
Dr. Parthiv Joshi : મહુવા : મહુવાના રહીશ અને હાલમાં ભીલવાડા જીલ્લાના “શ્રી શુભમ્ પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર, ગુલાબપુરા” ખાતે મુખ્ય નિવાસી ડૉક્ટર તરીકે સેવા આપી રહેલા શ્રી પાર્થિવ મનોજભાઇ જોશીએ છેલ્લા આઠ વર્ષથી રાજસ્થાનમાં પ્રાકૃતિક ચિકિત્સા ક્ષેત્રે ઉત્તમ સેવા આપીને બહોળી લોકચાહના મેળવી છે.
અસાધ્ય અને હઠીલા રોગોમાં પણ તેમના દ્વારા અપનાવવામાં આવી રહેલી કુદરતી ઉપચાર પદ્ધતિના શ્રેષ્ઠ પરિણામો મળ્યા છે. રાજસ્થાન ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રના દર્દીઓ પણ ગુલાબપુરા ખાતે ડૉ. પાર્થિવ જોશી પાસે સારવાર લેવા જાય છે.
ભીલવાડા જીલ્લા ઉપખંડ અધિકારી દ્વારા ૨૬ જાન્યુઆરી ૨૦૨૫ ના ગણતંત્ર દિવસ સમારંભમાં, વિધવિધ ક્ષેત્રે ઉત્તમ કાર્ય કરીને લોકપ્રિય બનેલા મહાનુભાવોના સન્માન માટેનો ઉપક્રમ યોજાયો હતો. જેમાં માત્ર પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિના ઉપયોગ દ્વારા જ દર્દીઓને સાજા કરનાર ડૉ. પાર્થિવ જોશીનું સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી શુભમ્ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી પુરુષોત્તમ નવાલ તેમ જ ટ્રસ્ટી મંડળે ટ્રસ્ટનું ગૌરવ વધારવા બદલ ડૉ. જોશીને અભિનંદન આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે ડૉક્ટર પાર્થિવ જોશીએ ભાવનગર યુનિવર્સિટીમાંથી પ્રાકૃતિક ચિકિત્સક તરીકેનો અભ્યાસ કરેલ છે.
ડૉ. પાર્થિવ જોશીએ પોતાને મળેલા સન્માન બદલ મહુવાની શ્રી પારેખ કોલેજના અધ્યાપકશ્રીઓ અને ભાવનગર યુનિવર્સિટીના ભૂતપૂર્વ યોગ નિયામક ડૉ. જાડેજા સાહેબ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ પોતે જ એટલી અસરકારક છે કે ચિકિત્સક જો એનો યોગ્ય રીતે પ્રયોગ કરે અને દર્દી ધીરજ સાથે સહયોગ આપે તો કોઇ પણ દર્દ માટે અસરકારક પરિણામ આપી શકે છે. તદુપરાંત તેમણે જણાવ્યું કે માતા-પિતા તેમ જ સદ્ગુરુ સંત પૂજ્ય મોરારીબાપુના આશિર્વાદથી તેમને પોતાના કર્મક્ષેત્રમાં યશ મળે છે.