Gujarat : કેનેડાના આલ્બર્ટા સ્ટેટમાં કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સોસાયટીઝ્ ઓફ ઈન્ડિયા, એડમોન્ટન ખાતે વિધ વિધ ક્ષેત્રમાં વિશેષ ઉપલબ્ધિ મેળવનાર ભારતીય પ્રતિભાઓનાં સન્માનનો કાર્યક્રમ સંપન્ન થયો.
ગુજરાતના ભાવનગર જીલ્લાના મહુવા શહેરના વતની વિરલદેવ મનોજભાઇ જોશીની પુત્રી કુમારી મહિમા જોશીએ વિદ્યાકીય ક્ષેત્રે દસમા ગ્રેડમાં ઉચ્ચતમ ગુણાંક પ્રાપ્ત કરીને સંસ્થા દ્વારા અપાતો “એકેડેમીક એચીવમેન્ટ એવૉર્ડ” મેળવ્યો છે.
એડમોન્ટન સીટીમાં “ઈન્ડિયા ડે ૨૦૨૫ ના ઉપલક્ષમાં કેનેડિયન પ્રશાસનિક અધિકારીઓ, પદાધિકારીઓ તેમ જ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સૂત્રધારો દ્વારા આયોજિત ભવ્ય સમારંભમાં મહિમા જોશીને એવૉર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.
મહિમા જોશીએ આઠમી કક્ષા સુધીનો અભ્યાસ ભાવનગરની નૈમિષારણ્ય સ્કૂલમાંથી સંપન્ન કરેલ હતો. એડમોન્ટનમાં નવમી અને દસમી કક્ષામાં સતત અને એકનિષ્ઠ પુરુષાર્થ કરીને તેણીએ કેનેડાની ધરતી પર ગુજરાતનાં ગૌરવને ઉજાગર કરી બતાવ્યું છે એ બદલ સમગ્ર ગુજરાતનું શિક્ષણ ક્ષેત્ર આનંદની લાગણી અનુભવે છે.
