ભારતમાં નવી ટોલ કલેક્શન સિસ્ટમની ખુબ ચર્ચા થઈ રહી છે. નીતિન ગડકરીની આગેવાની હેઠળ પરિવહન મત્રાલયે આ સિસ્ટમ લાગુ કરીને પુરા દેશની ટોલ કલેક્શન સિસ્ટમ બદલવાનો દાવો કર્યો છે.

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ લોકસભા ચૂંટણી પહેલા ટોલ ટેક્સ માટે સેટેલાઇટ આધારિત સિસ્ટમની જાહેરાત કરી હતી.

હવે એનડીએ સરકાર બન્યા બાદ તેને લાગુ કરવા માટે કવાયત ચાલી રહી છે.

NHAIએ હાલમાં જ આંતરરાષ્ટ્રીય વર્કશોપમાં GNSS-આધારિત ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ રજૂ કરી છે.

NHAI અધિકારીઓએ વર્કશોપમાં જણાવ્યું કે, દેશમાં આ સિસ્ટમ લાગુ કરવા ઈન્ડિયન નેશનલ હાઈવે મેનેજમેન્ટ કંપની લિમિટેડે વિશ્વભરની કંપનીઓ પાસેથી એક્સપ્રેશન ઑફ ઈન્ટરેસ્ટને આમંત્રણ આપ્યું છે.

હાલની ફાસ્ટેગ સિસ્ટમને રિપ્લેસ કરશે

હાલની ફાસ્ટેગ સિસ્ટમે અગાઉની રોકડ-આધારિત સિસ્ટમની તુલનામાં ટોલ ટેક્સ કલેક્શનમાં લાગતો સમય નોંધપાત્ર રીતે ઘટાડી દીધો છે, જો કે મોટાભાગના વ્યસ્ત માર્ગો પર ટોલ બૂથ પર વાહનોની કતાર હજુ જોવા મળે છે.

પરિવહન મંત્રાલયની પ્રસ્તાવિત ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ આધારિત સિસ્ટમ આ સમસ્યામાંથી સંપૂર્ણપણે છુટકારો અપાવી શકે છે. આ સિસ્ટમમાં ટોલ બૂથની જરૂર રહેશે નહીં. મોટાભાગના ટોલ બૂથ નેશનલ હાઈવે પરથી ગાયબ થઈ જશે અને વર્ચ્યુઅલ બૂથ તેમની જગ્યાએ કામ કરશે.

GNSS આધારિત સિસ્ટમ કેવી રીતે કામ કરે છે?

જૂની સિસ્ટમમાં ટોલ પ્લાઝા પર વધુ કર્મચારીઓની જરૂર હતી. ત્યારબાદ FASTag સિસ્ટમ દાખલ કરવામાં આવી, જો કે તેમ છતાં ટ્રાફિક જામની સમસ્યા યથાવત છે. હવે GNSS આધારિત સિસ્ટમ પર કામ ચાલી રહ્યું છે.

આમાં સેટેલાઇટ અને ટ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને કારમાં મુસાફરી કરેલા અંતરનું મૂલ્યાંકન કરવામાં આવશે અને તે અંતરમાં આવતા ટોલના આધારે ટેક્સ વસૂલવામાં આવશે.

આ GNSS-આધારિત સિસ્ટમ હેઠળ વાહનોમાં એક ટ્રેકિંગ ઉપકરણ સ્થાપિત કરવામાં આવશે, જેને ઓન-બોર્ડ યુનિટ (OBU) કહેવામાં આવે છે.

FASTag ની જેમ OBUs પણ સરકારી વેબસાઇટ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. હમણાં માટે તેને બાહ્ય રીતે ઇન્સ્ટોલ કરવાની જરૂર પડશે.

જો કે, ભવિષ્યમાં કાર ઉત્પાદકો કારમાં આવા ઉપકરણો પહેલેથી જ બિલ્ડ કરી શકે છે. તેની કિંમત કારની કિંમત સાથે જોડાયેલ હોઈ શકે છે.

જ્યારે ટ્રેકિંગ ઉપકરણોથી સજ્જ વાહનો NH અથવા અન્ય ટોલ રસ્તાઓ પરથી પસાર થાય છે ત્યારે હાઇવે અને સેટેલાઇટ પર સ્થાપિત કેમેરા દ્વારા મુસાફરી કરેલ અંતર જાણી શકાશે.

ડિજિટલ ઇમેજ પ્રોસેસિંગ દ્વારા તેમના કોઓર્ડિનેટ્સ રેકોર્ડ કરવામાં આવશે અને આ સોફ્ટવેરને ટોલ નક્કી કરવાની મંજૂરી આપશે.

CCTV કેમેરા સાથેની ગેન્ટ્રી સુગમ કામગીરી સુનિશ્ચિત કરીને અનુપાલન પર નજર રાખશે. શરૂઆતમાં આ સિસ્ટમ મુખ્ય હાઈવે અને એક્સપ્રેસ વે પર લાગુ કરી શકાય છે.

આવરી લીધેલા અંતરના આધારે ટોલ ટેક્સની રકમ OBU સાથે જોડાયેલા બેંક ખાતામાંથી આપમેળે કપાઈ જશે.

NHAI હાલની FASTag ઇકોસિસ્ટમની જગ્યાએ GNSS-આધારિત ETC સિસ્ટમને એકીકૃત કરવાની યોજના ધરાવે છે. શરૂઆતમાં હાઇબ્રિડ મોડલનો ઉપયોગ કરવામાં આવશે.

તેમાં RFID-આધારિત ETC અને GNSS-આધારિત ETC બંને એકસાથે કામ કરશે. ટોલ પ્લાઝા પર સમર્પિત GNSS-લેન હશે, જેના દ્વારા ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ વાહનો પસાર થઈ શકશે. જેમ જેમ GNSS-આધારિત સિસ્ટમ વિસ્તરશે તેમ ટોલ પ્લાઝા પરની તમામ લેન આખરે GNSS લેનમાં રૂપાંતરિત થશે.