World lion day:  અમદાવાદ : 2024: વન્યજીવ પ્રેમી અને સંરક્ષક, રાજ્યસભાના સાંસદ તેમજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ખાતેના ડાયરેક્ટર- કોર્પોરેટ અફેર્સ શ્રી પરિમલ નથવાણીએ વિશ્વ સિંહ દિવસ (વર્લ્ડ લાયન ડે) 2024ના અવસરે ‘ગીર ગજવતી આવી સિંહણ’ શિર્ષક ધરાવતું એક અનોખું ઓડિયો વિડિયો ગીત રિલિઝ કર્યું છે. આ ગીત તેમણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને સમર્પિત કર્યું છે.

લોકસંગીત શૈલીમાં લેખન અને સંગીતબધ્ધ કરાયેલા આ ગીતમાં ગીરની ગૌરવવંતી સિંહણ, તેની લાક્ષણિકતાઓ તથા અનેરી આભાની વાત કરાઈ છે. આ ગીતમાં સૌરાષ્ટ્રના ગીરની લોકસંસ્કૃતિની અભિવ્યક્તિની સાથે-સાથે છંદો અને અલંકારયુક્ત પ્રાદેશિક સાંસ્કૃતિક વારસાની છાંટ જોવા મળે છે. તેની શરૂઆત દુહા વડે થાય છે અને સમપાન ચારચરી (ઝડપી સ્વરમાં ગવાતી ચોપાઈ)થી થાય છે.

આદિત્ય ગઢવીએ આ ગીતને પોતાનો મખમલી કંઠ આપ્યો છે, જ્યારે કેદાર અને ભાર્ગવે આપેલા સંગીતમાં પરંપરા અને ફ્યુઝનનું અનોખું મિશ્રણ કરવામાં આવ્યું છે, તેમજ આ ગીતના શબ્દો પ્રસિધ્ધ અને યુવા ગીતકાર પાર્થ તારપરાના છે.

“ગીર ગજવતી આવી સિંહણ એ ફક્ત ગીત નથી, પરંતુ ગીરની ગૌરવવંતી સિંહણની પ્રશસ્તિ અને આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરની ઉજવણી છે. રાજવી ઠાઠ ધરાવતા ગીરના એશિયાટીક સિંહો વિશે તો અત્યાર સુધીમાં ઘણાં ગીતો લખાઈ ચૂક્યા છે, પરંતુ ગીરની એટલી જ ગૌરવવંતી સિંહણ પર કદાચ ઓડિયો વિઝ્યઅલ રજૂઆત કરવામાં આવી નથી. એશિયાટીક સિંહોના એકમાત્ર નિવાસ એવા ગીરમાં સિંહોના સંવર્ધન માટે અથાગ પ્રયત્નો કરનારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને આ ગીત સમર્પિત કરતા હું અત્યંત ગૌરવ અનુભવી રહ્યો છું. ભારતમાં એશિયાટીક સિંહોની વસતિ 2015માં 523 હતી જેમાં ઐતિહાસિક વૃદ્ધિ નોંધાતા તેનો આંક 2021માં વધીને 674 થઈ ગયો હતો,” એમ શ્રી નથવાણીએ જણાવ્યું હતું.

શ્રી નથવાણીએ સિંહ અંગે બે કોફી ટેબલ બૂક લખી છે અને ગીર અંગેના અસંખ્ય વૈવિધ્યસભર વિડિયો તથા ફોટોગ્રાફ્સ રજૂ કર્યા છે. તાજેતરમાં જ તેમણે કૉલ ઑફ ધ ગીર પુસ્તક રજૂ કર્યું છે, જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને તેમના દૂરંદેશીપૂર્ણ પ્રોજેક્ટ લાયન માટે અર્પણ કર્યું છે. આ પુસ્તકમાં વડાપ્રધાનશ્રીનો સંદેશ પણ છે. આ અગાઉ, 2017માં શ્રી નથવાણીએ ગીર લાયનઃ પ્રાઇડ ઑફ ગુજરાતનું આલેખન કર્યું હતું, જેમાં ગીરના સિંહોના અદ્દભૂત ફોટોગ્રાફ્સ રજૂ કરવાની સાથે-સાથે તેમના સંવર્ધનની તાતી જરૂરીયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ મોહક સિંહણ ગીત ગીર તેમજ એશિયાટિક લાયન્સ તરફના તેમના ઊંડા લગાવ અને પ્રતિબધ્ધતાનો પુનરોચ્ચાર કરે છે.

*****

નોંધઃ

આ ગીતને શ્રી પરિમલ નથવાણીની યુટ્યુબ ચેનલ પર રજૂ કરવામાં આવ્યું છે, જેની લિંક https://www.youtube.com/watch?v=zyIHftl0rD4

આ ગીતનો ઉપયોગ ક્રેડિટ સાથે કરી શકાશે.