AAP અમદાવાદ : આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી રાજ્યભરમાં પોતાની સંગઠનાત્મક શક્તિ મજબૂત બનાવી રહી છે. પ્રજાના પ્રશ્નોને પ્રાથમિકતા આપતી અને ઈમાનદાર રાજનીતિના સૂત્ર સાથે આગળ વધી રહેલી આમ આદમી પાર્ટી તરફ વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો અને કાર્યકરોનો ઝુકાવ સતત વધી રહ્યો છે. આ જ દિશામાં આજે અમદાવાદ શહેર ખાતે એક મહત્વપૂર્ણ અને ભવ્ય જોડાણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના મહત્ત્વના નેતાઓએ આમ આદમી પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાઈને નવા રાજકીય અધ્યાયની શરૂઆત કરી.
આ કાર્યક્રમ આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી શ્રી સાગરભાઈ રબારીની આગેવાનીમાં યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા, જેનાથી સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહપૂર્ણ અને ઉર્જાસભર વાતાવરણ જોવા મળ્યું હતું. એનસીપીના અમદાવાદ શહેર મહામંત્રી શ્રી કેતન કંસારાએ પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈને પાર્ટીના વિચારધારાને મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમની સાથે અન્ય મહામંત્રીઓ તેમજ ઉપપ્રમુખ પદે રહેલા અગ્રણીઓએ પણ પાર્ટીની સભ્યતા ગ્રહણ કરી હતી.
આ પ્રસંગે શ્રી સાગરભાઈ રબારીએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી હંમેશા ઈમાનદાર અને પારદર્શક શાસન માટે પ્રતિબદ્ધ રહી છે. પ્રજાની સેવા કરવાની સાચી ભાવના ધરાવતા લોકો માટે આ પાર્ટી હંમેશા ખુલ્લી છે અને આજનું આ જોડાણ એ વાતનો પુરાવો છે કે લોકો હવે પરિવર્તન ઇચ્છે છે. તેમણે ઉમેર્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી વધુ સશક્ત બનીને મેદાનમાં ઉતરશે અને પ્રજાના આશીર્વાદથી ઉત્તમ પરિણામ મેળવશે.
શ્રી કેતન કંસારાએ પણ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે તેમણે પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. તેમણે કહ્યું હતું કે આજના સમયમાં લોકો ઈમાનદાર અને જવાબદાર નેતૃત્વની અપેક્ષા રાખે છે અને આમ આદમી પાર્ટી એ આશાઓને પૂર્ણ કરવાની ક્ષમતા ધરાવે છે. પાર્ટીમાં જોડાઈને તેઓ શહેરના વિકાસ, મૂળભૂત સુવિધાઓના સુધારણા અને સામાન્ય નાગરિકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે કાર્ય કરશે.
કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં હાજર કાર્યકરો અને સમર્થકોએ નવા જોડાયેલા નેતાઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં “પરિવર્તન” અને “પ્રજા સેવા” ના નારા ગુંજતા રહ્યા હતા. આ જોડાણથી શહેરના રાજકીય પરિસ્થિતિમાં નવી ચેતના અને ઉર્જાનો સંચાર થયો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
આમ આદમી પાર્ટી આગામી સમયમાં પણ રાજ્યભરમાં આવા જોડાણ કાર્યક્રમો દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવશે અને પ્રજાના પ્રશ્નોને કેન્દ્રસ્થાને રાખીને રાજકીય સફર આગળ વધારશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

