Ram Navmi : અમદાવાદ, – રામ નવમીના પવિત્ર અવસરે, ઘોડાસર સ્થિત શ્રી રામ જલારામ મંદિરથી એક ભવ્ય અને શ્રદ્ધામય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રાનું આયોજન હિંદુ સુરક્ષા પરિષદના બજરંગ દળ હિન્દુ અને દુર્ગા વાહિની હિન્દુ વિભાગ દ્વારા ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં શ્રદ્ધાળુઓ અને રામભક્તોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી અને રામ ભક્તિમાં તલ્લીન થયા હતા.
શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામભક્તો જોડાયા હતા અને તેઓએ શ્રી રામના ધૂન સાથે ભજનો ગાતાં ભક્તિમય વાતાવરણ ઉભું કર્યું હતું. યાત્રા ટુ-વ્હીલર શોભાયાત્રા તરીકે નિમિર્ણાયિત કરવામાં આવી હતી, જેમાં યુવાનોની વિશાળ ટોળકી રામના નારા અને ધ્વજ સાથે માર્ગ પરથી પસાર થઈ હતી. સમગ્ર ઘોડાસર વિસ્તાર જય શ્રી રામના ઘોષથી ગૂંજી ઉઠ્યો હતો.
આ શોભાયાત્રામાં હિંદુ સુરક્ષા પરિષદના પ્રમુખ શ્રી તરુણ શર્મા, બજરંગ દળ હિન્દના પ્રમુખ શ્રી પ્રશાંત માલી અને દુર્ગા વાહિની હિન્દની પ્રમુખ શ્રીમતી પ્રિયંકા શર્મા સહિત અનેક આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તમામે સમૂહમાં ભક્તિપૂર્વક રામનવમીની ઉજવણી કરી અને ભક્તિ, એકતા અને સંસ્કૃતિનો સંદેશ પ્રસારિત કર્યો.
શોભાયાત્રા શરૂ થવા પહેલા શ્રી રામ જલારામ મંદિરમાં વિશેષ પૂજા અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના મુખ્ય પૂજારીએ રામચરિતમાનસના પાઠ કર્યા અને ભગવાન શ્રી રામ, માતા સીતાજી અને લક્ષ્મણજીની આરતી સાથે યાત્રાની શરૂઆત થઈ.
શોભાયાત્રાનું સમગ્ર માર્ગ શણગારથી ધમકતો હતો. જગ્યા-જગ્યા પર વિવિધ સામાજિક અને ધાર્મિક સંગઠનો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. યાત્રામાં બાળકો, યુવાનો અને વડીલો તમામ ઉમંગપૂર્વક જોડાયા હતા. મહિલાઓએ રંગીન પરિધાનો અને પૌરાણિક પોશાકમાં શોભા વધારી હતી.
યાત્રાના અંતે પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યા માં ભક્તોએ પ્રસાદનો લહાવો માણ્યો. શ્રી રામના ભક્તોએ શ્રદ્ધાપૂર્વક પ્રસાદ ગ્રહણ કરી આ પવિત્ર અવસરને અનન્ય બનાવી દીધો. આ ઉત્સવ માં ઇસનપુર પોલીસ દ્વારા પણ સારો સહકાર આપવામાં આવ્યો હતો.
આ પ્રકારના ધાર્મિક આયોજનો દ્વારા સમાજમાં આધ્યાત્મિકતા અને સંસ્કારોથી ભરપુર વાતાવરણ સર્જાય છે. હિંદુ સુરક્ષા પરિષદ તથા તેની અનુસંગી સંગઠનો દ્વારા સામાજિક એકતા, રાષ્ટ્રભાવના અને ભક્તિભાવના નું ઉત્તમ ઉદાહરણ મૂકવામાં આવ્યું છે.
આ ભવ્ય શોભાયાત્રા રામનવમીના પાવન અવસરને યાદગાર બનાવતી રહી અને ઘોડાસર વિસ્તારમાં ભક્તિ અને ભ્રાતૃભાવના જગાવી ગઈ.