Youth Day : તાજેતરમાં જાણીતા કવયિત્રી રિન્કુ વજેસિંહ રાઠોડને કેન્દ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા ગુજરાતી ભાષા માટે યુવા પુરસ્કાર – 2024 ભુવનેશ્વર, ઓરિસ્સા ખાતે એનાયત થયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ કેન્દ્રિય સાહિત્ય અકાદમીના પ્રમુખ માધવ કૌશિક હતા તથા મુખ્યઅતિથિ વિખ્યાત અંગ્રેજી લેખક જેરી પિન્ટો હતા.આ પુરસ્કાર તેમના ગઝલ સંગ્રહ ‘તો તમે રાજી? ને’ માટે આપવામાં આવ્યો છે. આ રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ આદિવાસી મહિલા બન્યા છે. જેમાં ભારત સરકાર દ્વારા રૂ.50,000 તથા કોતરેલ તાંબાની કૃતિ આપવામાં આવે છે.

આદિવાસી વિસ્તારમાંથી સમાન્ય પરિવારમાંથી આવી આપ બળે રિન્કુ રાઠોડનો સ્વબળે વિકાસ થયો છે.
એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે કોલેજનો અભ્યાસ પૂર્ણ કરનાર રિન્કુબેન હાલ સચિવાલય ગાંધીનગર ખાતે ડેપ્યુટી સેક્શન ઓફિસર તરીકે કાર્યરત છે. આ અગાઉ તેમને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા યુવા ગૌરવ પુરસ્કાર તથા કવિ શ્રી રાવજી પટેલ યુવા સર્જક સન્માન મોરારિબાપુના હસ્તે આપવામાં આવ્યું છે.