Shrenik Dalal : જે દિવસે મનુષ્ય જન્મ લે છે એ જ દિવસથી મૃત્યુની ઊલટી ગણતરી શરૂ થઇ જાય છે. મૃત્યુ અવશ્યભાવી છે અને નવા જન્મનો આશય પણ હોય છે. મૃત્યુને નવા જન્મનું સૂચક માનવામાં આવ્યું છે. જેમ મનુષ્ય કપડાં બદલે છે તેમ આત્મા પણ શરીર બદલે છે. માનવ દેહ દુર્લભ છે. માનવી દેહને ટકાવી રાખવાનો મોહ છોડી શકતો નથી. પણ અંતિમ નિર્વાણ તો અનિવાર્ય છે. હંમેશા મૃત્યુ માટે તૈયાર રહેવું તે વીર પુરુષનું કાર્ય છે.

માનવીનાં પોતાના કરેલાં  કર્મ બીજા જન્મમાં સાથે આવે છે. કર્મ ફળ ભોગવવા માટે જ શરીરનાં જન્મ મરણ થાય છે. જીવ મરતો નથી જ પણ ખોળિયું બદલે છે.

મૃત્યુ  અતિથિ છે. તિથી વગર આવનારો અતિથિ કહેવાય છે. વૈકુંઠવાસ પહેલાં જીવનકાળની સ્મૃતિઓ ફ્લેશ બેકની જેમ પાછળથી આવે છે ને એથી જ માનવી ભયગ્રસ્ત થઇ જાય છે પરંતુ આ વાત અચાનક થયેલા સ્મરણમાં સંભવિત નથી. મૃત્યુથી મોટો ભય કોઇ નથી. મરવું કોઇ ઈચ્છતું નથી. પછી ભલે ગમે તેટલું કષ્ટ પામતો હોય. જીવ માત્રને પોતાનો પ્રાણ વહાલો હોય છે.

જેનો જન્મ થાય છે તેનું મરણ પણ અવશ્ય જ થાય છે. આપણે જીવન ક્રમમાં એટલા બધાં વ્યસ્ત રહીએ છીએ કે મૃત્યુ આપણને યાદ પણ  આવતું નથી. અલબત્ત કોઇક વખત સ્મશાન વૈરાગ્ય જેવું થઇ જાય છે પરંતુ અમુક સમય જતાં બીજા કામોમાં વ્યસ્ત થઇ જતાં તથા બીજા વિચારોમાં ખોવાઇ જતાં આપણને સંસાર તરફી આસક્તિને ભાવ થઇ જાય છે.

આપણે આ દુનિયામાં એકલાં આવ્યા છીએ અને આપણે આ ફાની દુનિયામાંથી એકલા જવાના છીએ. મા-બાપ, ભાઇ-બહેન, પત્નિ-દીકરા – દીકરી અને સગા સંબંધી, પૈસો-માલ- મિલ્કત તથા વૈભવની તો ફક્ત આ ભવની જ સગાઈ છે તથા આ દુનિયામાં વિદાય થતાં આપણી સાથે કાંઇ જ આવવાનું નથી તો આ મમત્વ શા સારું રાખવું  જોઇએ.

 

            કહે શ્રેણુ આજ….

 

ન રાખ ખોફ કદી તુજ મનડામાં, આવે જો કલ્પના આવે તુજ રજાકજાનો કદી,

નિર્વાણ તો અવશ્ય છે એનું, જેનો થશે જન્મ આ દુનિયામાં કદી

બદલાશે ફક્ત તુજ ખોળિયું ને થશે આગમન તુજ જીવનો બીજા ખોળિયામાં આવતાં ભવમાં.

આત્મા તો અમર જ રહેશે, પણ બદલાશે તુજ કલેવર, ફક્ત તુજ કર્મને આધીન આવતાં ભવમાં.

મરતા મરતા રડવા કરતાં હસતા હસતા સ્મિત સાથે વિદાય લેવી જેથી આપણાં સગા-સંબંધી-મિત્રો કે કુંટુબીજનો દુ:ખી થાય નહિ. સર્વ જીવોને અંત:કરણથી મિચ્છામીદુક્કડમ્ કહીને કરેલાં પાપો ખમાવી લેવા જોઇએ.

માનવી વર્ષો સુધી પોતાના ક્રમાનુસાર જીવન વીતાવતા છેલ્લી ઘડીઓની જાણ થતાં પોતાના પરિવારનાં હાજર રહેલાં સર્વ સભ્યોને બોલાવીને જાણતા કે અજાણતા મન, વચન તથા કાયાથીકોઈને પણ દુભાવ્યા હોય તો તે જણાવીને ક્ષમા માંગી લેવી જોઇએ. આ ભવમાં  આપણને માનવભવ મળ્યો છે પરંતુ ફરીવાર આપણને માનવભવ ક્યારે મળશે એનો આપણને ખ્યાલ હોતો નથી જેથી બાકી રહેલી ઘડીઓમાં સર્વ જીવોને ખમાવીને કરેલા પાપોનો પ્રશ્ર્ચાતાપ કરવો જોઇએ.

ફક્ત આપણાં શરીરમાંથીઆપણો જીવ ક્રમાનુસાર બીજા શરીરમાં પ્રવેશે છે જેથી મૃત્યુનાં ભયને આપણાં  મનમાંથી તિલાંજલી આપી દેવી જોઇએ.

આત્મા તો અમર જ હોય છે.

લેખક:- શ્રેણિક દલાલ… શ્રેણુ