હું ઈશ્વર પ્રત્યેય કૃતજ્ઞ છું જેણે મને માનવદેહ રૂપે સીત્યોત્તેર વર્ષ પહેલાં જૈન કુળમાં તથા સંસ્કારી કુટુંબમાં જન્મ આપ્યો. જેનો જન્મ થાય તેનું મૃત્યુ પણ અવશ્ય જ થાય છે. આપણે જીવન ક્રમમાં એટલા બધાં વ્યસ્ત રહીએ છીએ કે મૃત્યુ આપણને યાદ પણ નથી આવતું. અલબત્ત કોઈક વખત સ્મશાન વૈરાગ્ય જેવું થઈ જાય છે પરંતુ અમુક સમય જતાં બીજા વિચારોમાં ખોવાઈ જતાં આપણને સંસાર તરફી આસક્તિનો ભાવ થઈ જાય છે.
મનુષ્યના મનમાં સૌથી વધું ભય મૃત્યુનો હોય છે. માનવદેહ દુર્લભ હોવાથી તેને ટકાવી રાખવાનો મોહ આ ભયમાં ઉમેરો કરે છે. જે દિવસે મનુષ્ય જન્મ ધારણ કરે છે ત્યારથી જ મૃત્યુથી ઊંધી ગણતરી પણ ચાલું થઈ જાય છે. અલબત્ત મૃત્યુથી મોટો ભય કોઈ નથી તથા મરવા કોઈ પણ ઈચ્છતું નથી. મુત્યુનાં અનેક સંકેતો આપણા શાસ્ત્રોમાં ઉપલબ્ધ છે. ઘણી વખત માનવીને પોતાને જ
મૃત્યુનો આભાસ થતાં જીવનકાળની વિતેલી સ્મૃતિ ફ્લેશબેકની જેમ મનમાંથી પસાર થઈ જતા તે વધારે ભયભીત બની જાય છે.
મનમાંથી મૃત્યુનો ભય કાઢી નાખવો જોઈએ તે જ ખરી વીરતા છે. જીવ મરતો નથી પરંતુ તે એક ખોળિયામાંથી કર્માનુસાર બીજા ખોળિયામાં પ્રવેશે છે. કર્મફળ ભોગવવા માટે જ શરીરનાં જન્મ મરણ થાય છે. મૃત્યુ તો બીજા જન્મનું દ્વાર ગણાય છે. શરીર જ મરે છે પરંતુ આત્મા તો અમર જ રહે છે. માનવીએ મૃત્યુ પહેલાની ઘડીઓમાં ગભરાવાની જરૂર નથી. મૃત્યુની જાણ થતાં જ પોતાની જાતને સંયમિત રાખવી જોઈએ. આપણે કેટલું જીવ્યા છીએ તે અગત્યનું નથી પરંતુ કેવું જીવ્યા તે જ મહત્વનુ છે.
આપણે અહિંથી વિદાય થતાં આપણા મિત્રો તથા સ્વજનોની આંખમાંથી આંસુ વરસે અને લાગણી સાથે આપણને વિદાય આપે એ જ આપણા જીવનની ધન્ય ઘડી ગણાય છે. આપણા જીવનમાં અનેકનો ઉપકાર તથા ઋણ હોવાથી તમામ જીવોનો આભાર માનવો જોઈએ તથા ઋણ મુક્તિનો અહેસાસ આપણી આંખમાં ચમકતો હોવો જોઈએ.
મરતા મરતા રડવા કરતાં હસતા હસતા સ્મિત સાથે વિદાય લેવી જેથી આપણા સગા, સંબંધી તથા મિત્રો દુ:ખી થાય નહિ. સર્વ જીવોને અંત:કરણથી મિચ્છામી દુક્કડમ્ કહીને કરેલાં પાપો ખપાવી લેવા જોઈએ.
