જીવનમાં સફળતા મેળવવા માનવીએ પોતાના કામનું આયોજન કરવું જરૂરી છે જેથી ઘણો સમય બચી શકે છે અને ધારેલું કાર્ય પૂર્ણ થતાં કામમાં સફળતા પણ મળે છે.
દરરોજનાં કામની નોંધ પોતાની રોજનિશીમાં ટપકાવવાથી તે કાર્યો પુરા કરવામાં ઘણી સરળતા થઈ પડે છે તથા તે દિવસે સંજોગાવશ બાકી રહેલા કામોનો ખ્યાલ પણ આવી જાય છે.
કેટલીક મહાન વ્યક્તિઓ દરરોજનાં કાર્યો કરવાની નોંધ રાખતા હતાં. જે માનવીને સમયની કિંમત સમજાતી હોય તથા કાર્ય પૂરું કરવાની ધગશ હોય તો તેઓ આયોજન કરીને પોતાના કાર્યો કરતાં અને પોતાના જીવનમાં સફળતા મેળવતા રહે છે.
નિત કામ નિત સમયથી કરાતા માનસિક તાણ પણ રહેતી નથી અને કામ પૂરું કરવામાં કોઈ અવરોધ નથી આવતો. રોજનિશી રાખવાની ટેવ ઘણી સારી છે તથા ફાયદાકારક પણ નીવડે છે જેથી ધારેલું કાર્ય પૂરું કરવામાં સરળતા રહે છે.
વિદ્યાર્થી જો આયોજન કરી ભણે તો સારા ગુણથી સફળતા મેળવે છે. વેપારી જો યોજનાથી પોતાનો ધંધો કરે તો તે પોતાના ધંધાને સારી રીતે વીકસાવી શકે છે. રમતવીર પણ પ્લાનીંગ કરી રમે તો તે અવશ્ય ખેલમાં જીત મળવશે જ.
દેશમાં પણ સરકાર આયોજન પંચ નીમીને નવી નવી યોજનાઓ કે નવા નવા પ્રકલ્પો ઘડે તો અલ્પ સમયમાં તથા સાથે સાથે ઓછા ખર્ચામાં પુરો થઈ શકે છે.
કામનું યોગ્ય આયોજન ન કરતા અમુક માણસો અડધેથી કામ છોડી દેતા હોય છે. આયોજન કર્યા વગર અથવા ઉતાવળેથી કામ કરવા જતાં અથવા શું કરવું છે તેનો વિચાર કર્યા વગર કામ હાથમાં લેતા ને પરિણામની પરવા કર્યા વગર અમલ કરવા જતાં પોતે પોતાનું જ નુકશાન ભોગવે છે.
આયોજન બરાબર કર્યું હોય પણ પરિશ્રમ બરાર ન કરતાં અથવા યોગ્ય આયોજન કર્યું હોય કે પરિશ્રમ બરાબર કર્યો હોય પણ ફાયદો બરાબર લેતા ન આવડતું હોય તો પણ તે માનવીને નિષ્ફળતા મળે છે.
આર્થિક સંપત્તિ હોવા છતાં, મહત્વકાંક્ષા રાખી હોવા છતાં તથા શારીરિક કે માનસિક રીતે સજ્જ હોવા છતાં પણ આયોજન મુજબ ન કરેલા કાર્યોમાં નિષ્ફળતા મળે છે.
કેટલાક માણસોને એવી ટેવ હોય છે કે પછી કરીશું … શી ઉતાવળ છે? એમાં ને એમાં ટેબલ પર કાગળોના ઢગલા થતા જાય છે તથા કાગળો વ્યવસ્થિત રીતે ન ગોઠવાતાં અગત્યનાં કાગળો શોધવામાં ઘણો સમય વેડફાય છે અને છેવટે કંટાળીનેકામ અડધેથી છોડી દેતા હોય છે.
ઘણી વખત એટલા બધા કામો બાકી રહેવાથી ધ્યાન રાખી શકાતું નથી જેથી અગત્યનાં કાર્યો બાકી રહે છે. કોઈપણ કાર્યો કરતા પહેલાં કાર્યની અગત્યતાની પસંદગી કરીને કરાતા કામો ચપટીભરમાં થતાં જાય છે અને જેમ જેમ કામ પૂરા થતાં બીજા કાર્યો કરવામાં જુસ્સો પણ મળે છે.
ઘણી પેઢીઓમાં કે બેંકમાં તથા સરકારી ખાતાઓમાં યોજનાનો અમલ બરાબર ન થતાં ગેરવ્થવસ્થા થવાથી ઘણાને સહન કરવું પડે છે.
પોતાનું ભવિષ્ય પોતે જ ઘડવાનું છે અને માનવીમાં અખૂટ તાકાત ભરી પડી હોય છે જેનો યોગ્ય ઉપયોગ કરવાનો હોય છે.
દરરોજ મનમાં નિશ્ચય કરીને તથા આશાવાદી બનીને ધારેલું કામ કરવાનો મક્કમ નિર્ણય કરી, આયોજન સાથે કરાતા કામોમાં સફળતા મળશે ને મળશે જ.
દરરોજનું કામ દરરોજ કરવું જોઈએ તેવો નિયમ અપનાવતા સફળતા મળ્યા વગર રહેતી નથી તથા દરરોજ રાતે સૂતાં પહેલાં આખા દિવસનું કામનું સરવૈયું કાઢવાથી ખબર પડે કે કેટલું કામ થયું અને કેટલા અંશે સફળ થયું તે જોઈને બીજા દિવસનું પ્લાનીંગ કરી શકાય.
નાનુ કામ હોય કે મોટું કામ હોય આયોજનની આવશ્યક્તા હોય છે.*
લેખક:– શ્રેણિક દલાલ… શ્રેણુ
