Morari Bapu :  તખુભાઈ સાંડસુર : મોરારિબાપુનું નામ વૈશ્વિક કક્ષાએ ધર્મજગતમાં શિરમોર છે જ છે.અને તેમાં પણ સનાતન હિંદુ ધર્મમાં તેમની ધર્મસેવાને જે ઊંચાઈ સુધી મૂકવી હોય ત્યાં સુધી સ્થાપિત કરી શકાય તેમ છે. પરંતુ તેઓના જણાવ્યાં પ્રમાણે વ્યાસપીઠ એ માત્ર વચનાત્મક નહીં પરંતુ રચનાત્મક પણ રહેવી જોઈએ, હોવી જોઈએ.તેથી તે દિશામાં તેમનું ચિંતન અને કર્મણ સતત વહેતું રહેતું હોય છે.
       હાલમાં રાજકોટ ખાતે સદભાવના વૃદ્ધાશ્રમના પ્રેરક કાર્યને વધુ બળવતર કરવાના હેતુથી રામકથાનું ગાન થઈ રહ્યું છે.તેમાં વૃદ્ધો અને વૃક્ષોની સેવા માટે લોકોને ધર્મ સાથે જોડી અને પ્રેરિત કરીને એક નવી દિશા તરફ અંગુલીનિર્દેશ કરવાનો બાપુનો પ્રયત્ન સમગ્ર જગત માટે માનવતાની મુહીમ તરીકે જોવો જોઈએ.આ કથાના માધ્યમથી ધર્મને એ રીતે પ્રસ્તુત કરવામાં આવી રહ્યો છે કે માત્ર માનવ નહીં પરંતુ વનસ્પતિ પણ  જીવનના પૂરક તરીકે અગત્યની છે,તે આપણે સૌએ ભુલવું ન જોઈએ.તેથી કથાના માધ્યમથી જે ફંડ આવી રહ્યું છે.તે ફંડનો ઉપયોગ વૃદ્ધો માટે તો થવાનો છે પરંતુ વૃક્ષો માટે પણ આ ફંડ માનવીય  અમૂલ્ય કાર્ય કરવાનું છે.સદભાવના સંસ્થા દ્વારા ગુજરાતમાં 30 લાખ કરતા વધારે વૃક્ષોનું વાવેતર નહીં પરંતુ તેનો ઉછેર કરવામાં આવી રહ્યો છે.કેટલાંક વૃક્ષો બે વર્ષ પૂર્ણતાના આરે પહોંચીને ટકી રહેવાની પ્રતિબદ્ધતા દર્શાવી રહ્યા છે.ત્યારે આ કથાથી ઓછામાં ઓછાં 150 કરોડ રૂપિયાનું ફંડ એકત્ર થવાનું છે.જે ફંડ વૃક્ષોના સંરક્ષણ અને સંવર્ધન માટે વાપરવાનું છે. બે ત્રણ દિવસના પ્રારંભિક કથા સમય દરમિયાન ત્રણ કરોડ વૃક્ષ વાવવા અને તેને ઉછેરવાના સંકલ્પો જાહેર થઈ ચૂક્યાં છે. સદભાવનાનું સંકલ્પ અભિયાન સમગ્ર ભારતને 150 કરોડ વૃક્ષો આપીને ગ્રીન ઇન્ડિયા કરવાની લીલોતરી નેમ છે. આ સમગ્ર કાર્યમાં મોરારિબાપુ એક પ્રેરણાત્મક અને કડીરૂપ ભૂમિકા ભજવી રહ્યા છે.તેથી 2015 ની ક્લાઈમેટ ચેન્જની પેરિસ સમજૂતીના આધારે વિશ્વમાં જે રીતે ઔદ્યોગિક તાપમાન માં 2 સે.નો વધારો થઈ રહ્યો છે તેને કંટ્રોલ કરવા માટેની ગ્રીન હાઉસ ઈફેક્ટ વધુ અસરકારક બનાવવા માટે વૃક્ષો અને જંગલો અક્સિર ઈલાજ બની શકે તેમ છે. તેથી મોરારિબાપુનું વૃક્ષોને વાવવાનું તો ખરું જ પરંતુ તેના મહત્વ માટે સતત અપીલ કરવાનું ધર્મકાર્ય શાસ્ત્રો સાથે જોડીને લોકોને સ્વીકાર્ય બનાવવાનું કામ નાનું નથી! ક્લાયમેટ ચેન્જ ની પેરિસ સમજૂતીમાં 194 જેટલા પક્ષોએ અને દેશોએ સહી કરીને ગ્રીનહાઉસને મજબૂત કરવા માટે મક્કમતા દર્શાવી છે.
          મોરારિબાપુએ કથા દરમિયાન પોતાના ગુરુઓ, પિતૃઓ, પૂર્વજો, ગ્રહો, દેવતાઓના નામે વૃક્ષ વાવી અપીલ કરતાં કહ્યું કે દરેક વ્યક્તિ ઓછામાં ઓછા પાંચ વૃક્ષોનો ઉછેર કરે અને હું પણ તલગાજરડા ખાતે 1,008 વૃક્ષોનું ત્રિભુવન વનનું નિર્માણ કરીશ.બે -ત્રણ ઉદ્યોગપતિઓએ અત્યાર સુધીમાં ત્રણ કરોડ વૃક્ષો ઉછેરવા માટેનું પોતાનું ફંડ પણ જાહેર કર્યું છે.આ બધું એ રીતે થઈ રહ્યું છે કે જાણે કે આ પ્રવૃત્તિ કોઈ અન્યની નહીં પણ પોતિકી છે. તેથી આવતા દિવસોમાં જંગલો, વૃક્ષોને કપાતા અટકાવવા માટે મોરારિબાપુનું કાર્ય એક વિરાટ સ્વરૂપે જનસમુહ સુધી જઈ રહ્યું છે.સદભાવનાએ આખાએ દેશમાં જે રીતે વૃક્ષ અભિયાન ઉપાડવાની નેમ વ્યક્ત કરી છે તેમાં પણ બાપુનું પ્રેરણાદાયી પિયુષ કામ કરી રહ્યું છે. ઉમાશંકરની એ વાત” નથી એક જ માનવી, પશુ છે પંખી છે અને છે વનોની વનસ્પતિ” તેને ઝીલનારા કોઈક તો મળી આવે !આ મશાલ બાપુએ પ્રજવલિત કરીને અનેક લોકોને દોડતાં કર્યા છે.
         મોરારિબાપુ સ્વભાવગત કોઈ માન, સન્માન કે હોદ્દો મેળવવાના પક્ષધર નથી અને તેમને તે હંમેશા અસ્વીકાર્ય રહ્યું છે.પરંતુ પર્યાવરણીય પ્રવૃત્તિ સાથે જોડાયેલાં કાર્યકર્તાઓ અને સંસ્થાઓએ યુનાઈટેડ નેશન્સના સતાધિકારીઓ સુધી આ વાત પહોંચાડીને તેમને વર્લ્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરવાનો ભાવ વ્યક્ત કરવો જોઈએ.ભૂતકાળમાં બાપુએ કલાયમેન્ટ ચેન્જ તો ઠીક છે પરંતુ વ્હેલ માછલીના બચાવ અભિયાનમાં પણ પોતાની જાતને જોતરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં વ્હેલ માટે હુંફાળું વાતાવરણ ઊભું કર્યું હતું.આ બધું જોતા બાપુ ક્લાઈમેટ ચેન્જ માટે એમ્બેસેડર જાહેર થાય તો પ્રવૃત્તિને વધુ વેગવંતી કરી શકાય.