Today Gold Rate: કોમોડિટી બજારમાં આજે પણ નરમાઈ જોવા મળી રહી છે. સોના અને ચાંદીમાં ગત અઠવાડિયે દબાણ જોવા મળ્યું જે આ અઠવાડિયે પણ નબળાઈના સંકેત આપી રહ્યું છે. ભારતીય વાયદા બજારમાં સોનું ઘટાડા સાથે જોવા મળ્યું અને શરાફા બજારમાં પણ ભાવ ઘટાડા સાથે ખુલ્યા છે. ત્યારે સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.

શરાફા બજારમાં ભાવ

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં આજે કડાકો જોવા મળ્યો છે.

શુક્રવારે 71,835 રૂપિયા પર બંધ થયેલું સોનું આજે ઓપનિંગ રેટમાં 209 રૂપિયા ગગડીને 71,626 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. જ્યારે 916 પ્યોરિટીવાળું ગોલ્ડ શુક્રવારે 65,801 રૂપિયાના સ્તર પરથી 192 રૂપિયા તૂટીને 65,609 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે.

ચાંદીના રેટ જોઈએ તો આજે ઓપનિંગ રેટમાં ચાંદીમાં 446 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે જેના કારણે શુક્રવારે 88,000 રૂપિયાની સપાટીએ પહોંચેલી ચાંદી આજે ઓપનિંગ રેટમાં 87,554 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે જોવા મળી.

વાયદા બજારમાં ભાવ

ભારતીય વાયદા બજાર (MCX) પર સવારે સોનું 56 રૂપિયાના ઘટાડા સાથે જોવા મળ્યું અને તે 71,526 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું. શુક્રવારે સોનું 71,582 ના સ્તરે જોવા મળ્યું હતું. ચાંદી પણ 192 રૂપિયાના કડાકા સાથે 86,975 રૂપિયા પર જોવા મળી જે શુક્રવારે ક્લોઝિંગ રેટમાં 87,167 રૂપિયા પર પહોંચી હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું મજબૂત જોવા મળ્યું. અમેરિકામાં અનુમાન મુજબ મોંઘવારીના આંકડા આવતા સોનાના ભાવ ચડ્યા હતા. જેનાથી ફેડરેલ રિઝર્વ બેંક તરફથી સપ્ટેમ્બરમાં રેટ કટની આશા વધી છે. સ્પોટ ગોલ્ડ 2,324 ડોલર પર સ્થિર હતું. જ્યારે ગોલ્ડ ફ્યૂચર 0.1 ટકા ચડીને 2,339 ડોલર પર હતું. સ્પોટ સિલ્વર પણ 0.1 ટકા ચડીને 29 ડોલર જોવા મળ્યું હતું.

આ ઉપરાંત હાલમાં જ અમેરિકામાં બેરોજગારીના આંકડાથી પણ સોનાના ભાવમાં ત્રણ દિવસમાં પહેલીવાર ઉછાળો જોવા મળ્યો. આ આંકડાથી ખબર પડે છે કે અમેરિકી શ્રમ બજાર નબળું થઈ રહ્યું છે. જેનાથી અમેરિકી કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વના વ્યાજ દરમાં જલદી કાપની શક્યતા મજબૂત થઈ છે.

ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે.