Raksha Bandhan  : આ વર્ષે તારીખ ૧૯ ઓગષ્ટ ૨૦૨૪ ના સોમવારનાં રોજ બળેવની ઉજવણી છે.

ભારત તહેવારોનો દેશ છે તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રિય તહેવારો ઉજવીએ છીએ. તેમાં રક્ષાબંધંનનો તહેવાર આવે છે રક્ષાબંધંન એટલે ભાઇ-બહેનનો તહેવાર છે તેનું બીજું નામ બળેવ છે. રક્ષાબંધંન શ્રાવણ મહિનાની પૂનમે આવે છે. ત દિવસે બહેન ભાઈને તિલક કરે છે અને રાખડી બાંધે છે તથા મિઠાઈ ખવડાવે છે ત્યારે ભાઈ

બહેનને યથાશક્તિ મુજબ ભેટ આપે છે.

રક્ષાબંધંન એ બહેન માટે પોતાના વહાલસોયા ભાઇ પ્રત્યેની નિષ્પાપ, નિર્મળ અને નિઃસ્વાર્થ ભાવે સેવેલી શુભેચ્છાઓનું અને ત્યાગનું મહામૂલું પવિત્ર પ્રતીક છે. બહેનની આ શુભેચ્છા ભાઇના જીવન વિકાસમાં પ્રેરણાદાયી અને પોષક બને છે.

ભાઇના હાથે રાખડી બાંધવી એ હર્ષઘેલી અને વહાલસોયી બહેનને પોતાના જીવનનો અમૂલ્ય લહાવો લાગે છે. રક્ષાના પ્રત્યેક તંતુમાં ભાઇ-બહેનના હ્રદયનો નિર્વ્યાજ અને નિતાંત પ્રેમ નીતરતો હોય છે.

ભાઈના જીવનમાં, તેના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતિક રક્ષાબંધંન પર્વ છે.

રાખડી એ માત્ર સૂતરનો તંતુ નથી, એ તો શીલ અને સ્નેહનું રક્ષણ કરતું તેમજ જીવનમાં સંયમની મહત્તા સમજાવતું એક પવિત્ર બંધન છે. ભાઇના હાથે રાખડી બાંધીને બહેન માત્ર પોતાનું જ રક્ષણ ઇચ્છે છે એટલું જ નહિ, પરંતુ સમસ્ત સ્ત્રી સમાજને પોતાના ભાઇનું રક્ષણ મળે એવી ભવ્ય ભાવના અને અપેક્ષા રાખે છે. સાથોસાથ પોતાનો ભાઇ અંતઃકરણના શત્રુઓ – કામ, ક્રોધ, લોભ, મોહ, મદ્, મત્સર, આશા, તૃષ્ણા વગેરે ઉપર વિજય મેળવે એવી આકાંક્ષા પણ સેવે છે.

રક્ષાબંધન વખતે બહેન બંધનનું એટલે કે ધ્યેયનું રક્ષણ કરવા સૂચન કરે છે. ભાઇ, બહેનની રક્ષા અર્થે સર્વસ્વ આપવાની તત્પરતા દાખવે છે. આ સર્વસ્વ આપવાની તૈયારીના પ્રતિક રૂપે બહેનને ભેટ તરીકે દક્ષિણા આપે છે. પ્રતીક એ મૌનની ભાષા છે. આ પ્રતીકની પાછળ ભવ્ય ભાવનાની સુગંધ છુપાયેલી છે, પરંતુ આજે એ માત્ર ચીલાચાલુ વ્યવહાર થઈ ગયો છે, તેથી ભગિની-પ્રેમનું ભાવમાધુર્ય કે સૌંદર્ય ભાગ્યે જ દેખાય છે.

રક્ષાબંધન એ બહેન માટે પોતાના વહાલસોયા ભાઇ પ્રત્યેની નિષ્પાપ, નિર્મળ અને નિઃસ્વાર્થ ભાવે સેવેલી શુભેચ્છાઓનું અને ત્યાગનું મહામૂલું પવિત્ર પ્રતીક છે. બહેનની આ શુભેચ્છા ભાઇના જીવન વિકાસમાં પ્રેરણાદાયી અને પોષક બને છે.

બળેવ એટલે બળ અને બલિ ઊભયની ભાવના જેમા પાયામાં પડી છે, ત્યાગ અને તિતિક્ષાની તમન્ના જેમાં ભરી છે, પ્રેમ અને સંસ્કારની સૌરભ જેની ઉજવણીમાં મહેકતી જોવા મળે છે, એવા આ પવિત્ર દિવસે ભારતના ભડવીર સાગરખેડુ બનીને વહાણવટે ઊપડતા અને અખૂટ જળભંડારને ખોળે ખેલતાં નારિયેળ પધરાવી સાગરનું પૂજન કરી આખી દુનિયા ખૂંદી વળતા. આ પ્રસંગમાં ખલાસીઓ, વહાણવટીઓ અને વેપારીઓ પણ સામેલ થતા. તે વખતે ઐક્ય સાથે ઉમંગની છોળો ઊડતી અને સાચા ભાતૃભાવનો પરિમલ પથરાઇ રહેતો. આવું છે, આ વ્રત-પર્વ નારિયેળી પૂના !

રક્ષાબંધન વ્રતના પ્રભાવે ભાઇ-બહેનના હેત વધે છે, આયુષ્યમાં અભિવૃદ્ધિ થાય છે અને ધનધાન્ય તથા સંપત્તિની પણ વૃદ્ધિ થાય છે. આ વ્રત કરવાથી ભૂત, પ્રેત, પિશાચ વગેરેના ત્રાસમાંથી મુક્તિ મળે છે. આ પવિત્ર વ્રત સર્વ રોગોનું નિવારણ કરે છે સાથોસાથ અશુભોનું પણ નિવારણ કરે છે.

રક્ષાબંધંનની શરૂઆત માટે એમ કહેવાય છે કે, જ્યારે કૌરવોએ ભરી સભામાં દ્રોપદિના ચીરહરણ કર્યા ત્યારે ભગવાન શ્રીક્રુષ્ણએ પોતાની બહેન દ્રોપદિની રક્ષા કરી અને તેમનું વચન નિભાવ્યું આ રીતે રક્ષાબંધનની શરૂઆત થઈ હતી ત્યારથી જ બધી બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને આ પર્વ મનાવે છે.

રક્ષાબંધંનના તહેવારમાં રાખડી બંધાતા ભાઇ-બહેનના કદાચ કોઈક વખત થયેલા મનભેદનાં પણ અંતરને પણ ભૂલાવીને નજદીક લાવી દે છે જેથી પ્રેમનો વિજય થાય છે.

     લેખક: શ્રેણિક દલાલ…. શ્રેણુ