Ahmedabd : અમદાવાદના બોડકદેવમાં આવેલા જજીસ બંગલો ચાર રસ્તા નજીક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ઉપરાંત અન્ય અનેક જજોના બંગલા છે. જેમાં તેઓ પરિવાર સાથે રહે છે. ભૂતકાળમાં હાઈકોર્ટ દ્વારા જજીસ માટે આ નિવાસસ્થાન બનાવાયા હતા. આવા બંગલો પૈકીમાં 7 બંગલામાં ગુજરાતના સાત સિનિયર IAS અધિકારીઓ પણ પોતાના પરિવાર સાથે રહે છે. આ પૈકીમાંથી મોટાભાગના અધિકારીઓ ગાંધીગનરમાં કે પછી કેમ્પ હનુમાન નજીક આવેલા સરકારી બંગલાઓ કે નવરંગપુરામાં આવેલા સરકારી કવાર્ટસમાં રહેવા કરતા અહીં રહેવાનુ પસંદ કરે છે.

હવે આ સાતેય બંગલાઓને ખાલી કરવા માટે હાઈકોર્ટ દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ છે.

11થી 17 એમ કુલ 7 બંગલાઓનો છે આ મામલો

હાઈકોર્ટની બિલ્ડિંગ કમિટીની એક મીટીંગ 28મી મેના રોજ મળી હતી. જેમાં એવો નિર્ણય કરાયો હતો કે, જજીસ બંગલોમાં આવેલા બંગલા નંબર 11થી 17 એમ કુલ 7 બંગલાઓ કે જેમાં ગુજરાતના સિનિયર આઈએએસ અધિકારીઓ પરિવાર સાથે રહે છે તેને હવે ખાલી કરાવવા. ત્યાર બાદ આ કમિટી દ્વારા મુખ્ય સચિવ રાજકુમારને આ સંદર્ભની જાણ કરાઈ છે. જેમાં જણાવાયું છે કે, 11થી 17 નંબરના બંગલાઓને શક્ય તેટલા ઝડપથી અમને સોંપી દેવા. અમે આ બંગલાઓનો પુનઃ કબજો લેવા માગીએ છીએ. આ બાબતને ટોપ પ્રાયોરીટીમાં લઈને બંગલાઓનુ પઝેશન અમને ફરીથી સોંપવાની કાર્યવાહી કરવી. જેના માટે તમારે તમારી જે તે સંબંધિત વિભાગો સાથે પણ વાતચીત કરી જરૂરી સૂચનાઓ આપવી. ત્યાર બાદ તમારે એક સપ્તાહની અંદર અમને આનો જવાબ આપવો.

મુખ્ય સચિવને લખાયો પત્ર

મુખ્ય સચિવને લખાયેલા પત્રમાં જણાવાયુ છે કે, બિલ્ડિંગ કમિટીની હવે પછીની મળનારી બેઠકમાં ગુજરાત સરકારના પ્રતિનિધિને હાજર રાખવા તેમજ બંગલાઓનું પઝેશન સોંપવા માટે શું નક્કર પગલા લીધા તેનો રિપોર્ટ આપવો. કમિટીની બેઠક જ્યારે પણ મળવાની હશે તમને અગાઉથી જાણકારી આપી દેવાશે. હાઈકોર્ટના રજીસ્ટ્રર જનરલના આ પત્રને લઈને સચિવાલયમાં ટોચના અધિકારીઓમાં ભારે ગણગણાટ શરૂ થયો છે. આ પત્ર બાદ મુખ્ય સચિવે શું જવાબ આપ્યો તેની ખબર પડી નથી. હાલમાં અહીં પ્રિન્સિપલ સેક્રેટરી મુકેશકુમાર-મોના ખંધાર, પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમાર, પ્રિન્સિપલ સેક્રેટરી હરીત શુક્લા, સેક્રેટરીઓ લોચન શહેરા અને અનુપમ આનંદ આ બંગલાઓમાં રહે છે. તાજેતરમાં જ નિવૃત્ત થયેલા આઈપીએસ અનિલ પ્રથમે અહીંથી બંગલો ખાલી કર્યો હતો. આ બંગલામાં રહેવા માટે પણ બેથી ત્રણ આઈએએસ અધિકારીઓને રસ છે તેઓએ તેના માટે પ્રયત્નો પણ કરી રહ્યા છે.

હાઈકોર્ટના રજીસ્ટ્રારે શા માટે આ બંગાલા ખાલી કરવાનું કહ્યું ?

હાઈકોર્ટના રજીસ્ટ્રારે આઈએએસ અધિકારીઓ જ્યાં રહે છે તે માત્ર 7 બંગલાઓનુ જ પઝેશન શા માટે માંગ્યુ?સરકારી સૂત્રો આ અંગે કહે છે કે, 2009ના સમયમાં હાઈકોર્ટ આ 7 બંગલાઓ સરકારને ફાળવ્યા હતા. જેમાં એવી સૂચના હતી કે આ બંગલાઓ માત્રને માત્ર સિનિયર આઈએએસ અને આઈપીએસ અધિકારીઓને જ તેમના પરિવાર સાથે રહેવા માટે આપવાના રહેશે. ત્યારથી અહીં સરકાર જેને ફાળવણી કરે તેવા અધિકારીઓ અહીં રહેતા હોય છે.

હવે હાઈકોર્ટની બિલ્ડિંગ કમિટીએ આ સાતેય બંગલાઓનો પુનઃ કબ્જો લેવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે. જેને લઈને અધિકારીઓમાં પણ કચવાટ જોવા મળે છે. કેમકે તેમના પરિવારના બાળકો ક્યાંયકને ક્યાંક ભણી રહ્યા છે.અમુક અધિકારીઓની સાથે તેમના વૃધ્ધ માતા પિતા પણ રહે છે. હવે તાત્કાલીક બંગલાઓ ખાલી કરીને ક્યાં જવુ તે પણ મોટો પ્રશ્ન છે. કેમકે તેઓને હવે અહીં કોઈ જગ્યાએ બંગલાઓ મળી શકવાના નથી. જેથી ગાંધીનગર જ રહેવા જવુ પડશે અથવા તો પછી અમદાવાદમાં જ ભાડેથી બંગલા કે ફ્લેટ શોધવા જવુ પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.