સામાન્ય રીતે વ્યક્તિ મૃત્યુ પામે ત્યાર પછી જીવનસાથી કે સંતાનો તેની વસ્તુઓ, કપડાં, જણસ, દસ્તાવેજો તથા અન્ય તમામ બાબતો કાઢી, જોઈ, વાંચીને તે રાખવી, કોઈને આપવી કે ભંગારમાં કાઢવી તેનો નિર્ણય કરે છે. આ પ્રક્રિયા અત્યંત હૃદય વિદારક હોય છે. જનાર તો જતું રહે છે પણ તેની વસ્તુઓ સાથે જોડાયેલી સ્મૃતિઓ તેનો નિકાલ કરવા બેઠેલી વ્યક્તિને દુઃખી કરે છે.
આવું ન થાય તે માટે દરેકે પંચાવન વર્ષની વય બાદ ‘મૃત્યુ પૂર્વેની સોફસફાઈ’ શરૂ કરવી જોઈએ. પંચાવન-સાઠ વર્ષની વય બાદ જીવ્યા એટલું તો જીવવાનું હોતું નથી. ગમે ત્યારે તેડું આવે અને ઉપડી જવાનું હોય છે. આથી આપણો સામાન તૈયાર રાખવો જરૂરી છે. દરેકે પોતાની મેળે જ પોતાની વસ્તુઓ તથા મનની સાફસફાઈ કરી નાખવી અને ભૂતકાળમાં જમા કરેલો સામાન કાઢી હળવા થઈ જવું.
સૌથી પહેલાં કપડાં, એસેસરીઝ, સ્મૃતિચિહ્નો, કલાકૃતિઓ, ભેટ અને યાદગીરીઓ જેવી વસ્તુઓમાંથી જે ન જોઈતી હોય તે કાઢી નાખવી. યાદ રાખો તમે વૃદ્ધ થઈ જશો પછી દુનિયા પાસે તમારા માટે સમય કે જગ્યા નથી. પરિવાર પાસે પણ આપણા માટે સમય નહીં હોય કેમ કે તેમણે પોતાનું જીવન જીવવાનું હોય છે.
તો પછી મૃત્યુ બાદ આપણી વસ્તુનો નિકાલ કરવાનો ભાર બીજા પર શા માટે નાખી જવો?
આના કરતાં આપણું શરીર સ્વસ્થ હોય ત્યારે દર થોડા સમયે વ્યવસ્થિત રીતે આપણે જ આપણી વધારાની વસ્તુઓ પાત્ર વ્યક્તિઓને આપવી જેને તે મેળવવાનો આનંદ હોય અને તે તેનો સદુપયોગ કરે.
*વસ્તુઓ કાઢતી વખતે મક્કમ અને એકાગ્ર રહો.
પોતાની જરૂરિયાત અનુસાર સમયની ગોઠવણી કરીને વ્યવસ્થિત રીતે સાફસફાઈનું કામ કરવું.
પોતાને ગમતી વસ્તુઓ કાઢતી વખતે લાગણીશીલ કે સંવેદનશીલ ન બનવું. વ્યવહારુ બનવું.
દર અઠવાડિયે, મહિને અને વર્ષે થોડું થોડું ડૅથ ક્લિનિંગ કરતાં રહેવું.
નવી વસ્તુઓ અધિક માત્રામાં કે પૈસા હોવાને લીધે ખરીદવાની બંધ કરવી.
તમારી મૂડી કે બચત સાચવી રાખવી અને મરણોપરાંત તે કોને મળે તે માટે વસિયત તૈયાર કરવી.
પરંતુ-
તમારી યાદોનો ખજાનો રાખવો કેમ કે તે તમારી સાથે જન્મજન્માંતર સુધી રહે છે.
જાણે-અજાણે કોઈનું દિલ દુભાયું હોય તો માફી માગી લેવી અને મન પરનો બોજ હળવો કરવો.
જેમણે મદદ કરી હોય તે બધાનો આભાર માનવો.
કોઈપણ પ્રકારની ગ્રંથિ મનમાં ન રાખવી. જેથી જ્યારે જવાનું આવે ત્યારે શાંતિપૂર્વ કોઈપણ પ્રકારના કર્મના ભાર વગર જવાય.
*માત્ર સારી સ્મૃતિઓ અને સ્થિર મન લઈને જવું.
જેટલો ઓછો સામાન એટલી પ્રવાસની વધુ મજા આવશે.

સંકલન : શ્રેણિક દલાલ …. શ્રેણુ