અમદાવાદ: શહેરના અમદાવાદ ગ્રામ્યમાં રહેતો એક યુવક ઇન્સ્ટાગ્રામ પર રીલ જોતો હતો. જેમાં એક રીલમાં શેર ટ્રેડીંગ શીખવાડીને ટીપ આપીશું, તેવી જાહેરાત જોઇ હતી. ત્યારબાદ યુવકને રસ પડતા તેણે તેમાં દર્શાવેલા નંબર પર સંપર્ક કર્યો હતો અને તે એક વોટ્સએપ ગ્રુપમાં જોડાયો હતો. જેમાં રહેલા શખ્સોએ ક્લાસ આપવાના બહાને રોકાણ અને ટ્રેડીંગ કરાવતા યુવકે સાત લાખનું રોકાણ કર્યું હતું.
યુવકને નાણાંની જરૂર પડતા તેણે રૂપિયા પરત માંગતા શખ્સોએ પાંચ લાખ પરત આપ્યા ન હતા. આ મામલે બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મૂળ રાજસ્થાનનો તરૂણ માલપાણી બોપલમાં રહે છે અને એક કંપનીમાં એકાઉન્ટ વિભાગમાં નોકરી કરે છે. ગત તારીખ 28 ફેબ્રુઆરીએ તે ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઇ રહ્યો હતો. ત્યારે એક રીલમાં શેર ટ્રેડીંગ શીખવાડીને ટીપ આપીશું, તેવી જાહેરાત હતી. તરૂણભાઇને રસ પડતા તેમાં આપેલા નંબર પર સંપર્ક કરતા તે એક વોટ્સએપ ગ્રુપમાં જોડાયો હતો. ગ્રુપમાં સૌરભ મુખરેજીયા તેમજ તેનો આસિસ્ટન્ટ બીલીન્ડા ક્લાસ લેવા લાગ્યા હતા. આ બંનેએ રોકાણ કરાવવા માટે ટ્રેડીંગ કરાવવાનું શરૂ કર્યું હતું.
તરૂણભાઇએ ટ્રેડીંગ અને રોકાણ શરૂ કર્યુ હતું. તેમના પત્નીના એકાઉન્ટમાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન થકી લગભગ રૂપિયા સાત લાખ ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ તરૂણભાઇને નાણાંની જરૂર પડતા તેમણે રૂપિયા પરત માંગ્યા હતા. ત્યારે શખ્સોએ બે લાખ આપીને બાદમાં પ્લેટફોર્મ ફી ભરવાનું કહીને તરૂણભાઇના પત્નીનું એકાઉન્ટ ફ્રીઝ કરી દીધું હતું. જેથી આ અંગે સાયબર સેલમાં જાણ કરી હતી. આરોપીઓએ તરૂણભાઇને બે લાખ પરત આપીને પાંચ લાખ પરત ન આપતા આ મામલે બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.