Bar Council of Gujarat

અમદાવાદ : બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના માનનીય ન્યાયાધીશ શ્રી નિલય વી. અંજારિયા સાહેબ તથા માનનીય ન્યાયાધીશ શ્રી વિપુલ એમ. પંચોલી સાહેબના “સન્માન સમારંભનું આયોજન શનિવાર તારીખ 15મી નવેમ્બર, 2025ના રોજ સવારે ગુજરાત હાઇકોર્ટ ઓડિટોરીયમ, સોલા, અમદાવાદ ખાતે ભવ્ય રીતે કરવામાં આવ્યું.

આ સન્માન સમારોહમાં ન્યાયપાલિકા તથા વકીલવર્ગના દિગ્ગજ આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે માનનીય ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ, ભારતના સોલીસીટર જનરલ તુષાર મહેતા, એડિશનલ સોલીસીટર જનરલ એસ.વી. રાજુ, ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન જે.જે. પટેલ, બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના ચેરમેન મનનકુમાર મિશ્રા, ફાયનાન્સ કમિટી ના ચેરમેન અનિલ સી. કેલ્લા તથા ગુજરાત લો હેરાલ્ડના એડિટર ધ્રુવ ગોસ્વામી સહિત હાઈકોર્ટના અન્ય જજીસ અને આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સન્માન સમારોહની શરૂઆત સૌ માનીતા આગેવાનોના આગમનથી થઈ. આ અવસર પર ગરિમાસભર વાતાવરણ વચ્ચે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ફાયનાન્સ કમિટી ના ચેરમેન શ્રી અનિલ કેલ્લા સાહેબે માનનીય ન્યાયાધીશ શ્રી વિપુલ એમ. પંચોલી સાહેબનું હાર્દિક સ્વાગત કરી તેમના સુપ્રીમ કોર્ટ સુધીના વિહંગમ પ્રવાસને રાજ્ય માટે ગૌરવપૂર્ણ ગણાવ્યો.

કાર્યક્રમમાં બંને ન્યાયાધીશોના કાનૂની ક્ષેત્ર માટેના યોગદાન, અનુભવો અને તેમની ન્યાયદ્રષ્ટિ અંગે વિશિષ્ટ પ્રકાશ પાડવામાં આવ્યો. બાર કાઉન્સિલ તથા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના આગેવાનો દ્વારા તેમના કાર્યકાળમાં કરેલુ મહત્વપૂર્ણ અને અસરકારક યોગદાન યાદ કરવામાં આવ્યું.

પ્રસંગને સંબોધતા માનનીય ન્યાયાધીશ શ્રી નિલય વી. અંજારિયા સાહેબે ગુજરાત હાઇકોર્ટમાં પોતાના સેવાકાળના અનેક સ્મરણિય પ્રસંગો યાદ કર્યા. તેમણે જણાવ્યું કે ગુજરાત તેમની માટે માત્ર સેવા આપવાનું સ્થાન નહીં પરંતુ મૂલ્યો, સમર્પણ અને ન્યાયિક ચિંતનનું પાથશાળા છે. તેમણે નીચલી અદાલતોના ન્યાયાધીશો, વકીલો અને સ્ટાફ દ્વારા મળેલા સતત સહકારને હૃદયપૂર્વક યાદ કર્યા.

માનનીય ન્યાયાધીશ શ્રી વિપુલ એમ. પંચોલી સાહેબે પોતાના સંબોધનમાં અમદાવાદની નીચલી અદાલતો તેમજ ગુજરાત હાઇકોર્ટમાં અનુભવી પ્રસંગોનું આત્મિય સ્મરણ કર્યું. તેમણે જણાવ્યું કે ન્યાયપ્રત્યેની પ્રામાણિકતા, સચોટ તૈયારી, શિસ્ત અને માનવતા કોઈપણ વકીલને સફળ બનાવે છે. યુવા વકીલોને તેમણે અનુરોધ કર્યો કે તેઓ પોતાના કામમાં ઈમાનદારી અને કાનૂની અભ્યાસમાં સતત નિષ્ઠા રાખે.

કાર્યક્રમ દરમિયાન વરિષ્ઠ વકીલો, આગેવાનો અને કાનૂની જગતના પ્રતિષ્ઠિત સભ્યો દ્વારા બંને ન્યાયાધીશોનું સન્માન કરવામાં આવ્યું. સૌએ ગુજરાતમાંથી સુપ્રીમ કોર્ટમાં થયેલી આ બે પ્રતિષ્ઠિત નિમણૂકોને રાજ્ય માટે ઐતિહાસિક અને ગૌરવસભર ગણાવી.

આ ભવ્ય સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં વકીલમિત્રો, રજિસ્ટ્રારશ્રી, પૂર્વ ન્યાયાધીશગણ, કાનૂની ક્ષેત્રના મહાનુભાવો અને આમંત્રિત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સૌમ્ય, શિસ્તબદ્ધ અને ગૌરવપૂર્ણ રીતે કરવામાં આવ્યું.

ગુજરાત હાઇકોર્ટ ઓડિટોરીયમમાં યોજાયેલ આ “સન્માન સમારોહ” રાજ્યની ન્યાયિક પરંપરા, ગૌરવ અને ઋણાભાવની લાગણીઓ વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયો. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે આવા કાર્યક્રમો દ્વારા રાજ્યની કાનૂની પ્રતિષ્ઠા અને પરંપરાને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે