કોઈ પણ જવાબદારી લેવી તે માનીએ તેટલું સહેલું નથી. જવાબદારી નાની હોય કે મોટી લીધી હોય તો તે નિભાવવી જ જોઈએ. જવાબદારી હાથમાં લઈને પૂરી ન કરીએ તો તેમાં મર્દાનગી ન કહેવાય. જવાબદારી લઈને છૂટી જવું તે નીચા જોવા જેવું થાય છે તથા નિતીબહાર ગણાય. વેપારી, ડોક્ટર, વકીલ, શિક્ષકો, માલિકો તથા નોકરિયાત વ્યક્તિ, પોલિસ, પાયલોટ, એન્જિન ડ્રાયવર, સિગ્નલમેન, પાયદળ, હવાઈદળ તથા નૌકાદળનાં અધિકારીઓ કે કોઈપણ વર્ગ જવાબદારીમાંથી છટકી શકતા નથી. જવાબદારી લીધા પછી નિભાવવી તે જ ખરો અર્થ છે.
કોઈપણ કાર્ય હાથમાં લેતા પહેલા માનવીએ પોતે બે વખત વિચાર કરી લેવો જોઈએ. તે વ્યક્તિને પોતાને ખાત્રી હોય અને આત્મવિશ્વાસ હોય તો જ જવાબદારી લેવી જોઈએ. કોઈની પણ જવાબદારી લઈને પૂરી ન કરાતા પોતાને કે બીજાને નુકસાનકર્તા બની રહે છે. જે પણ કાર્ય હાથમાં લીધું હોય તે સમયસર પૂરુ કરતા પોતાની ઈજ્જતમાં વધારો તો થાય છે. પરંતુ પોતાને પણ આત્મસંતોષ મળે છે. બે જવાબદાર બનતા સમાજમાં, મિત્રવર્ગમાં તથા પરિવારમાં કે અડોશપડોશમાં નામોશી મળે છે.
માનવીને પોતાના પરિવારની તો જવાબદારી રહેલી જ હોય છે સાથે સાથે કોઈ નવી જવાદારી લીધી હોય તો તેમાં અંગત રસ લેવો જોઈએ. ઉમંગમાં કે ઉત્સાહમાં આવીને *હા હા હું કરીશ* અથવા ઉતાવળમાં કોઈ કામ હાથમાં લેવાની તૈયારી બતાવીને પીછેહઠ કરવી તે શરમજનક  કહેવાય છે. લોકો સમક્ષ અમુક વર્ગ પોતાના વાહ બોલાવવા માટે હા હા કરતાં હોય છે અને પછી પોતે ફરી જતા વાર લાગતી નથી. શું આપણને આપણી જવાબદારી નિભાવવામાં નાનમ આવે છે? ના જ આવવી જોઈએ.
ઘણી વખત અમુક લોકો દેખાડો કરવા દુકાળ કે ધરતીકંપ વખતે નાત જાતમાં ફંડફાળા લખાવીને અથવા ધર્મનાં કાર્યોમાં *’બોલી’* બોલીને પૈસા આપતા નથી છતાં તેઓનાં પેટનું પાણી પણ હાલતું નથી તે તદ્દન ગેરવાજબી છે. તેઓએ લખાવેલ પૈસા આપવાની જવાબદારીમાંથી છટકી જાય છે. આપણે એક સામાજિક વ્યવસ્થામાં જીવીએ છીએ. સમાજમાં આપણે એકલા રહેતા નથી પરંતુ સમાજમાં પરિવાર, સ્વજનો, મિત્રો, અડોશ-પડોશ તથા જાણ્યા અજાણ્યા લોકો રહેતા હોય છે. જેથી ઘણા જોડે જાણતા કે અજાણતા સંબંધ બંધાઈ જતો હોય છે અને સંબંધમાં બધાને એકબીજાની જરૂરત તો પડતી હોય છે જેથી એકબીજાને મદદરૂપ થવા સારું જવાબદારી આવી પડે છે.
આર્થિક, નૈતિક ધંધાકિય, ટ્રસ્ટીઓમાંની  જવાબદારી ઘણી મહત્વની હોય છે. જવાબદારી એ વચનનું રૂપ જ કહેવાય છે. રમતગમતમાં સંઘભાવના સાધવાની જવાબદારી નાયકની રહે છે. તેવી  જ રીતે કોઈ પણ ક્ષેત્રમાં સારું પરિણામ લાવવામાં અધિકારી પોતે જવાબદાર હોય છે. જવાબદાર માનવી બેજવાબદાર બનતા નુકસાન વહોરવાનો સમય આવે છે.
મા-બાપ પોતાના સંતાનોને ભણાવી-ઞણાવીને  સુસંસ્કાર સીંચીને મોટા કરી પરણાવે છે તેવી જ રીતે તે સંતાનોએ પોતાના મા-બાપ વૃદ્ધાવસ્થામાં પહોંચતા તેઓની સેવા-ચાકરી કરવાની જવાબદારી પૂરી કરવાની તેઓની ફરજ બની રહે છે. જવાબદારી એક વ્યવહાર જ ગણાય છે. જવાબદારી લઈને તેને પૂરી કરતા તે વ્યક્તિનું મનડું હર્ષિત બને છે તથા કંઈક સારું કર્યાનો અહેસાસ થાય છે. જવાબદારી લેતા જવાબદારી બનતી નથી પરંતુ ઘણી વખત જવાબદારી આવી પડતા ગભરાઈ જવાની જરૂર નથી.
જવાબદારી અને ફરજ બન્ને એકબીજાનાં પૂરક બની રહે છે. જવાબદારી લીધા પછી મને કે કમને પણ પૂરી કરવાની ફરજ બની રહે છે.
  લેખક:– શ્રેણિક દલાલ… શ્રેણુ