સમજણ એ સફળતાની સીડી છે.કોઈની સમજ તમારી સાથે ન જોડાય તો તમે તેને સમજાવવાની કોશિશ જ ન કરો.તેણે કોઈપણ પ્રકારની સફળતાં મેળવવાં માટે કાબિલિયત કે યોગ્યતા પ્રાપ્ત કરી નથી તેમ માની લો.આજે સ્વતંત્રતાના નામે એક એવું બવંડર સમાજ- કુટુંબ જીવનમાં ચાલી રહ્યું છે કે હું બધું જાણું છું.મને બધું આવડે છે,હું બધું કરી શકું છું,મારે કોઈ માર્ગદર્શન,સલાહની કે સમજણ કેળવવાની જરૂર જરાય જરૂર નથી! આ માન્યતાનું ટ્યુમર એટલી હદ સુધી તેનામાં વિસ્તરતું રહે છે કે જ્યારે તે બ્લાસ્ટ થઈને મૃત્યુના ખોળામાં પટકાયા સુધી પહોંચે ત્યારે તેનો તેને ખ્યાલ આવે છે.

કુટુંબ કે સમાજ જીવનમાં જે અનુભવી છે.તેણે સમય- કાળની ગર્તાઓની થપાટો ખાઈને તેમણે જીવનની એ નદીનાં ઉતાર- ચઢાવ જોયાં છે કે જેથી એ અનુભવના આધારે માન્યતા- સમજણ કેળવી છે.આ સમજણ કે જો એ અનુભવોના નીચોડરૂપે પછીની પેઢીને અને યુવાઓને કૃષ્ણાપર્ણ કરે તો તેમનો સ્વીકાર કરવામાં તેમણે ઉત્સાહ દાખવવો જોઈએ,પણ તે થતું નથી.તેથી આપનારો અનુભવી સતત નકારાત્મક ભાવનાથી ઉલઝતો અને પીડાતો રહે છે.

મરીઝની એ વાત એકદમ માખણના ‘લોંદા’ જેમ ગળે ઉતરી જાય છે.

‘બસ એટલી સમજ મને પરવરદિગાર દે,

સુખ જ્યારે જ્યાં મળે, બધાના વિચાર દે.

નવરાશ છે હવે જરા સરખામણી કરું,

કેવો હતો અસલ હું,મને એ ચિતાર દે.’

બે પેઢિઓ વચ્ચેનું અંતર એટલું વધ્યું છે કે ત્યાં વૈચારિક સમજણનો ખૂબ મોટો અંતરાલ ઉભો થયો છે.તમારી વાતને કોઈ સ્વીકારવા તૈયાર ન હોય તો આપણાં સુખ કે આનંદને ગુમાવવાનો નથી.પણ જ્યાંથી સુવર્ણસુખ મળે છે તેને જોઈ અનુભવીને પોરસાતા રહેવાનું! સતત તેને મેળવતાં રહીએ એ વિચાર પણ કરવાનો.આપણે ભૂતકાળને પણ સતત વાગોળીને એ પળોને યાદ કરીએ કે આપણે શું હતાં અને કેવી રીતે જીવનને માણ્યું છે તે કહેવા નહીં પણ મમળાવવા પુરતું જ રાખીએ.એ ઉત્તમ આયખું રાજી રહેવા માટે ટેકણલાકડી બની રહેશે.તમારાં અસ્વીકારને આંધી ન બનાવો ઈગ્નોર કરતાં રહો.કાઠીયાવાડમાં એક કહેવત છે કે ‘ખારચુ’ ખેતર હોય તેમાં કોઈ મોટાં પાક ઉત્પાદની અપેક્ષા રાખી શકાય નહીં. જ્યાં આવી અપેક્ષા ન હોય તે તમને ડિસ્ટર્બ ન કરી શકે ?તેથી તેને ઇગ્નોર કરવાનું સતત ચાલુ રાખજો.તમે જ્યારે નવી પેઢીને સમય,નાણાં કે પછી પ્રાકૃતિક સંપદાને વેડફાતી બચાવવા માટે અપીલ કરશો તો તે સ્વીકારશે નહીં.જીવનના રસ્તાઓમાં આવી રહેલી હર્ડસને તમે પીન પોઇન્ટ કરશો તો પણ ત્યાંથી કોઈ હકારાત્મક પ્રતિસાદ આવવાનો નથી.એવું લાગે કે મને કોઈ મહત્વ આપતું નથી પરંતુ તમારે હવે એ મહત્વને અવગણવાનુ છે.હવે એ તબક્કો સામે ઉભો છે કે જ્યાં નુકશાનનુ દુઃખ નથી પણ નફાનો સરવાળો કરતાં રહેવાનો છે.શા માટે કોઈ દુઃખનો અનુભવ કરીએ?તમે તમારી મરજીથી જીવો કોઈ અપેક્ષાઓ તમને ભાવુક નહીં પણ સ્થિતપ્રજ્ઞ કેમ ન કરે!જીવનને ઉપદેશ માટે નહીં ઉદેશ માટે જોતરી દો,આચાર જરૂર ઓજસ દેખાડશે!

કોઈની નકારાત્મક વાત સાંભળવી નથી.મને ઈચ્છા પડે એ ખાવું,પીવું છે,ફરવું છે અને જીવવું છે. હું સંપૂર્ણ રીતે સ્વતંત્ર છું અને મારી સ્વતંત્રતા એ કોઈના વિચારોની ગુલામ નથી. મને કોઈ યોગ્ય ન ગણે તો તેનો અર્થ એ નથી કે હું બિનઉપયોગી છું પરંતુ હું માનવીય અભિગમોને સ્થાપિત કરવા માટે અને તેને જાળવી રાખવા માટે સતત મથ્યાં કરું છું, તે સમજવા તે અશક્ત છે તેમ માનો.આસપાસનું વાતાવરણ સુગંધી હોય તો બરાબર પરંતુ અન્યથા દૂરથી આવતી સુગંધને પણ હું જીલવા માટે ટેવાઈ ગયો છું.

બસ,આટલો સંકલ્પ એ તમારાં જીવન, સુખને ઠાંસી ઠાંસીને ભરવા માટે માધ્યમ બની જશે.