Botad  : શ્રી શાંતિમંગલમ ટ્રસ્ટ સંચાલિત JNB જ્ઞાનમંજરી વિદ્યાપીઠ – બોટાદ ખાતે તા:-25/11/2024 ને સોમવારના રોજ મધ્યઝોન પ્રદેશકક્ષાની “બાળ પ્રતિભા શોધ” સ્પર્ધા યોજાઈ. ” રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશ્નર શ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી બોટાદ દ્વારા JNB જ્ઞાનમંજરી વિદ્યાપીઠ ખાતે મધ્યઝોન પ્રદેશકક્ષાની “બાળ પ્રતિભા શોધ” સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર તેમજ પ્રાંત યુવા વિકાસ અધિકારી દિનેશભાઈ દિહોરા સાહેબ, મહેમાન તરીકે JNB જ્ઞાનમંજરી વિદ્યાપીઠ શાળાના સંચાલક અને આચાર્યશ્રી મનુભાઈ જાદવ તેમજ કેમ્પસ ડાયરેક્ટર હિતેશભાઈ લીંબડીયા તેમજ મધ્યઝોન પ્રદેશના અનેક જિલ્લાની વિવિધ શાળાના ટીમ મેનેજરશ્રી તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મહેમાનશ્રી, વિવિધ શાળાના આચાર્યો, શિક્ષકોને ભેટ સ્વરૂપે પુસ્તક અર્પણ કરી તેમજ ભાગ લીધેલ તમામ ભાઈઓ બહેનોનું JNB શાળાના આચાર્ય દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભાગ લીધેલ દરેક શાળાની નાની બહેનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રાંત યુવા વિકાસ અધિકારી દિનેશભાઈ દિહોરા સાહેબ દ્વારા તમામ વિદ્યાર્થીઓને સ્પર્ધા વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ત્યારબાદ કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં 7 વર્ષથી 13 વર્ષનાં બાળકોએ જુદા જુદા વિભાગમાં ભાગ લીધો હતો. જેમાં વિવિધ સ્પર્ધા જેવી કે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વેસ્ટમાંથી બેસ્ટ, વકૃત્વ સ્પર્ધા, લોકગીત સ્પર્ધા, લગ્નગીત સ્પર્ધા, સમૂહગીત સ્પર્ધા, એક પાત્ર અભિનય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મધ્યઝોન પ્રદેશની વિવિધ શાળામાંથી અનેક બાળકોએ ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. મધ્યઝોન પ્રદેશ કક્ષામાં વિજેતા થનાર તમામ વિદ્યાર્થીઓ રાજ્ય્ કક્ષાએ મધ્યઝોન પ્રદેશ કક્ષાનું પ્રતિનિધિત્વ કરશે. દરેક વિદ્યાર્થીઓને પોતાની શાળાના શિક્ષકો તેમજ આચાર્યશ્રીઓ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ JNB જ્ઞાનમંજરી વિદ્યાપીઠ ખાતે સમગ્ર કાર્યક્રમનું તમામ આયોજકો દ્વારા સૂચારૂ આયોજન કરવામાં આવ્યું હતું.

પત્રકાર : ચિરાગ ગોસલીયા – સુરેન્દ્રનગર