ગરમી અને અસહ્ય બફારાથી લોકો બેહાલ,અમદાવાદ 40.9 ડિગ્રી.

અમદાવાદ : કેરળ બાદ મહારાષ્ટ્ર અને હવે ગુજરાતમાં પણ વિવધિવ ચોમાસાનું આગમન થઈ ગયું છે. સમય કરતાં ચોમાસું વહેલું બેસી ગયું છે અને હાલ સાયક્લોનિક સરક્યુલેશન સર્જાતા ગુજરાતમાં આગામી પાંચ દિવસ અમુક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. છતાં અમદાવાદમાં કે બીજા મોટા શહેરોમાં ગરમીમાં કોઈ રાહત અનુભવાતી નથી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે, પરંતુ તેની ગતિ ધીમી પડી ગઈ છે. રાજ્યભરમાં હવે ધીમે ધીમે ચોમાસાનો માહોલ જામશે. બીજી તરફ ગરમી અને અસહ્ય બફારાથી લોકો બેહાલ બન્યા છે.

આજે અમદાવાદનું તાપમાન સામાન્ય વધી 40.9 ડિગ્રી પર પહોંચી ગયું હતું. સાથે સાથે હવામાં ભેજનું પ્રમાણ સામાન્યથી વધુ રહેતા દિવસભર લોકો અસહ્ય બફારાથી અકળાઇ ઉઠ્યા હતા ત્યારે હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, હાલ દક્ષિણ પશ્ચિમના પવનો નબળા હતા અને ઉપરના પવનો ચોમાસાને આગળ વધવા માટે અવરોધરૂપ હતા. હાલ સર્જાયેલા સિસ્ટમ તથા અરબ સાગરના ભેજના કારણે ગાજવીજ અને પવન સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે.

આગામી દિવસોમાં ક્યાં વરસાદની સંભાવના

13 જૂને અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર વરસાદ રહેશે. જ્યારે 14 જૂને વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં  જ્યારે 15 જૂને છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર વરસાદ પડવાની આગાહી છે. 16 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં વરસાદ પડશે.