સુખ દુ:ખ મનમાં ન આણીએ,
સુખ અને દુ:ખ એ જીવનનાં બે પાસા છે જે દરેક માનવીની જિંદગીમાં જુદા જુદા સમયે પથરાયેલાં હોય છે. કોઇનામાં વધારે અંશે તો કોઇનામાં ઓછા અંશે. સુખ અને દુ:ખ એ માનવીના પોતાના પૂર્વ ભવનાં કર્મોને આધીન રહેલા હોય છે. પૂર્વ ભવનાં સત્કર્મથી માનવી પર ભવમાં સુખી રહે છે પરંતુ કોઇ દુષ્કર્મોથી પર ભવમાં દુ:ખી દુ:ખી બની રહે છે. સુખ અને દુ:ખ તડકા અને છાંયડા જેવાં છે. કોઇના જીવનમાં અમુક સમયે સુખ આવે તો અમુક સમયે દુ:ખ પણ દેખા દે છે. પોતાના કર્માનુસાર માનવીએ સુખ આવતાં તે ભોગવે છે અને દુ:ખ આવતા તેને સહન કરવું પડે છે.
સુખ અને દુ:ખ એ માનવીનાં મન પર પણ અવલંબિત હોય છે. એક વેપારી પોતાની રીટેલ શોપમાં ધરાકને કપડાંનુ વેચાણ કરતાં લીન બની જતાં ભૂખ અને તરસ વિગેરે બધું ભૂલી જાય છે પરંતુ તે જ વેપારી સંવત્સરીનાં દિવસે ઉપવાસ કરતાં પોતાનું માથું ચડી જતાં બેચેન બની જાય છે. આવું કેમ? કારણ…. વેપાર કરતી વખતે ભૂખ અને તરસ રૂપી દુ:ખ પોતાનાં મન પર લીધું ન હતું જ્યારે અનિચ્છાએ ઉપવાસ કરતાં ભૂખ અને તરસ લાગતાં તેને પોતાના મન પર લીધું હોવાથી પોતે લેવાઇ જતાં દુ:ખી દુ:ખી બની જાય છે. કોઇ આવી પડેલા દુ:ખને મનથી ન લેતાં તે વ્યક્તિ દુ:ખી નથી બનતો તો બીજી વ્યકિતને તેવું જ દુ:ખ આવી પડતાં તે મન પર લેતાં દુ:ખી દુ:ખી બની રહે છે. દુ:ખ આવી પડતાં માનવીએ ગભરાઇ જવાની જરુર હોતી નથી. પોતે મનથી મક્કમ રહે તો તે જ દુ:ખ તે વ્યક્તિને માનસિક રીતે હેરાન પરેશાન કરતું નથી. પોતાના જીવનમાં જ્યારે દુ:ખ આવે ત્યારે પોતાનાથી પણ વધુ દુ:ખો જેના જીવનમાં ત્રાટક્યા છે તેવી દુ:ખી વ્યક્તિની સામે નજર કરતાં પોતાનુ દુ:ખ પોતાને લાગશે નહિ. મોટે ભાગે દુ:ખી થવાનું મુખ્ય કારણ એ છે કે સદા પોતાનાથી વધારે સુખી વ્યક્તિની તરફ નજર કરવાથી પોતે સુખી હોવા છતાં દુ:ખી થયા વિના રહી શકતો નથી. .
*સુખી રહેવું કે દુખી રહેવું* એ માનવીના પોતાનાં મન પર જ આધાર હોય છે. સુખી માનવી પોતાનાથી વધારે સુખી તરફ જોતા તેને વધું સુખી બનવાની આકાંક્ષા, ઈર્ષ્યા અને અતૃપ્તિ નામનાં ભયંકર દોષોનો શિકાર બની જતાં અને તે દોષો માનવીનાં જીવનમાં દુ:ખોનો પ્રવેશ આપે છે.
પોતાની પાસે જે છે તેનાથી સંતોષ માનવો જોઈએ. કોઇનો મહેલ જોઇને પોતાની ઝૂંપડી તોડી ન પડાય. દુ:ખમાં વધારે દુ:ખીને જોતાં પોતાનું દુ:ખ હળવું બની જાય છે. દુ:ખની જડીબુટ્ટી એક જ છે કે દુ:ખનો વિચાર ન કરવો તથા આવેલાં દુ:ખને મન પર લેવું નહિ તેવું નક્કી કરવા છતાં પણ ધણીવાર પરિસ્થિતિ જ એવી પેદા થાય છે કે ઈચ્છા ન હોય તો ય મન પર દુ:ખ લેવાઇ જાય છે. પરિણામે દુ:ખી બન્યા વિના રહેવાતું નથી. તેથી મન પર દુ:ખ લેવાઇ ન જાય તે માટે ગમે તે પરિસ્થિતિમાં *જે થાય છે તે સારા માટે* તે સિધ્ધાંતને અપનાવવાથી મનને સતત સંતોષ મળી રહે છે. કોઇ વખત શારીરિક દુ:ખ આવી પડે તો પોતે પોતાના પુર્વ ભવનાં કર્મને આધીન હોવાથી સહન કરવાનું જ છે તેવું વિચારવાથી પોતાનું દુ:ખ હળવું થઇ જાય છે.
*કહે શ્રેણુ આજ*
*સુખ દુ:ખ એ છે બે પાસા માનવીનાં જીવનનાં,*
*સુખ દુ:ખ રહે ન કદી સાથ એક સાથ જીવનમાં,*
*છકી ન જાઓ કદી સુખ આવી જતાં જીવનમાં,*.
*છૂટી ન જાઓ કદી દુ:ખ આવી પડતાં જીવનમાં*
*સુખ રૂપી છાંયો લાવી દે છે ખુશદિલી માનવીને*
*દુ:ખ રૂપી તડકો બનાવી દે છે બેચેન માનવીને*
*કર ન અફસોસ કદી તું, સુખ કે દુ:ખ,*
*તો આજ છે ને નથી કાલે જીવનમાં*
ઉનાળામાં ધમધમતા તાપમાં ગરમી સહન ન કરી શકે તેવી વ્યક્તિ, ગરમ ભઠ્ઠીની પાસે કામ કરતાં મજૂરો તરફ નજર કરતાં પોતાનું દુ:ખ કોઇ વિસાતમાં હોતું નથી. શિયાળામાં કડકડતી ઠંડીનુ મોજું ફરી વળતાં ગરમ કપડાં પહેર્યા હોવા છતાં ઠંડી સહન ન કરી શકતી તેવી વ્યક્તિએ ફુટપાટ પર સુતી વ્યક્તિ, જેની પાસે પૂરું અંગ પણ ઢંકાય તેટલાં કપડાં નથી તથા જેની પાસે ઓઢવાનું પણ નથી તેવી વ્યક્તિ ટુંટીયું વાળીને સુતી વ્યક્તિ પર નજર કરવાથી પોતાનું દુ:ખ કોઇ વિસાતમાં નથી.
*દુ:ખમાં વધારે દુ:ખી વ્યક્તિને જોવાથી પોતાનું દુ:ખ હળવું થઇ જાય છે.*
*દુ:ખે દુ:ખાધિકં પશ્ય*
સુખ કે દુ:ખ એકબીજાના પરસ્પર વિરોધી છે અને ઉત્તર દક્ષિણ જેટલું અંતર તથા ચાંદ સુરજ જેટલો તફાવત છે તેટલો ફરક સુખ અને દુ:ખમાં રહેલો છે. માનવી સુખ કે દુ:ખ કયા દ્રષ્ટિકોણથી જુએ છે તેના પર પણ આધાર રહેલો હોય છે. સુખ અચાનક આવી જતું નથી. દુ:ખ અનુભવાય તો સુખનો ખ્યાલ આવે છે. દુ:ખ એ સુખ તરફ લઈ જવાનો જીવનનો અનુભવ બની રહે છે. દુ:ખ આવે તો ગભરાવું નહિ પરંતુ તેને આનંદ ગણીને દુ:ખનું સ્વાગત કરવાથી પોતાનું દુ:ખ હળવું થઇ જાય છે.
*સુખ દુ:ખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં*
*ટાળ્યાં તો કોઇનાં નવ ટળે, રઘુનાથનાં જડિયા*
*એ વિચારી હરિને ભજો, તે સા’ય જ કરશે*
લેખક:– શ્રેણિક દલાલ …. શ્રેણુ