
ATMA : અમદાવાદ : રુશિલ ડેકોર લિમિટેડ માટે ગૌરવપૂર્ણ ક્ષણ! કંપનીના ચેરમેન અને સંપૂર્ણકાલીન ડિરેક્ટર શ્રી કૃપેશભાઈ ઠક્કરને મેન્યુફૅક્ચરિંગ એક્સલેન્સ ATMA એવોર્ડ (ATMA Award for Manufacturing Excellence) દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર અમદાવાદ ટિમ્બર મર્ચન્ટ એસોસિયેશન દ્વારા દર વર્ષે અગ્રણી ઉદ્યોગસંસ્થાઓ અને તેમની નેતૃત્વ ક્ષમતાને માન્યતા આપવા માટે આપવામાં આવે છે.
જુલાઈ 2025માં અમદાવાદ ખાતે યોજાયેલા સમારંભમાં આ એવોર્ડ એનાયત થયો હતો. એવોર્ડના માપદંડો મુજબ, પસંદગી પામનાર વ્યક્તિએ ઇનોવેશન, કાર્યક્ષમતા અને ગુણવત્તાના ક્ષેત્રમાં ઉદ્યોગ માટે ઉચ્ચ માપદંડો ઊભા કર્યા હોવા જોઈએ અને શ્રી કૃપેશભાઈ ઠક્કર આ દરેક માપદંડ પર ઉદ્યોગ માટે એક દ્રષ્ટાંત પુરવાર થયા છે.
શ્રી કૃપેશભાઈ ઠક્કરના નેતૃત્વ હેઠળ, રુશિલ ડેકોરએ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું નામ સ્થાપિત કર્યું છે. ખાસ કરીને માણસા ખાતે સ્થપાયેલા નવા જમ્બો લેમિનેટ પ્લાન્ટ દ્વારા, વૈશ્વિક માંગને પહોંચી વળવાનો નક્કર પ્રયાસ કર્યો છે. આ મેન્યુફેક્ચરિંગ યુનિટ કંપનીની વૈશ્વિક વિસ્તાર દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
આ ઉપરાંત, પર્યાવરણીય અનુકૂળ કાચા માલનો ઉપયોગ શરૂ કર્યો અને FSC તથા ISO 14001 જેવા આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્રો પ્રાપ્ત કર્યા અને તેઓએ ઉત્પાદન ક્ષેત્રે એડવાન્સ જર્મન ટેક્નોલોજી અપનાવી છે, જેના માધ્યમથી શ્રેષ્ઠ ગુણવત્તા, ઓટોમેશન અને કાર્યક્ષમતા હાંસલ કરી. આવી ટેક્નિકલ નવીનતાના પગલે કંપની આજે ઉદ્યોગમાં પોતાનું સશક્ત સ્થાન જાળવી શકી છે.
પુરસ્કાર બદલ આભાર વ્યક્ત કરતાં શ્રી કૃપેશભાઈ ઠક્કરે કહ્યું:
“મારા માટે ATMA એવોર્ડ મળવો એ એક ગૌરવની અને ભાવનાત્મક ક્ષણ છે. આ પુરસ્કાર મારો નહીં પરંતુ સમગ્ર રુશિલ ડેકોર ટીમના સંકલિત પ્રયાસોનું પ્રમાણપત્ર છે. હું અમદાવાદ ટિમ્બર મર્ચન્ટ એસોસિયેશનનો આભારી છું અને ઉદ્યોગમાં નવીનતા અને શ્રેષ્ઠતાને આગળ ધપાવવા પ્રતિબદ્ધ છું.”
શ્રેષ્ઠતા અને ધ્યેયના માર્ગે આગળ વધી રહેલા રુશિલ ડેકોર માટે આ એવોર્ડ માત્ર ગૌરવરૂપ તબક્કો જ નહીં પરંતુ ભવિષ્યમાં વધુ ઊંચા ધોરણો સ્થાપિત કરવા માટેનું પ્રેરણારૂપ છે.

