આ કળિયુગ જમાનામાં ડગલે ને પગલે દાદાગીરીના બનાવો બનતા હોય છે તથા આવા સમાચારો અખબાર કે ટી. વી. પર અવારનવાર ચમકતા હોય છે. પોતાનું કામ કઢાવી લેવા કે લોકોના પૈસામાં ભાગ પડાવી લેવા અથવા લોકો પર પોતાનો રોફ જમાવવા સારું દાદાગીરી કરીને દુર્વ્યવહાર કરતા રહેતા હોય છે. આવા કિસ્સામાં નબળા લોકોનો મરો જાય છે.

આજના જમાનામાં ફક્ત ગુંડાઓ જ દાદાગીરી કરતા નથી પરંતુ હવે તો શરીફ વર્ગનાં અમુક અહિતેચ્છુ લોકો તથા અમુક સ્વાર્થી આગેવાનો પણ દાદાગીરી બતાવવા લાગ્યા છે. પોતાનું વર્ચસ્વ જમાવવા તથા લોકોની કમાણીનો અમુક ભાગ હપ્તારૂપે લઈ લેતા અચકાતા નથી.

‘જો ડર ગયા વો મર ગયા’ આ વાક્ય લોકોએ ભૂલવું ન જોઈએ જેથી કોઈની પણ દાદાગીરીથી ગભરાયા વગર પોતે કડકાઈથી વર્તતા દાદાગીરી કરનારો જ ઢીલો પડી જાય છે. અલબત્ત આવા સંજોગોમાં સિફતથી કામ લેતા દાદાગીરી બતાવનાર પોતે જ જિંદગીભરની ખો ભૂલી જાય છે. લોકોએ બળથી નહિ પણ કળથી કામ લેવું જોઈએ.

ધાર્મિક પ્રસંગ, લગ્નપ્રસંગ હોય કે ઘર સજાવટ કે દુકાન સજાવટ કરતા હોય અથવા નવી ગાડી કે નવું ઘર ખરીદતી વખતે અને દુકાન કે કારખાનાનું ઉદ્ઘાટન પ્રસંગે અમુક ગુંડાઓ આવીને ધાકધમકી આપીને કે ડરાવીને તેઓ પાસેથી પૈસા પડાવવા પ્રયત્ન કરતા હોય છે અને આવા પ્રસંગે લોકો ગભરાઈને પૈસા આપી દેતા હોય છે. અમુક યુનિયનના કાર્યકરો દુકાન કે કારખાનામાં આવીને દમદાટી બતાવી પોતાના ખિસ્સા ભરતા અચકાતા નથી હોતા. મજૂરવર્ગની મુશ્કેલી સાચી હોય કે ખોટી હોય પરંતુ યુનિયન પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવા ખોટી હડતાલ પડાવી મજૂરોને અપાવતા અપવતા પોતાના ખિસ્સા ભરતા હોય છે.

આવા સંજોગોમાં લોકો સ્વસ્થ મનથી વિચાર કરીને તથા નીડર બનીને ગભરાયા વગર ઉકેલ લાવીને નડતી મુશ્કેલીઓમાંથી બહાર નીકળી શકે છે.

આ જમાનામાં જો ગભરાયા તો મરી ગયા

હવે વખત આવી ગયો છે કે કોઈની દાદાગીરી હરગીઝ ચલાવી લેવી નહિ જોઈએ. લોકોએ એકત્ર થઈને તે વ્યક્તિને ટેકો આપીને દાદાગીરી બતાવનારને જ બતાવી દેવું જોઈએ કે હવે કોઈને દમ મારીને પૈસા પડાવી નહિ શકાય.

કોઈ વ્યક્તિની પોલ ખૂલતા અમુક લોકો ધાકધમકી આપીને પોતાનું કામ કઢાવી લેવા હોય છે. આવા સંજોગોમાં ભૂલ કરનાર વ્યક્તિ કે ખોટું કરનાર વ્યક્તિએ ગભરાયા વગર પોતે જ પોતાની ભૂલ જાહેર કરી દેવી જોઈએ જેથી કોઈ પોતાને બ્લેકમેઇલ કરી ન શકે.

આજે આધુનિક જમાનામાં અમુક લોકો ટેલિફોનથી કે ઇ-મેઇલ દ્વારા પણ ધમકી આપતા હોય છે તથા ખંડણી માંગતા લોકો ગભરાઈ જાય છે અને રાત દિવસની ઊંઘ હરામ થઈ જાય છે. આજની સરકારે ખંડણીખોરને પકડવા પોલીસ ડિપાર્ટમેન્ટમાં ખાસ વિભાગ ખોલ્યો છે. જેથી ગભરાયા વગર પોલીસને જાણ કરી શકાય છે. જેથી પોતે આવી મુશ્કેલીઓથી બચી જાય છે.

અમુક સોસાયટીઓનાં કારોબારીના સભ્યો અને કોલેજમાં અમુક વિદ્યાર્થીઓ અને મંડળોમાં પણ અમુક કાર્યકરો પોતાની મરજીથી પોતાનું ધાર્યું કામ કરાવી પોતાના અહમ્ પોષતા હોય છે. આવા લોકોને કોઈ ના પહોંચે પણ પોતાનું પેટ જ પહોંચશે.

‘આજે જેવાની સાથે તેવા’ થતા શીખવું જ પડશે નહિતર દાદાગીરી કરનાર લોકોને હેરાન પરેશાન કરી દેશે. આજકાલ લોકો પોતાનો મોભો બતાવવા વધારે પડતો દેખાડો કરતા હોય છે પરંતુ હવે લોકોએ આડંબર રચીને ખોટો ખર્ચો ન કરતા પોતાનો પ્રસંગ સરળતાથી ઉકેલવો જોઈએ.

લેખક:– શ્રેણિક દલાલ …. શ્રેણુ