દેશના દરેક ખૂણાને હાઈવે સાથે જોડ્યા બાદ કેન્દ્ર સરકાર હવે એક્સપ્રેસ વે પર ઘણું ધ્યાન આપી રહી છે. સરકાર દેશમાં લગભગ 50 હજાર કિલોમીટરના એક્સેસ કંટ્રોલ એક્સપ્રેસવે બનાવવાની યોજના ધરાવે છે. આને એવી રીતે બનાવવામાં આવશે કે દેશના દરેક સ્થાનથી 100 થી 150 કિમીની ત્રિજ્યામાં કોઈ એક્સપ્રેસ વે હોવો જોઈએ. આ કામને વેગ આપવા માટે હવે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) )ની સાથે અન્ય ઓથોરિટીની જરૂરિયાત અનુભવાઈ રહી છે.

આ ઓથોરિટી માત્ર એક્સપ્રેસ વે પર નિયંત્રણ રાખશે. સરકારી સૂત્રોને ટાંકીને બિઝનેસ ટુડેએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે એક્સપ્રેસ વેના ઝડપી વિકાસ માટેNHAI સિવાય અન્ય ઓથોરિટીની જરૂરિયાત અનુભવાઈ રહી છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે પોતાના 100 દિવસના એજન્ડામાં આ ઓથોરિટીની રચનાનો વિચાર પણ સામેલ કર્યો છે. નવી ઓથોરિટી (એક્સપ્રેસવે ઓથોરિટી) માત્ર દેશમાં એક્સપ્રેસવેના નિર્માણ અને સંચાલન પર ધ્યાન કેન્દ્રિત કરશે.

રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસ વે 2047 ની જરૂરિયાતો અનુસાર બનાવવાના છે : સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર ઈચ્છે છે કે NHAI માત્ર નેશનલ હાઈવેના નિર્માણ પર ધ્યાન આપે. બાંધકામની સાથે એક્સપ્રેસ વે ઓથોરિટી ટોલનું પણ સંચાલન કરશે. આ એક્સપ્રેસ વેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ મજબૂત કરશે. સરકાર 2047ની જરૂરિયાતો અનુસાર દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસ વેના નિર્માણ પર ભાર આપી રહી છે.

આ માટે માસ્ટરપ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ અંતર્ગત દેશમાં લગભગ 50 હજાર કિલોમીટરના એક્સપ્રેસ વે બનાવવાના છે. હાલમાં દેશમાં 2913 કિલોમીટરના એક્સપ્રેસ વે છે. સરકારને આશા છે કે એક્સપ્રેસ વે અને નવા હાઈવેની મદદથી લોજિસ્ટિક ખર્ચમાં 3 થી 4 ટકાનો ઘટાડો થઈ શકે છે.