એ એક મનોવૈજ્ઞાનિક તથ્ય છે કે ગમે તેટલી વ્યસ્ત વ્યક્તિ હોય તો પણ એ દુનિયાભરના સમાચારો વાંચી લીધા પછી પણ વર્તમાન પત્રમાં છેલ્લી એક નજર તો પોતાના વિસ્તારના સમાચાર તરફ નાખ્યા વગર રહેતી નથી. પોતાના વિસ્તાર પછી, પોતાનું ગામ, પોતાનું રાજ્ય, પોતાનો દેશ અને પછી દરિયાપારના દેશો તરફ એની નજર લસરે છે
ને એમ ધીરે ધીરે એ આખી દુનિયાને “કવર ” કરી લે છે.
જે લઘુ વર્તમાનપત્રો લોકપ્રિયતાના આ મર્મ,ધર્મ અને કર્મને પચાવે છે તે પોતાના મૂળની ભૂમીને છોડ્યા વગર અકલ્પનીય વિસ્તારને હાંસલ કરે છે. પણ પોતાની તળભૂમિના વાચકોને તો એ વ્યક્તિ ભૂલતી જ નથી.
આ મને સુઝેલી,બલકે મારા 87 વર્ષના અનુભવોનો નિચોડ છે.
એ નિચોડને આત્મસાત કરનારા મેં જામનગર , રાજકોટ,અરે સૌરાષ્ટ્રના ગારીયાધારમાં નાનાં વર્તમાન પત્રોને જોયાં છે. જેઓ પોતાની મૂળ ગાદીને સાચવીને બહુ સફળ રીતે પોતાનો વ્યાપ વિસ્તારી શક્યા. હવે એવા સામર્થ્યશાળી તંત્રીઓમાં વધુ એક જુવાન તંત્રી ભાઈ “ફાલ્ગુન મહાસુખભાઈ ઠક્કરનો” સમાવેશ થાય છે.
આટલા વરસ એમણે ” આજનો યુગ “ વર્તમાન પત્ર ,બલકે દૈનિક સફળતા પૂર્વક પ્રિન્ટ અને નેટ પર ચલાવ્યા પછી હવે ” The News Express ” (ન્યુઝ પોર્ટલ) ની ડિજિટલ પ્લેટફોર્મ નેટ પર શરૂઆત કરી છે અને હજુ તો માત્ર આઠ દસ આવર્તનો જ એનાં મેં જોયાં છે એમાં પણ એટલો પ્રભાવિત થયો છું કે છેક યુ.પી. માં રહેતા મારા “हमराज़” નામના કાનપુર ના પત્રકાર મિત્રને એનું સ્વરૂપ જોવા અને ત્યાં એનું અનુકરણ
કરવા મોકલી આપ્યું છે.તેઓ પણ આ સ્વરૂપ જોઇને પ્રભાવીત થયા છે. અને એથી નિકટના સ્વજન તરીકે હું પણ પ્રસન્ન થાઉં તે સાવ સ્વાભાવિક છે.
હું ચી.ભાઈ ફાલ્ગુનને એના સંવર્ધક એવા મારા મિત્ર શ્રી મહાસુખભાઈ ઠક્કરને ખૂબ ખૂબ મુબારકબાદી આપું છું.
– લેખકશ્રી રજનીકુમાર પંડ્યા
રજનીકુમાર પંડ્યા નો ટૂંકમાં પરિચય….
રજની કુમાર પંડ્યા ગુજરાતી ભાષાના જાણીતા અને પ્રખ્યાત નવલકથાકાર છે. 60ના દાયકામાં જ્યારે તેઓ બેંકમાં નોકરી કરતા હતા ત્યારે તેમણે વાર્તાઓ લખવાની શરૂઆત કરી હતી. 80 ના દાયકા પછી તેમણે નોકરી છોડી દીધી અને માત્ર લેખન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમની કેટલીક નવલકથાઓને ટીવી સિરિયલોમાં પણ રૂપાંતરિત કરવામાં આવી હતી. તેમણે કુંતી, પુષ્પદા અને બીજી ઘણી પ્રખ્યાત નવલકથાઓ લખી છે. તેમના દસથી વધુ વાર્તા સંગ્રહો પ્રકાશિત થયા છે અને તેમણે અનેક જીવનચરિત્રો પણ લખ્યા છે.