Dubai : દુબઈથી સુરત સોનાની હેરાફેરી કરતા એક મહિલા સહિત 4 શખ્સ ઝડપાયા છે. આરોપીઓ ટ્રાવેલ બેગની અંદર ગોલ્ડની પેસ્ટ બનાવીને સોનું સુરતમાં ઘુસાડતા હતા. એરપોર્ટ પર ગોલ્ડ ડિટેક્ટ ન થાય તે માટે ખાસ કેમિકલ એકવારીઝિયા આરોપીઓ વાપરતા હતા. જોકે તેમ છતાં પણ સોનાની હેરાફેરી કરતી ગેંગ એરપોર્ટ પર આવતા સુરત SOGએ ઝડપી પાડી હતી.
64 લાખથી વધુનો સોનું ઝડપાયું
સમગ્ર ઘટના બહાર લાવવા માટે ઘરેણાં બનાવનાર કારીગર પાસે પેસ્ટની તપાસ કરાવી હતી, કારીગરે પેસ્ટ ઓગાળ્યું તો રૂપિયા 64,89,000નું 927 ગ્રામ સોનું નીકળ્યું હતું. આ સાથે ગોલ્ડ સ્મગલિંગ કરતા એક દંપતી સહિત તમામ આરોપીઓ માંગરોળના વતની છે. SOGને મળેલી માહિતી અનુસાર 1 મહિલા સહિત 4 શખ્સ દુબઈથી ગોલ્ડ સ્મગ્લિંગ કરી સુરત એરપોર્ટ બહારથી આવતા આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓનો ગોલ્ડ સ્મગ્લિંગ માટે નવો કીમિયો સામે આવ્યો હતો.
નવો કિમીયો અપનાવી સોનું સુરત લાવ્યા
ટ્રાવેલ બેગની અંદર પેસ્ટ બનાવીને ગોલ્ડ દુબઈથી ફ્લાઇટ થકી સુરત લઈ આવ્યા હતા. બેગની અંદરથી પેસ્ટના માધ્યમથી મળ્યું હતું. SOGએ પોતાના જ ઓફિસમાં સોનાના ઘરેણાં બનાવનાર કારીગરને બોલાવીને પેસ્ટની તપાસ કરાવી તો ગોલ્ડ નીકળ્યું હતું. તમામનું વજન કરતા કુલ 927 ગ્રામ ગોલ્ડ આરોપીઓ દુબઈથી સુરત લઈને આવી ગયા અને એરપોર્ટ પર કોઈને તેની જાણ સુધી થઈ નથી. આ ગોલ્ડની કિંમત 64,89,000 રૂપિયા માનવામાં આવી રહી છે. સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે બેગની અંદર તેઓ એક સોનાનો લેયર બનાવતા. એકવારીઝિયા કરીને એક કેમિકલ તે વાપરતા હતા. આ કેમિકલ સ્પ્રે કરવાથી સોનું મેટલ ડિટેક્ટરની અંદર ડિટેક્ટ થતું નથી. ચોક્કસ વાતની જાણ હોય ત્યારે જ આ સોનું પકડાવાના ચાન્સીસ છે નહીં તો સહેલાઈથી એરપોર્ટથી નીકળી શકાય છે.
આરોપીઓની કરાઈ ધરપકડ
બેગની રેકઝીનના પાછળ જે રેક હોય છે તેને પીગળવામાં આવ્યા ત્યારે જ સોનું મળ્યું હતું. રેકઝીનની પાછળ એક પેપર ટાઈપ સોનું રાખી તેની પર કાળા રંગનું કાપડ ચડાવી દેતા હતા. તમામ આરોપીઓ સુરત ગ્રામ્ય માંગરોળના વતની છે. આરોપી નઈમ સાલેહ, ઉમેમાં સાલેહ પતિ પત્ની છે. જેઓ કેરિયર તરીકે પકડાયા છે. તેમને લેવા મોકલનારનું નામ અબ્દુલ છે અને તે રોકાણ કરનાર છે. ફિરોઝ નુર કરીને ડ્રાઈવર છે, આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સોનું દુબઈથી જે વ્યક્તિ પાસેથી લાવ્યા છે તે અંગેની પણ તપાસ ચાલી રહી છે.
જે રીતે ફિનિશિંગ છે તેનાથી લાગે છે કે અગાઉ પણ આ લોકો આવી જ રીતે સોનું સુરત લઈને આવ્યા છે. તેમના રિમાન્ડ મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે સાથે તેઓએ કહ્યું હતું કે દંપતી કેરિયર છે. સોનું લાવવા માટે 15 હજાર રૂપિયા તેમને આપવામાં આવતા હતા. મુખ્ય મુદ્દો છે કે દુબઈ અને ભારતમાં એક કિલો સોનાની કિંમતમાં 6થી 7 લાખ રૂપિયાનો ફેર હોય છે. જેના કારણે આ પ્રવૃત્તિ સતત ચાલી રહી છે. કસ્ટમ વિભાગના અધિકારીઓ પણ તપાસમાં જોડાશે. આ લોકો પાસે બિલ પણ મળી આવ્યા છે.