Stock Market : શેરબજારમાં સંવત વર્ષ 2080ની વિદાય થઇ છે. વર્ષ દરમ્યાન મોટાભાગનો સમયગાળો તેજીમય બની રહ્યો હતો અને તેના આધારે સંવત વર્ષ રેકોર્ડબ્રેક પુરવાર થયું હતું. હવે બ્રોકરો-ઇન્વેસ્ટરોની નજર નવા સંવત વર્ષ પર છે.
ચાલુ સાલ જેવી તેજી જોવા મળવા વિશે આશંકા દર્શાવવામાં આવી રહી છે અને અનેકવિધ પરિબળો-ઘટનાક્રમો આધારિત ઉતાર-ચઢાવ રહેવાનું માનવામાં આવી રહ્યું છે.
શેરબજારમાં સંવત વર્ષ 2000માં સેન્સેક્સ-નિફટી તથા અન્ય અનેક સેકટર ઇન્ડેક્સ નવી ઉંચાઇએ પહોંચ્યા હતા. વર્ષ દરમ્યાન 24 સપ્ટેમ્બરે નિફટીએ 26277ની રેકોર્ડબ્રેક ઉંચાઇ સર કરી હતી. આ જ રીતે સેન્સેક્સમાં પણ 85978ની નવી ઉંચાઇ બની હતી. કોર્પોરેટ ક્ષેત્રની અફલાતૂન કામગીરી-પરિણામો, રાજકીય ક્ષેત્રે સ્થિરતા, રીટેઇલ ઇન્વેસ્ટરોના જોરે લોકલ નાણાં સંસ્થાઓની જંગી ખરીદી તથા વૈશ્વિક પ્રતિકુળ હાલત વચ્ચે પણ ભારતીય અર્થતંત્રની મજબૂત સ્થિતિ જેવા કારણોએ ભાગ ભજવ્યો હતો. મોંઘવારી-ફુગાવામાં અંકુશ તથા વિશ્વસ્તરે વ્યાજદર વધારાની સાઇકલ પૂર્ણ થવા સાથે હવે નિયમિત રીતે ઘટાડાનો દોર શરૂ થવાનો આશાવાદ તેજી માટે ટેકારૂપ બન્યો હતો.
વિશ્વસ્તરે અન્ય દેશોના શેરબજારોની સરખામણીએ ભારતની તેજી વધુ વ્યાપક હતી. પરિણામે વિદેશી નાણાં સંસ્થાઓના પોર્ટફોલીયોનું મૂલ્ય પણ વધી ગયું હતું. વિદેશી નાણાં સંસ્થાોએ, જો કે છેલ્લા એક જ મહિનામાં એક લાખ કરોડથી વધુનું વેચાણ કરી નાખ્યું છે. છતાં જાણકારો એમ માને છે કે ચીને અર્થતંત્રને બેઠુ કરવા માટે નવું રાહત પેકેજ જાહેર કર્યું છે એટલે વિદેશી સંસ્થાઓ પોર્ટફોલીયોનું એડજસ્ટમેન્ટ કરી રહી હોય તેવી શક્યતાનો ઇન્કાર થઇ શકતો નથી. વિદેશી સંસ્થાઓની જંગી વેચવાલીને, જો કે લોકલ ફંડોએ સરભર કરી નાખી હતી.
અર્થતંત્રને લાગે વળગે છે ત્યાં સુધી દુનિયાભરના દેશો કરતા ભારતનો આર્થિક વિકાસદર ઉંચો છે અને અર્થવ્યવસ્થા હજુ ધમધમતી જ રહેવાના રીપોર્ટ વર્લ્ડ બેંક, ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ સહિતની સંસ્થાઓ તથા રેટીંગ એજન્સીઓ જાહેર કરતી જ રહી છે. આ કારણે તેજી માટે ટેકારૂપ બની રહ્યા હતાં. શેરબજારમાં ઇન્ડેક્સ-સ્ક્રીપની રેકોર્ડબ્રેક તેજી હતી જ ઉપરાંત ઇન્વેસ્ટરોની સંખ્યામાં પણ રેકોર્ડબ્રેક વધારો થયો હતો. સંખ્યા નવા ઉંચાસ્તરે પહોંચી હતી.
શેરબ્રોકરો-ઇન્વવેસ્ટરોની નજર હવે નવા સંવત વર્ષ 2081 પર તકાવા લાગી છે. નવા વર્ષમાં અનેક નવા ઘટનાક્રમો સર્જાવાના છે તેની માર્કેટમાં વ્યાપક અને તીવ્ર અસર સંભવિત છે. સૌથી પ્રથમ ઘટનાક્રમ અમેરિકી પ્રમુખની ચૂંટણીનો હશે. ડોનાલ્ડ ટ્રમ્પ જીતે છે કે કમલા હેરિસ અને તેમના દ્વારા નીતિ વિષય બદલાવ થાય છે કે કેમ તે મહત્વનું બનશે. ટ્રમ્પ જીતે તો શેરબજારમાં પોઝીટીવ અસર થશે તેવું મનાય છે.
