હે માનવી, માનવી થાય તો પણ ઘણું
ભગવાને માનવને પંચેન્દ્રિય બક્ષી હોવાથી તે અન્ય જીવોને મદદરૂપ થઇને તેઓને તકલીફમાંથી ઉગારવાને શક્તિમાન હોય છે. કોઇ પણ જીવ પછી ભલેને સુક્ષ્મમાં સુક્ષ્મ જીવથી માંડીને મસ મોટો જીવ હોય કે નાનામાં નાની કીડી હોય કે મોટો હાથી હોય અથવા નાના શિશુથી માંડીને પૌઢ વ્યક્તિ અથવા ગરીબથી માંડીને તવંગરને કોઇ પણ રીતે મદદરૂપ બનવું તે ખરો માનવતાનો ધર્મ બજાવયો ગણાય છે.
માનવી જ્યારે જેને માટે માનવતા દાખવે છે ત્યારે તે જીવને ઘણી માનસિક તથા શારીરિક રાહત થઇ જાય છે. જેને મદદ મળી હોય તે માનવતા દાખવનાર વ્યક્તિને દૂઆ આપતો હોય છે અને સાથે સાથે મદદ કરનાર વ્યક્તિનાં દિલમાં કંઇક સારું કામ કર્યાનો અહેસાસ થતો હોય છે અને તેને અનેરો આનંદ મળતો હોય છે. સહાનુભૂતિ દાખવનારા પોતાના પુણ્યનાં ભાથામાં વધારો કરતો રહે છે તથા તેની માનવતા મહેકી ઉઠતા સમાજમાં તેની પ્રતિષ્ઠામાંચાર ચાંદ લાગતા હોય છે. અનુકંપાદાન કરનાર તથા જીવદયા પાળનાર વ્યક્તિમાં હરહમેંશ માનવતાનાં દર્શન થતા હોય છે. માનવતાની જન્મદાતા દયા રૂપી મા કહેવાય છે. કોઇને માટે દયા આવવાથી તે માનવીમાં માનવતા રૂપી વરસાદ ઝરમર ઝરમર વરસતો રહે છે. પછી ભલેને પોતાને નુકસાન થતું હોય તેની પરવા ન કરતા બીજાને કોઇ પણ રીતે સહાયરૂપ થવાય તેમાં ખરી માનવતા દીપી ઉઠે છે.
માનવતા દાખવનાર સહાય કરતા નાત જાત કે ધર્મનો બાધ રાખતા નથી. ઘણા લોકો માનવતા માટેની નાની મોટી સંસ્થાઓ ચલાવતા હોય છે. ફક્ત પૈસા આપીને છૂટી જવાનું હોતું નથી. પરંતુ માનવતા બતાવતી વ્યક્તિ માનદ્ સેવા આપતી હોય છે.
દરેક દેશ વિદેશમાં નાનામાં નાના ગામડાથી માંડીને મોટા મોટા શહેરમાં ઘણી સંસ્થાના લોકોને તકલીફમાંથી ઉગારવા માટે મદદ કરવા તત્પર હોય છે. ઘણી સંસ્થાઓ જરૂરિયાતમંદ વ્યક્તિઓને મફત દવાઓ આપતી હોય છે. અલબત્ત હોસ્પીટલમાં જનરલ વોર્ડમાં સંસ્થાના લોકો ખાટલે ખાટલે ફરીને ફળ-ફળાદિ, દવા નિ:શુલ્ક આપતાં હોય છે. દેરાસર કે મંદિરનાં ભંડારમાં પૈસા મૂકીને ભગવાનને રીઝવી શકાતા નથી તથા ફાળો લખાવીને લોકોમાં વાહવાહ મેળવવાથી પુણ્ય મળતું નથી. કોઇની સહાનુભૂતિ મળતા જરૂરિયાતમંદ માનવીનું મનોબળ આપમેળે વધી જાય છે તથા તેનામાં જોમ -જુસ્સો આવતા પોતાનું કામ તે સરળતાથી કરી લે છે.
ચિત્રભાનુસાહેબની બનાવેલી કલ્યાણ ભાવના રૂપી કવિતા યાદ આવી જાય છે.
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે….પ્રભુ એવી ભાવના નિત્ય રહે..
