વાણી, વિચાર તથા વિવેક આ ત્રણ સીધા સાદા તથા સરળ શબ્દોજ માનવીનાં સંસ્કાર, સ્વભાવ તથા ખાફનદાનીનાં દર્શન કરાવે છે.
*કહે શ્રેણુ આજ*
*જેવી વાણી, જેવા વિચાર કે દાખવો જેવો વિવેક તમે,*
*મળશે તેવો જ પ્રતિભાવ તમને સમાજ મહિ.*
*થશે હાલ-બેહાલ તેવા જ, જેથી બોલો મધુર વાણી, કરો સુવિચાર અને બતાવી દે નમ્રતા,*
*મળશે માન-પાન-ઇજ્જત તુજને, દાખવીને સંસ્કાર તમારા સમાજ મહિ.*
*માનવીનાં અમુલ્ય રતન છે….*
*વાણી, લિચાર તથે વિવેક*
માનવીની વાણીમાં જે શક્તિ છે તે કોઇને મિત્ર બનાવી શકે છે તો કોઇને દુશ્મન. વાણી પ્રેમ રૂપી દીવો પ્રગટાવી શકે છે તો કટુતા પણ ઓકી શકે છે. વાણી લોકોને આકર્ષી શકે છે તો કોઇને હડધૂત પણ કરી દે છે. વાણીમાં સંયમનો બહું જ મોટો ફાળો હોય છે. અમુક લોકોની બોલવાની રીતભાત, બોલવાનાં શબ્દો ઉતરતી કક્ષાના હોય છે જેથી બીજાને દુ:ખ પહેંચાડે છે. અમુક લોકો આખાબોલા હોય છે. વાતચીતમાં કોણે શું? ક્યારે અને કેટલું બોલવું? તે પર માનવી કેટલામાં છે તે ખબર પડે છે. કટુતા ભરી વાણી બોલનાર વ્યક્તિથી લોકો દૂર જ રહેવામાં ખુશી માને છે અને જેથી તેવી વ્યક્તિઓ બીજા જોડે સારો સંબંધ જાળવી શકતા નથી. આખાબોલા રહેવા કરતાં સારી રીતે વાત રજૂ કરાતાં સામેવાળી વ્યક્તિને ખરાબ લાગતું નથી.
લોકોમાં મતભેદ થઇ શકે પરંતુ મનભેદ થવો ન જોઇએ. અમુક વ્યક્તિઓ પોતાની વાત કરવાની રજૂઆત એટી સરસ રીતે કરતા હોય છે કે લોકોને તેમની વાતો સાંભળવાનું ગમે છે.
શ્રી હરિભાઇ કોઠારી,પાંડુરંગ શાસ્ત્રી, મોરારીબાપુ, ચિત્રભાનુસાહેબ, ત્રીપુટીબંધુ, નીરુબેન અમીન, આશારામજીબાપુની વાણી સાંભળવાથી લોકોને ઘણું જાણવા મળે છે તથા લોકો રસથી તેઓના પ્રવચનો સાંભળતા હોય છે. આવી વ્યક્તિઓની વાણીમાં સદ્ વિચારોનો ઉમેરો થતાં દુધમાં સાકર ભળી જાય જેવો આનંદ થાય છે.
અમુક લોકો જરૂર કરતા વધારે બોલીને પોતાનું માન ગુમાવતા હોય છે. ઓછું બોલવાથી સામેવાળી વ્યક્તિને જ સમજાવવાનું સમજાવી શકાતું હોય તો વધું બોલીને સમય તથા પોતાની શક્તિ બગાડવાની જરૂરત રહેતી નથી. અલબત્ત વિચારીને બોલવાથી ચોક્કસ વાત તથા કહેવાનો સાર મુદ્દાસર ઓછા સમયમાં કહી શકાય છે. અમુક વ્યક્તિ વધારે પડતી નિખાલસતા બતાવીને તથા આખાબોલા બનીને તથા વાત વાતમાં આલોચના કરવાની આદત ધરાવતા હોય છે જેથી અરસપરસનો સંબંધ બગડતા કે તૂટતા વાર લાગતી નથી. કોઇની જોડે મન દુ:ખ ન થાય તેવી વાણીનો ઉપયોગ કરવાથી લોકપ્રિય બની શકાય છે.
