Shrenik Dalal : જા…જા…તને શું ખબર પડે? તને કાંઈ ગતાગમે છે? આ જ શબ્દો જો સારી રીતે કોઈને કહેવામાં આવે કે
‘તમને કાંઈક ગેરસમજ થતી લાગે છે’ તો સામેવાળી વ્યક્તિને કેટલું સારૂં લાગે. ભાવાર્થ એક જ છે. પરંતુ બોલવાની છટા સાવ જુદી છે. માનથી બોલવામાં આવે તો બીજી વ્યક્તિને દુ:ખ પણ થતું નથી અને જે કહેવાનું છે તે પ્રેમથી સાંભળે પણ ખરો.
કોઈપણ વ્યક્તિને ઉતારી પાડવું તે હલકી કક્ષા પર ઉતરી આવ્યા બરાબર ગણાય. કોઈને ઉતારી પાડીને મનમાં મલકાવું તે પોતાની નીચતા જ બતાવે છે. અમુક લાગણીવશ લોકો અપમાન સહન ન થતાં તેઓને માઠું લાગે છે અને ત્યારે સંબંધ બગડવામાં કાંઈ જ બાકી રહેતું નથી.
માલિક જ્યારે પોતાના કારકુન કે ચપરાસીને નાની એવી ભૂલને કારણે અથવા વગર વાંકે ઉતારી પાડે અને બધાની હાજરીમાં જ્યારે અપમાન કરી બેસે ત્યારે તે પોતાની નીચતાનું પ્રદર્શન કરે છે.
જ્યારે સાસુ વહુ, નણંદ ભોજાઈ, શિક્ષક વિદ્યાર્થી, વેપારી ગ્રાહક એકબીજાને ગમે તેમ બોલીને અપમાન કરવામાં કાંઈ બાકી ન રાખે ત્યારે તેઓ પોતે પોતાની જાતને ‘અમે કાંઈક છીએ’ તેવો વટ રાખે છેઅને તેઓ કોઈને ઉતારી પાડવાનો જન્મ સિદ્ધ હક છે તેમ સમજે છે.
આપણને કોઈનું અપમાન કરવાનો અધિકાર નથી. કદાચ સાથે રહેતાં રહેતાં મનદુ:ખ થાય તો જે કહેવાનું છે તે સમજાવીને પણ કહી શકાય અને છતાં મતભેદ દૂર ન થાય તો સમાધાન વૃતિ ( Let Go ની ભાવના ) પણ અપનાવી શકાય જેથી સામેવાળી વ્યક્તિને આપઢને સભજવામાં સરળતા પડે.
કોઈનું અપમાન કરવું એ હડધૂત કરવા સમાન છે પરંતુ માન સાચવવાથી કોઈને પણ જીતી શકાય છે. અપમાન કરવાથી જે તમારી પાસે છે તે પણ છીનવાઈ જશે. કોઈને પણ માન આપવાથી માનવી કોઈની નજરમાં નીચો નથી થઈ જતો અલબત્ત એની નજરમાં એ વધારે માન મેળવે છે.
કોઈનું અપમાન કરતાં પહેલાં પોતાની જાતને એ અપમાનિત વ્યક્તિમાં મૂકતા ખબર પડશે કે એ અપમાન કેવું કડવું લાગે છે. ઘણા સંજોગોમાં સહન ન થતા અપમાનિત વ્યક્તિને માનસિક આઘાત લાગે છે તો કોઈ ક વખત આત્મહત્યા કરવા સુધી પણ પ્રેરાય છે.
ઘણા દાખલા એવા જોવા મળે છે કે કોઈનું અપમાન કરી વધારે ઘોર અપમાનિત થવાની પોતાને પણ તૈયારી રાખવી જ જોઈએ, કારણ બધા માણસો શાંત પ્રકૃતિનાં હોતા નથી અને તેઓ પણ અપમાન થવાથી તરત જ સામે મહેણાં ટોણા મારે છે.
વિશ્વવકર્માએ રચેલો એક મહેલ જેમાં જમીનની જગ્યાએ પાણી દેખાય અને પાણીની જગ્યાએ જમીન દેખાય તેવા મહેલમાં દુર્યોધન ચાલતા ચાલતા પાણીને બદલે જમીન સમજી પાણીમાં પડી જાય છે ત્યારે અટારી ઉપર ઉભી રહેલી દ્રૌપદી દુર્યોધનને પાણીમાં પડતાજોઇને કટાક્ષમાં દુર્યોધનને સંબોધીને કહે છે, ‘અંધ પિતાનો પુત્ર પણ અંધ જ હોય’ ત્યારે આ અપમાન દુર્યોધનને હાડોહાડ લાગી જાય છે. પરંતુ જ્યારે યુધિષ્ઠિર જોડે ચોપાટ રમતા દુર્યોધન દ્રૌપદીને જીતી જતા તેનું ચીરહરણ કરવા દુ:શાશનને જણાવ્યું અને તે વખતે દ્રૌપદી વાળ છૂટા મૂકીને આ અપમાનનો બદલો લેવા સોગન ખાય છે કે દુ:શાશનનાં લોહીથી જ હું મારા વાળ ઓળીશ નહિતર ત્યાં સુધી મારા વાળ ખુલ્લા જ રાખીશ. ચીરહરણ થતાં ભીમથી રહેવાયું નહિ અને તેણે પ્રતિજ્ઞા લીધી કે હું દુ:શાશનની છાતી ચીરીને તેમાંથી વહેતું લોહી દ્રૌપદીનાં વાળમાં નાખીશ. ભીમ જ્યારે દુ:શાશનને મારીને છાતીમાં ઘા કરી તેના લોહીથી દ્રૌપદીનાં વાળ ભીના કરે છે ત્યાર પછી જ તેને શાંતિ મળે છે.
કેટલીક વ્યક્તિઓ એવી પણ હોય છે જેઓ અપમાન ગળી જાય છે કારણ કે તેઓ સમજે છે કે મતભેદ ભલે થાય, પરંતુ મનભેદ કરવો નથી. મનભેદ કરી સંબંધ બગાડવામાં તેઓને રસ નથી.
સ્વમાન સાથે રહેવું હોય તો કોઈને અપશબ્દ બોલીને કોઈને અપમાનિત કરીને કોઈનું દિલ દુભાવવું ન જોઈએ. આમ કરવાથી લોકો આપણને સ્વમાનભેર જોશે. સ્વમાનથી રહેવામાં માનસિક શાંતિ પણ મળે છે.