બાગ્લાદેશમાં (Bangladesh) બનેલી ઘટનાઓના (events) કારણે તેના સૌથી શક્તિશાળી મહિલા વડા પ્રધાન શેખ હસીનાને (Sheikh Haseena) શરણ માટે ભાગીને ભારત આવવું પડ્યું છે. બાંગ્લાદેશની ઘટનાઓએ નરેન્દ્ર મોદીની (Narendra Modi) આગેવાની હેઠળની ભારત સરકાર માટે બે મહત્ત્વની ચેતવણીઓ (warnings) આપી છે. એક તે છે કે તેણે તેના ઘરને ઠીકઠાક કરવાની જરુર છે અને બીજું આંતરરાષ્ટ્રીય સ્તરે સંબંધો સુધારવા પડશે.
સ્વાતંત્ર્ય સેનાનીઓ માટેના ક્વોટાને કારણે શેખ હસીના સામે બાંગ્લાદેશમાં જે તોફાનો થયા તે તેમના સરમુખત્યારશાહી, મનસ્વી અને ભ્રષ્ટાચારથી ભરેલા શાસન સામેના તીવ્ર આક્રોશમાંથી ઉદ્ભવ્યા હતા. તેમની શાસનની શૈલી નરેન્દ્ર મોદીના શાસન સાથે મેળ ખાતી હતી, જેમાં તેમણે તમામ અસંમતિઓનું ગળું દબાવી દીધું હતું, રાજકીય વિરોધીઓ સામે વ્યવસ્થિત રીતે કાર્યવાહી હાથ ધરી હતી અને ભ્રષ્ટાચારના દુર્ગંધ મારતા સડાને છુપાવી દીધો હતો અને અર્થતંત્રની ચિંતાજનક સ્થિતિને ખોટા ડેટા અને મજબૂત પ્રચાર તંત્ર વડે છુપાવી હતી.
હસીનાની જેમ બે વર્ષ પહેલા શ્રીલંકાના પ્રમુખ ગોતાબાયા રાજપક્ષેને દેશ છોડીને ભાગી જવું પડ્યું હતું. શું મોદી પડોશમાંથી મળેલા મહત્ત્વના બોધપાઠ પર ધ્યાન આપશે અને સુધારો કરશે કે પછી તેમની અજેયતા, તેમની દિવ્યતા વિશે ખોટો ભ્રમ ઊભો કરવાનું ચાલુ રાખશે. શું તેઓ તેમની અનેક નિષ્ફળતાઓ અને લઘુમતીઓ, ગ્રામીણો, કામદાર વર્ગ, ખેડૂતો અને સમાજના અન્ય ઘણા વર્ગોમાં પ્રવર્તતી તકલીફોની અવગણના કરવાનું ચાલુ રાખશે?
મોદીનું વ્યક્તિત્વ જેમાં ઝેરી વિચારધારાનો તેમજ તેમના મેગાલોમેનિયાનો સમાવેશ થાય છે, તે જોતાં ભારતીય સંસદમાં તેમની ટૂંકી બહુમતી પછી તેમના અંતિમ પતનની પરાકાષ્ઠા ખૂબ જ નજીક હોય તેવું લાગે છે. આ વર્ષે જૂનમાં ત્રીજી વખત તેઓ દેશના વડા પ્રધાન બન્યા હતા. અગાઉની બે ટર્મમાં જ્યારે તેમણે ભારે બહુમતી મેળવી હતી જયારે આ વખતે તેમની પાંખો સખત રીતે કાપવામાં આવી છે. તેમને સરકાર ચલાવવા અવિશ્વસનીય સાથીઓ પર નિર્ભર રહેવું પડે છે. તેઓ રાજ્યની મશીનરીનો ઉપયોગ અસંમતિને ડામવા, મીડિયાને ગૂંગળાવી નાખવા અને લઘુમતીઓ પર કડક કાર્યવાહી કરવા માટે કરે છે. તાજેતરની ચૂંટણીઓમાં તેમની સત્તાને કાપ મુકવામાં જે મુખ્ય કારણ હતું તે દેશના ડગમગતા અર્થતંત્રને સુધારવાનું તરફ કામ કરવાને બદલે, તેઓ એક એવું નેરેટિવ ઉભું કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે જયાં પ્રચંડ બેરોજગારી અને વધતા જતા ફુગવાની કોઇ ફિકર નથી.
આ બધુ જોતા ભારતમાં આક્રોશ છે જે અશાંતિમાં ફેરવાય તે શક્ય છે. જો આ વાત સાચી ન લાગતી હોય તો લાગતી હોય તો બાંગ્લાદેશની રાજકીય ઘટનાઓ તેની યાદ અપાવે છે. કોઈ માને કે મોદી સરકાર આ તમામ જોખમોને સમજી શકે છે અને ભારતને સંભવિત લોહિયાળ માર્ગ પર જતા અટકાવી શકે છે. ગુજરાતમાં શરૂ થયેલી તેમની સમગ્ર રાજકીય કારકિર્દી દરમિયાન તેમણે લવચીકતા અને અનુકૂળ બનાવાના સંકેતો આપ્યા નથી. ઘમંડ, તાકાત અને અન્ય લોકોને દબાવી દેવા એ તેમની કાર્યશૈલી છે. આ સંજોગોમાં આપણે ફક્ત આશા રાખી શકીએ કે તેનું પતન એક સરળ અને લોહી રેડાયા વિના થાય.
મોદી માટે બીજો પાઠ આંતરરાષ્ટ્રીય કૂટનીતિનો છે. છેલ્લા દાયકામાં શેખ હસીના અને મોદીએ મજબૂત ભાગીદારી કરી છે. સરહદ પારના વેપાર, પરિવહન, સુરક્ષા અને લોકો વચ્ચેના આદાનપ્રદાનમાં નોંધપાત્ર પ્રગતિ કરી હતી. હસીના અને મોદી વચ્ચેના ગાઢ સંબંધે ભારત અને બાંગ્લાદેશના સંબંધોના ભવિષ્ય અંગેની ચિંતાઓ વધારી છે. કારણ કે બાંગ્લાદેશમાં વિરોધ પક્ષો, અને ખાસ કરીને જમાત-એ-ઈસ્લામી સાથે ભારતના સંબંધો સારા નથી.
બાંગ્લાદેશ કદાચ દક્ષિણ એશિયાનો છેલ્લો બાકી રહેલો પડોશી દેશ હતો, જેની સાથે મોદીના નેતૃત્વમાં ભારતે સારા મૈત્રીપૂર્ણ સંબંધો માણ્યા હતા. સત્તામાં આવ્યા બાદ મોદીએ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય સંબંધો સુધારવાની દિશામાં ઝડપથી હરણફાળ ભરી છે અને સાથે સાથે દક્ષિણ એશિયાની સંપૂર્ણપણે અવગણના કરી છે. પાકિસ્તાન અને ચીન સાથેના તંગ સંબંધો ખૂબ જ ચિંતાજનક છે. ચીને પડોશમાં નેપાળ અને માલદીવ જેવા પરંપરાગત સાથીઓ સાથે ભારતના વધતા જતા અણબનાવનો લાભ ઉઠાવ્યો છે, અને ભારત જ્યાં પણ જાય ત્યાં તે આગળ વધી રહ્યું છે.
ચીન અને પાકિસ્તાન બાંગ્લાદેશની સ્થિતિનો ફાયદો ઉઠાવવા પ્રયાસ કરશે અને તેના કારણે ભારત પડોશમાં સંપૂર્ણપણે એકલું પડી જશે અને અમેરિકા પર વધુ નિર્ભર રહેશે, જે ભારતનો ઉપયોગ ચીન સાથેના તેના યુદ્ધ સામે લડવા માટે કરવા માગે છે. જયારે ભારતની સરહદો વધુ અસ્થિર બનાવવાનું જોખમ છે.
ભારતે તાત્કાલિક ધોરણે બાંગ્લાદેશમાં લોકો સાથે એકતા દર્શાવતા નિવેદન સાથે બહાર આવવું જોઈએ. બાંગ્લાદેશ તરફથી સ્પષ્ટ બોધપાઠ છતાં અત્યાર સુધી, એવું લાગે છે કે મોદીએ પોતાનું માથું રેતીમાં ખોસી દેવાનું પસંદ કર્યું છે. તેનાથી તેમની પોતાની શક્તિ જોખમમાં મુકાઈ શકે છે અને દેશ અશાંતિ તરફ ધકેલાય તેવી સંભાવના સર્જાઇ શકે છે. જો કે બીજા બાધપાઠની અવગણના કરવાથી ભારતની સલામતી ખતરનાક રીતે નબળી પડી શકે છે. (VOIG)