છેવટની ઘડીએ આપણું જીવન કોઈ માટે સમસ્યા કે સંતાપ ન બની જાય તેનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. છેલ્લા શ્વાસો લેવાતા હશે ત્યારે રડીને દુ:ખી થવા કરતાં નવકાર મંત્રનું રટણ કરતાં જીવ છોડવાની ભાવના રાખવી જોઈએ. આપણે જીવનના છેલ્લા સમયમાં આપણા આત્મા તથા મનને ખુબ જ બળવાન બનાવવું જોઈએ તથા જરા પણ ગ્લાનિ કે હતાશા લાવવી ન જોઈએ.
કુટુંબ, પરિવાર, સંપત્તિ દરેકની મમતાનો મનમાંથી પરિત્યાગ કરીને અમુક અપવાદ રાખી બાકીનું બધું વોસરાવી દેવું જોઈએ. આજ પર્યંત જે કોઈ સાથે પણ કોઈપણ નિમ્મિતે આપણાથી મનદુ:ખ થયું હોય તેને યાદ કરીને શુદ્ધભાવે તેની ક્ષમાપના કરી દેવી જોઈએ. છેલ્લી પળોમાં ભાવથી જુદાં જુદાં તિર્થોની જાત્રા કરવી જોઈએ. આ રીતે આરાધના કરવાથી આત્મા ખૂબ જ નિર્મળ બનશે.
માનવી વર્ષો સુધી પોતાના કર્માનુસાર જીવન વીતાવતા છેલ્લી ઘડીઓની જાણ થતાં પોતાના પરિવારનાં સર્વ સભ્યોને બોલાવીને જાણતા કે અજાણતા કોઇને પણ મન, વચન કે કાયાથી કોઈને પણ દુભાવ્યા હોય તૈ જણાવીને ક્ષમા માંગી લેવી જોઈએ. છેલ્લા સમયમાં પોતાની યથા શક્તિથી જેટલું બને તેટલું દાન તથા ધર્માદા કરી લેવું જોઈએ.
આ ભવમાં આપણને માનવભવ મળ્યો છે પરંતુ ફરીવાર આપણને માનવભવ ક્યારે મળશે એનો આપણને ક્યાં ખ્યાલ છે? એથી બાકી રહેતી ઘડીઓમાં સર્વ જીવોને ખમાવીને કરેલા પાપોનો પ્રશ્ચાતાપ કરવો જોઈએ તથા અંતિમ સાધનામાં સાવધાન તથા લીન થઈ જવું જોઈએ. આત્મા કદી મરતો નથી. ફક્ત આપણાં શરીરમાંથી આપણો જીવ કર્માનુસાર બીજા શરીરમાં પ્રવેશે છે જેથી મૃત્યુનાં ભયને મનમાંથી તિલાંજલિ આપી દેવી જોઈએ.
હું કોણ છું? અને મારું શું છે? તે વાત આપણે સદંતર ભૂલી ગયા છીએ એટલે એવા શરીરને ‘હું’ રૂપે જોઈએ છીએ અને કુટુંબ અને સંપત્તિ આદિ જે આપણા નથી તથા આ ભવ પછી આપણા બની શકે તમ પણ નથી તેને આપણે પોતાની વસ્તુરૂપે જોઈ રહ્યા છીએ. ખરેખર આપણું અસ્તિત્વ આત્મારૂપે જ હોઈ શકે પરંતુ શરીર આદિરૂપે આપણું કદી થઈ શકે જ નહિ.
*આપણે આ દુનિયામાં એકલા આવ્યા છીએ અને આપણે આ ફાની દુનિયામાંથી એકલા જ જવાના છીએ. મા – બાપ – ભાઈ – બહેન – મિત્રો- સગા- સંબંધી – પૈસો- માલ- મિલ્કત તથા વૈભવની તો ફક્તઆ ભવની જ સગાઈ છે તથા આ દુનિયામાંથી વિદાય થતા આપણી સાથે આમાનું કાંઈ જ આવવાનું નથી તો આ મમત્વ શા સારું રાખવું જોઈએ.*
લેખક:– શ્રેણિક દલાલ…..શ્રેણુ