આ પછી બીજુ કારણ નવેમ્બરમાં જ મહારાષ્ટ્ર-ઝારખંડના ચૂંટણી પરિણામોનું હતું. સતાધારી પક્ષ જ વિજેતા થાય તો રાજકારણ વધુ મજબૂત બન્યાની છાપ ઉપડશે અને તેની પોઝીટીવ અસર થશે. આ સિવાય રિઝર્વ બેન્ક વ્યાજદર ઘટાડે છે કે કેમ તેના પર નજર રહેશે.
ભારતીય અર્થતંત્ર ધમધમી જ રહયું છે. માર્કેટનો ફોરવર્ડ પી.ઇ. રેશિયો લાંબાગાળાનો વિકાસ સુચવે જ છે. જીએસટી-એડવાન્સ ટેક્સ કલેક્શનમાં વધારો થઇ રહ્યો છે. વિજ માંગમાં સતત વધારો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ વધી રહ્યો છે તેનાથી સર્વાંગી વિકાસ શક્ય બનશે.
નવું સંવત વર્ષ ઉતાર-ચઢાવ ભર્યું બની રહેવાના અભિપ્રાયો વચ્ચે નિષ્ણાંતો ઇન્વેસ્ટરોને ‘સાવચેતી’ રાખવાની પણ સલાહ આપી રહ્યા છે. જાણીતા બ્રોકિંગ હાઉસ અજય નટવરલાલ શેઠના જયેશભાઇ શેઠના કહેવા પ્રમાણે નવા વર્ષમાં નિફટી 23000થી 28000ની રેન્જમાં રહી શકે છે. ફર્ટીલાઇઝર, ઓટો એન્સીલીયરી, ટેકસટાઇલ્સ તથા કેમીકલ્સ ક્ષેત્ર વધુ પોઝીટીવ રહી શકે છે.
કોટક મહિન્દ્ર બેન્કના સ્થાપક ઉદય કોટકે ઇન્વેટસ્ટરો માટે સાવચેત રહેવાનો સમય રહી શકે છે. ઇન્વેસ્ટરોએ પોતાના રોકાણ પ્રત્યે કાળજી રાખવી પડશે કારણ કે કોવિડકાળ બાદ દાખલ થયેલા મોટાભાગના ઇન્વેસ્ટરોએ માત્ર એક તરફી તેજી જ નિહાળી છે. મંદીનો અનુભવ કર્યો નથી.
વર્ષ દરમિયાન સેન્સેક્સમાં 23 ટકા તથા નિફટીમાં 25 ટકાનો વધારો થયો છે. સપ્ટેમ્બરમાં રેકોર્ડ લેવલ હતું ત્યારે રીટર્ન 33 ટકા જેવું હતું. નિષ્ણાંતોના કથન મુજબ 2080 જેવું તગડું રીટર્ન 2081માં મળવા વિશે શંકા છે અને ઉતારચઢાવનો માહોલ રહી શકે છે.
હેવીવેઇટ કરતા રોકડામાં વધુ રીટર્ન: મીડકેપ-સ્મોલકેપ ઇન્ડેક્સમાં 38 ટકાની વૃદ્ધિ
શેરબજારમાં સેન્સેક્સ તથા નિફટી સપ્ટેમ્બરની રેકોર્ડબ્રેક ઉંચાઇથી સાત ટકા નીચા આવી ગયા છે. છતાં વર્ષ દરમ્યાન સરેરાશ 25 ટકાની વૃધ્ધિ દર્શાવે છે. હેવીવેઇટ કરતા પણ મીડકેપ-સ્મોલકેપ-રોકડાના શેરોમાં તેજી વ્યાપક હતી અને તેમાં સરેરાશ 38 ટકાનું ધરખમ રીટર્ન મળ્યું છે. ઇન્વેસ્ટરો મોટાભાગે રોકડાના શેરોમાં જ ટ્રેડિંગ-રોકાણ કરતા હોય છે. આ સંજોગોમાં સારી એવી કમાણી કરી હતી.
પ્રાયમરી માર્કેટમાં 1.65 ટ્રીલીયન એકત્રિત થયા: જઈંઙમાં પણ રેકોર્ડ
સેક્ધડરી માર્કેટની સાથોસાથ પ્રાયમરી માર્કેટ માટે પણ સંવત વર્ષ 2080 રેકોર્ડ સર્જનારૂ બની રહ્યું હતું. આઇપીઓ, ક્યૂઆઇપી, ઓએફએસ તથા એફપીઓમાં અત્યાર સુધીમાં આટલા નાણાં ઠલવાયા છે. જે ત્રણ વર્ષના સૌથી વધુ છે. મ્યુચ્યુઅલ ફંડોમાં એસઆઇપી પ્રવાહ પણ નવા-નવા રેકોર્ડ સર્જી રહ્યો છે.