‘મિયાં પડ્યા પણ તંગડી  ઉંચી રાખે’ આ લોકાકિતને  ઘણા માનવીઓ આચરણમાં મૂકતાં હોય છે. પણ જે માનવી પોતાનાથી થયેલી ભૂલને કબૂલ કરીને બીજાની પાસેથી ઠપકો સાંભળવાની  તૈયારી રાખે તે માનવીની મહત્તા વધી જાય છે. ‘માણસ માત્ર ભૂલને પાત્ર’. કોઇ પણ માનવી  હોશિયાર હોય કે સમજુ, ધીરજવાન હોય કે વિચારશીલ તે પણ  કોઇક  વખત જાણતાં કે અજાણતાં ભૂલ કરી બેસે છે.
જ્યારે આપણે ખરાં  હોઇએ ત્યારે લોકોને નમ્રતાથી આપણા વિચારના બનાવવાની  કોશીષ કરવી જોઇએ. પરંતુ  જ્યારે  આપણે  ખોટાં હોઇએ તો આપણે  ખરાં દિલથી પોતાની ભૂલ કબૂલ કરવાની હિંમત હોવી જોઇએ. આ જાતનાં હકારાત્મકતા ચમત્કાર  પરિણામ લાવશે. તથા પોતાની ભૂલ એકરાર  કરવામાં પોતાને આત્મસંતોષ તથા આનંદ મળશે.
પોતાની ભૂલ કબૂલ કરવાની હિમ્મત ઘણાં  ઓછા માણસો ધરાવતાં હોય છે. પોતાની ભૂલનો બચાવ કરવા  ખોટા બહાના કાઢી એક જૂઠું બોલતા  વધારે જૂઠાં બોલવા પડે છે.
પોતાની ભૂલનો એકરાર  કરવાથી બીજાનું દિલ જીતવાનું સરળ થઇ જાય છે. પોતાનાં ભૂલનો એકરાર ન કરતાં બીજા જોડે મતભેદ તો થાય પણ સાથે સાથે મન ભેદ થતાં કોઇક વખત સંબંધ  પણ વણસી જાય છે. પરિવારના કોઇ સભ્યની ભૂલ થાય તો વડીલે ગુસ્સા કર્યા વગર તે ભૂલને બતાવીને સુધારવાની  તક આપવાથી તે સભ્ય શરતચુકથી બીજી વખત થયેલી ભૂલનો એકરાર કરવા તૈયાર થશે જ.
             કહે શ્રેણુ…..
 “ભૂલ તો થાય માનવીથી, પરંતુ માફી માગતા ન શરમાઓ કદી,
ભૂલ તો થાય જાણતા કે અજાણતા, પરંતુ માફી માંગતા ન શરમાઓ કદી.
                                           અજાણતા થતી ભૂલને માફ કરી દેશે, પ્રભુ તારો દયા રાખીને,,
જાણીને થતી ભૂલને તું પણ તારી જાતને, માફ ન કરી શકીશ કદી”.
જો પોતાથી ભૂલ થઇ હોય તો વડીલોએ પણ નાનાની માફી માગતા અચકાવવું ન જોઇએ. બાળકો બાળપણથી  ઘરમાં  વડિલો  પાસેથી તથા શાળામાં શિક્ષકો પાંસેથી કરૂણા તથા ક્ષમાનો ભાવ રૂપી સંસ્કારનું સિંચન કરતા હોય છે.
કોઇની પણ ભૂલ પર ગુસ્સો કરતાં  પહેલાં સત્ય બિના જાણવી જોઇએ નહિતર લેવાના દેવા થઇ જાય. આજે  ભૂલ તો બીજાથી થઇ છે પણ કાલે પોતાનાંથી પણ ભૂલ થઇ શકે છે તે ભૂલવું ન જોઇએ.
                                            પર્યુષણ પર્વના અંતે સામૂહિક  પ્રતિકામણ કરતાં  જૈન શ્રાવકો જડ ચેતનાની ક્ષમા માગતાં  હોય છે તથા
મન, વચન અને કાયાથી મારાથી જાણતાં કે અજાણતાં તમને દુ:ખ થયું  હોય તો મને માફ કરશો
                                           એવું  એકમેકને  કહીને અથવા લખીને સાચા દિલથી માફી માગતા હોય છે.
લેખક:– શ્રેણિક દલાલ….. શ્રેણુ.