જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોમાં તણાવ વધ્યો છે. 9 જૂને રિયાસીમાં શ્રદ્ધાળુઓની બસ પર થયેલા આતંકી હુમલા બાદ ફરી એકવાર કઠુઆમાં આતંકી હુમલો થયો છે. જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં સેનાના કામચલાઉ ઓપરેટિંગ બેઝ પર આતંકીઓએ ગોળીબાર કર્યો છે.
આ ફાયરિંગમાં સેનાના બે જવાન ઘાયલ થયા છે. આ એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો છે. આ અથડામણમાં એક નાગરિક ઘાયલ થયો છે અને તેની સારવાર ચાલી રહી છે.
પોલીસે જણાવ્યું કે આ એન્કાઉન્ટર ડોડા જિલ્લાના છત્તરગલ્લા વિસ્તારમાં થયું હતું. જે બાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. છેલ્લા ત્રણ દિવસમાં ઘાટીમાં આ ત્રીજો આતંકી હુમલો છે. પહેલા રિયાસી, પછી કઠુઆ અને હવે ડોડા.
કઠુઆમાં આતંકી હુમલા બાદ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. અહીં સેના ડ્રોનની મદદથી સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. ગઈકાલે રાત્રે બે આતંકીઓમાંથી એકને સુરક્ષા જવાનોએ ઠાર માર્યો હતો જ્યારે અન્ય આતંકીની શોધખોળ ચાલુ છે.
જમ્મુ અને કાશ્મીરના ADGP આનંદ જૈને કહ્યું કે એક આતંકવાદી માર્યો ગયો છે જ્યારે એક નાગરિક ઘાયલ થયો છે અને તેની સારવાર ચાલી રહી છે. તે ખતરાની બહાર છે. એન્કાઉન્ટર હજુ ચાલુ છે અને વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર હાજર છે.