આજના આધુનિક જમાનામાં માનવીએ પોતાના વિચારો તથા સ્વભાવ બદલવો જ પડે છે. નવા તથા જૂના વિચારોના ઘર્ષણમાં માનવીએ જૂની પ્રણાલિકા ત્યજીને નવા વિચારો સ્વીકારવા તૈયાર રહેવું જ પડશે.
આજના યુગમાં યુવા વર્ગ જૂની પેઢીના વિચારોની અવગણના કરતા થઈ ગયા છે. નવી તથા જૂની પેઢીના અંતર વચ્ચે ફરક રહેવાથી મનદુઃખ થતા વાર લાગતી નથી. નવી પેઢી તથા જૂની પેઢીનાં લોકોનાં વિચારોમાં સમાધાન લાવવા બન્ને પેઢીઓએ પોતાના વિચારોમાં તથા પ્રણાલિકાઓમાં બાંધછોડ કરવી જ રહી નહિતર બન્ને પેઢીઓ વચ્ચેનું અંતર વધારે ને વધારે વધશે તથા તેઓ વચ્ચે માન ભૂલી જતા અપમાનનો ઘૂંટડો પીવો પડશે.
આ નવા આધુનિક જમાનામાં નવી નવી વિવિધ શોધો તથા લોકો દૂર દૂર દેશના લોકોની સંસ્કૃતિ તથા તેઓના વિચારોથી વાકેફ થતા ગયા છે. આમાં ટી. વી., કમ્પ્યુટર તથા ઈન્ટરનેટ, ફેક્સ , વિગેરેની શોધો થતા લોકો પળભરમાં દુનિયાભરનાં વિવિધ સમાચારો જેમ કે રાજકારણ, રમત-ગમત, મનોરંજન, ઈતર પ્રવૃત્તિ તથા પ્રણાલિકાથી વાકેફ થવાય છે. નવી પેઢીનાં લોકો આધુનિક વિચારો ધરાવતા હોવાથી જૂની પેઢીનાં લોકોનાં વિચારો જોડે સમાધાન કે પાછી પાની પણ કરવા તૈયાર થતા નથી.
જૂની પેઢીનાં લોકોએ નવી પેઢીની જોડે સમાધાન કરવાનો વખત આવી ગયો છે. પહેલાના જમાનામાં લોકોએ વડીલનો પડેલો બોલ ઝીલી લેવો પડતો હતો તથા વડીલ આગળ કોઈ પણ જાતની દલીલ પણ કરી શકતા નહિ. પરંતુ આ જમાનો બદલાતા હવે નવી પેઢીના લોકો વડીલ હોય કે આગેવાન, શેઠ હોય કે સત્તાધીશ કોઈની શેહશરમ રાખ્યા વગર દલીલ કરતા થઈ ગયાં છે.
ગઈકાલનો યુવા વર્ગ આજે જૂની પેઢી ગણાય છે અને આજનો યુવા વર્ગ આવતા દાયકા – બે દાયકામાં તો જૂની પેઢી ગણાશે જેથી આજના યુવા વર્ગે પણ આવતા દાયકાઓમાં વિચારો બદલવાજ પડશે. પહેલાનાં જમાનામાં ધર્મગુરુ – શિક્ષક, મા – બાપ, સાસુ – સસરા, જેઠ – જેઠાણી, ભાઈ – ભાભીની અમાન્યા જળવાતી હતી પરંતુ આજના આધુનિક વિચારો ધરાવતી નવી પેઢીના લોકો માન – અપમાનનું અંતર જ ભૂલી ગયા છે. આજની નવી પેઢીના લોકો પોતાનો અહમ્ તથા સ્વાર્થમાં રાચતા હોવાથી પોતાનો જ ફાયદો જોતા હોવાથી જૂની પેઢીના લોકો જોડે સમાધાન કરવા તૈયાર હોતા નથી અથવા કદાચ કરે તો પણ મને – કમને સમાધાન કરતા હોય છે. પરિવારમાં, સમાજમાં કે ભાગીદારોમાં જૂના વિચારો ધરાવતી વ્યક્તિઓએ થોડા નમીને નવા વિચારો સ્વીકારવા તૈયાર રહેવું જ પડશે નહિતર કલહ – કંકાસ તથા મન – ભેદ થયા વગર રહેશે નહિ.
*કહે શ્રેણુ,*
*નથી રહી કાયમી કોઈ ચીજ, આ જગમાં,*
*આવતા રહ્યો છે બદલાવ સમયે સમયે, આ દુનિયામાં.*
*ન શું બદલાયું? ન થયો શેનો ફેરફાર આ સંસારમહિ?.*
*ન રહ્યા રીત રિવાજ કે ન રહ્યા જૂનવાણી વિચારો આ યુગમાં,*
*થઈ ગયો વિકાસ હર ચીજનો આ નવા જમાનામાં..*
*બસ કરો જૂના તથા નવા વિચારોનો વાદ વિવાદ હવે.*
*સમજાવટ કરી લો હવે, છે જ્યાં વિકાસ આ આધુનિક જમાનામાં.*
હજી આજે પણ આપણા ભારત દેશમાં ઘણા પરિવારનાં સભ્યો સંયુક્ત કુટુંબમાં રહે છે તથા યુવા વર્ગનાં લોકો વડીલ તથા બુઝુર્ગ લોકોનું માન જાળવતા હોય છે. પરંતુ આજના નવા વિચારો, નવી નવી શોધો, નવી પ્રણાલિકાઓ, દેશ – વિદેશમાં વિવિધ રીત રિવાજો જોતા વડીલોએ પણ પોતાતાના વિચારો બદલવા જોઈએ જેથી સંયુક્ત કુટુંબમાં શાંતિ જળવાઈ રહે તથા તેઓએ નવા વિચારો સ્વીકારવા આનાકાની કરવી ન જોઈએ જેથી પરિવારમાં વાદ – વિવાદ થવાનો અવકાશ ઉભો ન થાય.
આજના યુગમાં પરિવારમાં, પેઢીઓમાં, ચિત્રપટ, નાટક, રમત-ગમત, સામાજિક વ્યવહાર,રહેણીકરણીમાં કે કોઈ પણ ક્ષેત્રમાં નવા અભિગમ વિચારો સાથે વિવિધતા આવવાથી લોકો તેને સ્વીકારતા થઈ ગયા છે.
આ જમાનામાં બાપ તથા જુવાન દીકરાએ એકબીજા જોડે મિત્ર તરીકે વર્તવું પડશે જેથી એકબીજાના વિચારોની આપ લે સહેલાઈથી થઈ શકે અને યોજના સરળતાથી પાર પાડી શકાશે.
નવી પેઢી અને જુની પેઢી જો એકબીજાને અનુકૂળ નહિ રહે તો અંદરોઅંદર ધર્ષણ ઉભું થતા સંબંધ વણસી જતા વાર નહિ લાગે જેથી જમાના સાથે ચાલતા શીખવું જ પડશે તથા તેમાં જ મઝા રહેલી છે.
લેખક:- શ્રેણિક દલાલ… શ્રેણુ

