપની!”*
*માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!*
૧૯૬૬ થી ૧૯૭૩ સુધી મારે પરદેશ જવાથી અમે એક બીજાને મળી શકતા નહિ ત્યારે અમને બંન્નેને વિરહ બહું જ આકરો લાગતો હતો.
કવિ રમેશ ગુપ્તાની કડી યાદ આવી ગઇ.
*ઓ નીલગગનનાં પંખેરું તું કાં નવ પાછો આવે, મને તારી યાદ સતાવે.*
*સાથે રમતાં, સાથે ભમતા નાવલડીમાં તરતાં, એક દરિયાનું મોજું આવ્યું*
*વાર ન લાગી તુજને સરતાં આજ લગી તારી વાટ જોઉં છું.*
*તારો કોઈ સંદેશો ના આવે … મને તારી યાદ સતાવે.*
*તારા વિના ઓ જીવનસાથી જીવન સૂનૂં સૂનૂં ભાસે, પાંખો પામી ઉડી ગયો તું, જઈ બઠો ઉંચે આકાશે.*
*કેમ કરી હું આવું તારી પાસે, મને કાઈ નવ માર્ગ બતાવે … મને તારી યાદ સતાવે.*
છેવટે વિરહ પછીના સાત વર્ષના વહાણા બાદ અમારા ગ્રહના પાસા સફળ થતાં અમારા ભાગ્યમાં લખ્યા મુજબ અમારા બંન્ને પરિવારની સંમતિથી અમારા લગ્ન થતાં એક થઈ ગયાને લગભગ આજે ૫૨ વર્ષ જોત-જોતામાં વિતી ગયાં. આજે પણ અમારી દરેક લગ્ન તિથિએ આ પહેલી મુલાકાતનું દ્રષ્ય યાદ કરીને પાછું એવું જ વહાલભર્યું સ્મિત કરીને અમે બન્ને આનંદ મેળવીએ છીએ.
શ્રેણિક દલાલ …… શ્રેણુ
