કોઈ પણ મુસીબત આવી પડે તો માનવીને જરા પણ ગભરાહટ થવી ન જોઈએ. ગભરાયા વગર તથા ઉતાવળ કર્યા વગર હસતે ચહેરે સ્વીકારતા તેનો ઉકેલ પણ આપોઆપ મળી આવશે.
હસતો માનવી કે સ્મિત કરતો માનવી બધાને ગમતો હોય છે. હસતા માનવીનું મોઢું જોઈને બીજા લોકોનો દિવસ સુધરી જાય છે. હસતા માનવી દિલના ચોખ્ખાહોય છે. તેઓના મનમાં કે પેટમાં કોઈ પાપ હોતું નથી તથા તેઓ કોઈનું સુખ જોઈ ઇર્ષ્યા નથી કરતા હોતા. તેઓ હરહમેંશ હસતા હોવાથી શરીરે તંદુરસ્ત હોય છે. તેઓને સુખ મળે કે દુ:ખ આવે તો પણ તેઓ હસતા મોઢે સ્વીકારી લે છે. જેથી દુ:ખ આવી પડતાં ગભરાયા વગર તેનો ઉકેલ સરળતાથી લાવી શકે છે.
દુ:ખ આવી પડતાં ગભરાઇ જતા માનવી વધારે મુંઝવણમાં મુકાય છે અને તે અંદર ને અંદર જ મૂંઝાયેલો રહે છે. સુખ કે દુ:ખ જેના નસીબમાં લખાયેલું હોય છે જે તેને ભોગવવાનું જ છે જેથી સુખ આવતા એકદમ ખુશખુશાલ ન થવું જોઈએ. એ સુખ તો લાંબા ગાળાનું હોઈ શકે કે ક્ષણિક પણ હોઈ શકે. સુખ દુ:ખ તો તડકો કે છાંયડાની માફક આવે અને જાય જેથી સુખ આવતા ખુશાલી બતાવવી ન જોઈએ અને દુ:ખ આવી પડતાં શોગિયું મોઢું રાખવું ન જોઈએ.
સુખ કે દુ:ખ હસતા મોંઢે સ્વીકારતા તબિયત પર અસર ન થાય જો દુ:ખ આવી પડ્યું અને માનસિક તાણમાં રહીએ તો અવશ્ય લોહીનાં દબાણ પર અસર થશે જ તથા માનસિક આઘાત લાગતાં તે વ્યક્તિઓ મનથી નબળા પડી જાય છે. દુ:ખ આવી પડતાં તેનો ઉકેલ શોધવો જોઈએ, નહિ કે મોઢું વકાસીને બેસી રહેવું જોઈએ. આ જગતમાં કોઈ પણ માનવી હરહમેંશ માટે સુખી હોતો નથી. માનસ સ્વભાવ મુજબ તે અપેક્ષાઓ સાથે જ જીવે છે. સામાન્ય માનવી હોય કે પ્રતિષ્ઠિત, સંસારી હોય કે સાધુ, પુરૂષ હોય કે સ્ત્રી, બાળક હોય કે બુઝુર્ગ હોય, બધાને સુખ દુ:ખ તો આવે જ છે અને તેનો અનુભવ પણ થાય જ છે. કોઈ પણ માનવી આ જગતમાં સુખ દુ:ખ વગર જીવન જીવી શકતો નથી. પોતાની મનગમતી વસ્તુ મેળવતા તે સુખ અનુભવે છે પરંતુ અપેક્ષા મુજબ તે ન થતાં તે દુ:ખી બને છે.
કોઈના દુ:ખમાં ભાગ પડાવતા તે વ્યક્તિને આશ્વાસન મળે છે તથા તે માનવતાનો એક ધર્મ જ ગણાય છે. પોતાનાં પરિવારમાં કે નજદીકના સગાનું અવસાન થતા તે વ્યક્તિ દુ:ખમાં ગરકાવ થઈ જાય છે પરંતુ જો બીજા લોકો તેને આશ્વાસન કે દિલાસો આપતા તેના દુ:ખમાં ઓટ આવે છે. સમય સમયનું કામ કરે જ છે. માનવીમાં વિસ્મરણ શક્તિ ભગવાને આપેલી જ હોય છે જેથી સમય જતા માનવીના દુ:ખમાં ઘટાડો થાય છે.
જે નસીબના લેખમાં લખાયેલું છે તે કદી મિથ્યા થતું નથી તો હસતે મોઢે એ દુ:ખ સ્વીકારવું જોઈએ. એવી રીતે કોઈ પણ સુખ આવતા વધારે પડતા ઉશ્કેરાટમાં નહિ આવવું જોઈએ નહિતર વધારે પડતાં સુખથી માનવીને હ્રદયરોગ લાગુ પડી શકે છે. આ ભવની સગાઈ છે કાલની કોઈને પણ ખબર નથી કે શું થવાનુ છે તો હસતે મોઢે લોકો જોડે વ્યવહાર કરતાં જીવન જીવી જાણ્યું કહેવાય. કોઈના સુખમાં ભાગ પડાવવા કરતા કોઈના દુ:ખમાં ભાગ પડાવતા આપણને તે વ્યક્તિની દુઆ પણ મળે છે.
હસતા ચહેરે કર્મ ભોગવતા નવા કર્મો બંધાતા તો નથી પરંતુ કર્મો ખપતા જાય છે જેથી ભવિષ્યનું જીવન તથા હવે પછીના ભવો શાંતિથી ભોગવાય જેથી જેટલા પણ દુ:ખ આવી પડે તો હારી ન જઈએ. સુખ – દુ:ખ તો આપણે કરેલા કર્મોને આધીન હોવાથી આપણે જે દુ:ખને આમંત્રેલુ હોય છે તો કેમ હસતે મોઢે એ દુ:ખને સહન ન કરીએ. દુ:ખ આવી પડતાં અકળાયા વગર તેમાંથી રસ્તો કાઢવા પ્રયત્ન કરવો જોઈએ અને નહિ કે પોતાના પર આવી પડેલાં દુ:ખ પર રડવું જોઈએ તથા દુ:ખને હિસાબે કોઈના પર ગુસ્સો કરવો જોઈએ.
લેખક:— શ્રેણિક દલાલ…શ્રેણુ