પોતાની ભૂલની માફી માંગવામાં મહાનતા રહેલી છે પરંતુ  બીજાની ભૂલને માફ કરવામાં પોતાની ઉદારતાનાં દર્શન થાય છે. ક્ષમા માગનારો અને ક્ષમા આપનારા બન્ને જણા શૂરવીર કહેવાય છે..
ક્ષમામાં દયાનો દરિયો સમાયેલો હોય છે ને ક્ષમામાં નાનો માણસ છે કે મોટો માણસ છે તે જોવાતું નથી. નોકરથી થયેલ ભૂલને જ્યારે માલિક માફ કરી દે છે ત્યારે તે માલિકની મોટાઇનાં દર્શન થાય છે.
ક્ષમા માગતાં માનસિક  શાંતિ મળે છે તથા માફી માગતા નાનપ નથી થઇ જતી. કોઇની પણ ભૂલ માફ કરવામાં સત્કાર્ય કર્યાનો આનંદ મળે છે.
જાણતા કે અજાણતા કોઇ પણ જીવને દુ:ખ આપીને માફી ન માગતા માનવી પાપના ખાડામાં ઉંડો ઉતરતો જાય છે. પોતાની ભૂલ થયા બાદ બચાવ કરવાને બદલે એકરાર કરવામાં પોતાની ખાનદાની છતી થાય છે. પોતાની ભૂલનો સ્વીકાર  સામેની વ્યક્તિના દિલને જીતી લે છે.
આપણી ભૂલની ક્ષમા માંગવી તથા ઉદારતાપૂર્વક ક્ષમા આપવી તે ખરો માનવધર્મ  છે.
           કહે શ્રેણુ આજ….
 ક્રોધ આગ છે જ્યારે ક્ષમા પાણી છે
ક્રોધ રોગ છે જ્યારે ક્ષમા ઉપચાર છે
ક્રોધમાં વક્રતા છે જ્યારે ક્ષમામાં સરળતા છે
                                            ક્રોધમાં તિરસ્કાર છે જ્યારે  ક્ષમામાં પુરસ્કાર છે
ક્રોધમાં અહંકાર છે જ્યારે ક્ષમામાં પ્રેમની લાગણી છે
 ક્રોધનો ત્યાગ કરો જ્યારે ક્ષમા ને ધારણ કરો
ક્ષમા એ ક્રોધ તથા અહંકારનુ  સર્જન છે. કોઇની ભૂલ થતાં પોતે મગજ તથા જીભ પર કાબૂ રાખતા તથા તેને માફ કરતાં તેનું માન વધી જાય છે પરંતુ  ક્રોધ કરતાં તેની સાથે  જિંદગીભરનો સંબંધ તૂટી જાય છે.
ક્રોધ કરતી વખતે વ્યક્તિને પોતાનાં તન તથા મન પર અવળી અસર  થાય છે તથા તે વ્યક્તિ વિવિધ રોગનો શિકાર બની જા છે. પરંતુ ક્ષમા કરતાં મન પરથી ભાર હળવો થઇ જતાં શારિરિક તથા માનસિક પર સારી અસર થાય છે.
       કહે શ્રેણુ આજ…..
                                             ક્ષમાનું અમૃત લઇ તમારી પાસે આવ્યો છું
વેર ઝેરને ભૂલી જવાને તમારી પાસે આવ્યો છું
  ભૂલો છે મારી, નથી તમારી, તે કહેવાને આવ્યો છું
 આજે દિલથી મિચ્છામીદુક્કડમ્ દેવાને હું  આવ્યો છું
શત્રુતાને ત્યાગી, મિત્રતાને બનાવવા હું તમારી પાસે આવ્યો છું
                                           મિત્રતાની મહેફીલ સર્જવાને હું  આવ્યો છું
જૈન ધર્મમાં દરેક શ્રાવકો તથા શ્રાવિકાઓ પર્યુષણ પર્વના આખરી દિવસે  સંવત્સરીના દિવસે સામૂહિક પ્રતિક્રમણ કરતા પહેલાં તથા પ્રતિક્રમણની વિધિ કરતી વખતે વર્ષ દરમિયાન કરેલા પાપોનું પ્રાયશ્ર્ચિત કરીને દિલ તથા મનને માફ કરીને સર્વ જીવોને મિચ્છામિદુક્કડમ્ કહેતા હોય છે.
જાણતા કે અજાણતા મન, વચન તથા કાયાથી કોઇ પણ જીવને દુભાવ્યા હોય તો માફી માગીને ખમાવે છે. આનાથી અભૂતપૂર્વ સુખની અનુભૂતિ થાય છે તથા માનસિક  તાણ દૂર થાય છે.
લેખક:– શ્રેણિક દલાલ….. શ્રેણુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *