ICC T20 વર્લ્ડ કપના ઍમ્બૅસૅડર યુવરાજ સિંહની ભારતીય ટીમને સલાહ

ભારતના દિગ્ગજ ઑલરાઉન્ડર યુવરાજસિંહ  ને જ્યારે પૂછવામાં આવ્યું કે ભારતીય ટીમ કેમ એક દાયકાથી વધુ સમયથી ICC ટ્રોફી જીતી શક્યું નથી? ત્યારે ICC T20 વર્લ્ડ કપના ઍમ્બૅસેડર યુવરાજ સિંહે જવાબ આપતાં કહ્યું હતું કે ‘મારું માનવું છે કે અમારી પાસે મોટી ટુર્નામેન્ટ જીતવાનો આત્મવિશ્વાસ છે. જો ભારતીય ટીમ પોતાનામાં વિશ્વાસ રાખે અને પોતાની પૂરી ક્ષમતા મુજબ રમે તો એ ટાઇટલ જીતી શકે છે. ભૂતકાળમાં અમે આ બાબતો પર ધ્યાન આપીને જીત્યા હતા. અમે અમારા મજબૂત પાસા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. વિપક્ષી ટીમ આપણને ક્યાં નુકસાન પહોંચાડી શકે છે એના પર ધ્યાન ન આપવું જોઈએ. આપણે આપણા મજબૂત પાસા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. અમારી પાસે ઘણા મૅચ-વિનિંગ ખેલાડીઓ છે.’

૪૨ વર્ષના યુવરાજ સિંહે કહ્યું કે ‘ICC વર્લ્ડ કપની તૈયારી માટે IPL શ્રેષ્ઠ પ્લૅટફૉર્મ છે અને મને ખાતરી છે કે આ શાનદાર ટુર્નામેન્ટ હશે. જો ભારત જીતે છે, તો એ અમારા માટે શાનદાર ક્ષણ હશે. ભારતને ICC ટ્રોફી જીત્યાને ઘણો સમય થઈ ગયો છે. આશા છે કે આ વખતે અમારી ટીમ આ ટાઇટલના દુકાળનો અંત લાવશે.’

યુવરાજને પૂછવામાં આવ્યું કે કઈ ટીમો ફાઇનલમાં પ્રવેશ કરી શકે છે તો તેણે કહ્યું, મારા મતે ભારત અને સંભવતઃ વેસ્ટ ઇન્ડીઝ અથવા પાકિસ્તાન છે, પરંતુ ઑસ્ટ્રેલિયા નહીં.