માનવી પોતાનું  નસીબ લઈને જ જન્મે છે તથા સાથે સાથે હાથ, પગ, મગજ જેવા બધાં જ શરીરનાં અવયવો પણ હોય છે. પરંતુ અમુક માનવી નસીબમાં જ માનતા હોય છે અને મનમાં પોતે સમજતા હોય છે કે જે નસીબમાં લખાયું  હોય છે તે જ થવાનું છે અને નસીબ પર મદાર રાખતાં હોય છે. ખરાબ થાય તો પોતાના નસીબ પર રડતા હોય છે અને સારૂં થાય તો નસીબની બલિહારી ગણતા હોય છે.
વાતવાતમાં અમુક લોકો કોઈ પણ સારા નરસા બનાવો બનતા નસીબને જોડી દે છે. નસીબ ગત ભવમાં કરેલાં કર્મોને આધીન બનેલું હોય છે જ્યારે તે કર્મો પુરુષાર્થથી થતાં હોય છે.
માનવી જો ધારે તો શું નથી કરી શકતો. આ આધુનિક જમાનામાં માનવીની બુદ્ધિ  તથા પ્રયાસથી વિજ્ઞાન ડગલે ને પગલે ઝપડી ગતિએ ઉર્ધ્વ  દિશામાં આગળ  વધતું  જાય છે તથા પ્રગતિ  કરી શક્યુ છે તેને કારણે જાત જાતની વિવિધ કક્ષામાં શોધો શોધાઈ છે. ટી. વી., વિડીયો, સીડી, કમ્પ્યુટર, દૂરધ્વની વિવિધ સગવડો આધુનીક મશીનોથી માનવીને ઘણી સગવડતા મળવા લાગી છે. આ શોધથી દુનિયામાં  દૂર દૂર વસતા લોકો નજદીક થઈ ગયાં છે. વિજ્ઞાન તો પુરુષાર્થની   પ્રસાદી છે. જે માનવીઓ નસીબમાં માનતા નથી પણ પુરુષાર્થમાં  પોતાનુ ભાવિ ભાખતા હોય છે તે પોતાના કાર્યમાં સફળતા મેળવતા પોતાને જે આત્મસંતોષ મળે છે તેનો આનંદ નસીબે યારી આપી હોત તો પણ તેઓને તેટલો આત્મસંતોષ ન જ મળત.
લોટરીમાં ઈનામ લાગવું અથવા જુગારમાં કે રેસમાં જીતી જવું તે નસીબની બલિહારી ગણાય છે. પણ રમતગમતમાં  જીત મેળવવા પુરુષાર્થ વધારે મહત્વની ભૂમિકા ભજવતો હોય છે. પણ કુદરતી રીતે કોઈ અડચણ આવતાં રમતગમતમાં પરિણામમાં ફરક પડતાં જીતતી ટીમ હારી જતા કે  હારતી ટીમ જીતી જવામાં નસીબ ભાગ ભજવે છે.
અમુક માનવીને પોતાના ધંધામાં બરકત વધતી જાય છે. જ્યાં હાથ નાખે ત્યાં તેને પૈસા જ પૈસા મળતા હોય છે ત્યારે નસીબ મુખ્ય ભાગ ભજવતું હોય છે. જ્યારે બીજી વ્યક્તિ એ જ ધંધામાં એટલી જ હોશિયારીથી પુરુષાર્થ કરતો હોવા છતાં નુકસાન ભોગવતો હોય ત્યારે કમનસીબ મુખ્ય ભાગ ભજવતું હોય છે.
લાડવો સામે જ પડ્યો હોય પરંતુ ખાવા માટે પુરુષાર્થ કરીને લાડવો મોંમાં  મૂકવા માટે હાથ તો લંબાવવો પડે છે પરંતુ જો તે લાડવો ખાવાના નસીબમાં નહિ જ હોય તો હાથમાં  લેતા જ તે લાડવો પડી જશે.
પુરુષાર્થ જીતે કે નસીબ એવો સવાલ ઉભો થતાં માનવીએ સમજવું જોઇએ કે સફળતામાં એકલું નસીબ કે એકલો પુરુષાર્થ જ ભાગ નથી ભજવતો પરંતુ બંન્નેનો મળે હોય છે.
લેખક:– શ્રેણિક દલાલ … શ્રેણુ