માનવીનાં વિચારો વાણી પર સંયમ રાખે છે *જેવો વિચાર તેવી વાણી* જ્યારે માનવી ખરાબ કે ખોટા વિચારોમાં રાચતો હોય ત્યારે તેની વાણીમાં કડવાશ, જુઠ્ઠાપણું કે અહમ્ નો સમાવેશ પણ થતો હોય છે. માનવી જેવું વિચારશે તેવો તે બનશે. માનવીના જીવનનાં ઘડતરમાં વિચારશક્તિનો ઘણો મોટો ફાળો રહેતો હોય છે. હકારાત્મક વિચારો માનવીમાં શ્રધ્ધા વધારે છે તથા મનોબળ મજબૂત બનાવે છે. ખોટા તથા નકારત્મક વિચારોથી માનસિક તાણ ઊભી થાય છે જેથી નરસા વિચારોને મનમાંથી તિલાંજલિ આપી દેવી જોઇએ. અણગમતા, ખરાબ કે ખોટા વિચારો ઉદ્ ભવતા માનવીએ પોતાના મન પર કાબૂ મેળવી લેવો જોઇએ.
વિચારવાની ક્ષમતા દરેક વ્યક્તિ પાસે જુદી જુદી માત્રામાં રહેલી હોય છે. વિચારો સારા કે નરસા, સાચા કે ખોટા, વ્યવહારિક કે અવ્યવહારિક તથા હકારાત્મક કે નકારાત્મક પણ હોઇ શકે છે. માનવીનાં ચાલતા શ્વાસોચ્છવાસની માફક જ વિચારો પણ મનમાં સતત ચાલતા રહેતા હોય છે.
વિવેક માનસ સ્વભાવની ઢાલ ગણાય છે. વિવેક દાખવનાર વ્યક્તિને લોકો માનની નજરે જોતા હોય છે. નમ્રતા, શાલીનતા, શિષ્ટતા, સંયમ, સુશીલતા, લજ્જા, નિરભિમાનનું સંયોજન વિવેક રૂપી ગુણનો અરીસો બનેલો છે. વિવેક સાચવવાથી લોકોનું દિલ જીતી શકાય છે. જે માનવીમાં અહમ્ વસેલો છે તે કદી ભ વિવેક દાખવી શકતો નથી.
*જે નમે એ લોકોને ગમે* જે વેપારી વ્યવહારમાં તથા વાણીમાં વિવેકી તથા નિરાભીમાની હશે તેના વેપારમાં બરકત વધશે. પોતાની દીકરીને પરણાવનાર મા-બાપ પહેલાં ઘર-વર તથા ઇજ્જત અને ખાનદાની જોશે. વિવેક ધરાવતી વ્યક્તિ ઝગડા તથા વાદ વિવાદ ઉતરવામાં માનતી ન હોવાથી તથા દિલ નિખાલસ હોવાથી લોકો તેને માનની નજરે જુએ છે.
જે વ્યક્તિમાં ઉદ્ધતાઇ હોય તે માનવી લોકનજરમાંથી ઉતરી જાય છે. ઉદ્ધતાઇ બતાવનાર વ્યક્તિની કિંમત કોડીની પણ રહેતી નથી પછી ભલે ને તે કરોડપતિ હોય પણતે પોતાના ઉદ્ધત સ્વભાવથી માર ખાઇ જાય છે.
વિનમ્ર સ્વભાવમાં અદ્ભૂત શક્તિ સમાયેલી છે તથા વિવેક જેવી મુલ્યવાન મૂડી પોતાના વેપારમાં કે સમાજમાં તથા વ્યવહારમાં પ્રગતિનો રાહ બની જશે. વિવેક દાખવવામાં કશો સમય કે પૈસાનો વ્યય થતો નથી. સદાય શિષ્ટાચારપુર્વક જીવવાથી સફળતાના દ્વાર આપોઆપ ઉઘડી જાય છે.
લેખક શ્રેણિક દલાલ….શ્રેણુ