દીન ક્રુર ને ધર્મ વિહોણા, દેખી દિલમાં દર્દ રહે, કરુણા ભીની આંખોમાંથી, અશ્રુનો સત્રોત વહે…. મૈત્રી ભાવનું…
મકરસંક્રાતિના દિવસે મધ્યાન સમયે એક પારેવાની પાંખમાં પતંગનો માંજો ભરાઇ જતાં લોહીથી નીતરતી પાંખો ફફડાવતા તે રસ્તા પરથી ઉડતા ઉડતા ઉપરથી નીચે પટકાતા ભીખુ નામના ગરીબ છોકરાની નજર તેના પર પડી. તે જોતા જ તેનું દિલ દ્રવી ઉઠ્યું. તેને લાગ્યું કે પળવારમાં જ આ કબૂતર ગાડી નીચે આવી જતાં કચડાઇ જશે જેથી તેને પોતાના જાનની પરવા કર્યા વિના તે કબૂતરને બચાવવા રસ્તા વચ્ચે દોડતા દોડતા આવીને તેને હાથમાં લઇ બચાવી લીધું પરંતુ પોતે ગાડીની અડફેટમાં આવતાં બચી ગયો. તે ઇજાગ્રસ્ત કબૂતરને લઇને ડોક્ટર પાસે લઇ જઇને માવજત કરાવી. ઇજાગ્રસ્ત કબૂતરને લઇને આવનાર ગરીબ છોકરાને જોઇને તે ડોક્ટરનાં આંખમાં આંસુ આવી ગયા અને તે કબૂતરની માવજત કરી આપીને ભીખુને ઇનામ રૂપે પૈસા આપવા પ્રયત્ન કર્યો પણ ભીખુએ ઇનામના પૈસા ન લીધા. તે કબૂતર બચી જતાં ભીખુના આંખમાં હર્ષના આંસુ આવી ગયા.
કહે શ્રેણુ આજ
બીજાના દર્દભર્યા દુ:ખને સંભારીને, પોતાના સુખ સાહેબીને દબાવીને,
પોતાના દુ:ખને દબાવીને, બીજાના સુખને ઝાંખીને,
પોતાની નામનાને ભૂલીને, દુ:ખી જીવોને જીવંત બનાવી દે….
સહાનુભૂતિ દાખવીને કરી લે મદદ, શારીરિક કે માનસિક બીજા સાટે,
માનવતા બતાવીને બાંધી લે, પુણ્યનું ભાથું તુજ સાટે…
કોઇ વ્યક્તિને અકસ્માત નડતા તેને બચાવવા હોસ્પીટલ લઇ જવાથી, કોઇ બુઝુર્ગ અથવા અંધ વ્યક્તિને રસ્તો ઓળંગવા મદદ કરીને, કોઇ ઇજાગ્રસ્ત પશુ કે પક્ષીને જોઇને કણસતા જીવને બચાવવાથી, પશુ કે પક્ષીઓને કતલખાને જતા અટકાવીને અથવા પોતાના જાનના જોખમે પાણીમાં ડૂબતા માનવીને બચાવીને તથા ગરીબ-ગુરબાઓને ખાવાનું આપીને પોતાની માનવતારૂપી ગુણનાં દર્શન કરાવી શકાય છે. જે માનવી કોઇ દુ:ખી વ્યક્તિને કે માંદગીમાં પટકાયેલી વ્યક્તિને, આંધળી, બહેરી, લૂલી કે લંગડી વ્યક્તિને કે ગરીબ-ભીખારીને મદદ કરીને અનુકંપાદાન કરીને લોકોની દુઆ મેળવે છે અને કોઇ સત્કર્મ કર્યાનો માનસિક આનંદ પણ મેળવે છે.
કવિ શ્રી ઉમાશંકર જોશીનું કથન યાદ આવી જાય છે
હું માનવી માનવ થાઉ, તો પણ ઘણું
ઘણી સંસ્થાઓ ઠેર ઠેર પાંજરાપોળ ચલાવીને રસ્તે રઝળતાતથા ભટકતા પશુઓને તથા કતલખાને જતાં બચાવેલા પશુઓની સંભાળ રાખતી હોય છે. મુંબઇમાં ‘શ્રી મુંબઇ જીવદયા મંડળી’, વઢવાણમાં- મહાજન સંચાલિત પાંજરાપોળ, બોટાદ- ગૌશાળા તથા સૌરાષ્ટમાં ઘણા ગામોમાં પાંજરાપોળ ચલાવવામાં આવે છે. અમુક સંસ્થાઓ મંદ-બુધ્ધિવાળા બાળકોને શૈક્ષણિક તાલિમ આપીને વ્યસ્ત રાખતી હોય છે તથા સ્વરોજગાર માટે તૈયાર કરતી હોય છે અને નોકરી વ્યવસ્થા માટે મદદ કરતી હોય છે. આપણે સર્વેએ માનતા બતાવીને જીવનરૂપી દીપકને દીપાવવો જોઈએ.
લેખક:- શ્રેણિક દલાલ….શ્રેણુ