અમદાવાદ: પત્રકારત્વના મૂલ્યોને પ્રોત્સાહન આપતા અને સમાજ માટે નિષ્ઠાપૂર્વક કાર્યરત પત્રકારોને સન્માનિત કરવાની ભાવનાથી આયોજિત ગુજરાત મીડિયા એવોર્ડ (GMA) 2026 નું ચોથું એડિશન ટૂંક સમયમાં ભવ્ય રીતે યોજાવા જઈ રહ્યું છે. ગુજરાતના પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક તથા ડિજિટલ મીડિયામાં કાર્યરત પત્રકારો તેમજ મીડિયા ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓને વિવિધ કેટેગરીમાં એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે.
આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે આજથી એન્ટ્રી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રસ ધરાવતા પત્રકારો અને મીડિયા પ્રોફેશનલ્સ www.gujaratmediaawards.com વેબસાઈટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. એન્ટ્રી દરમિયાન ઉમેદવારોએ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કરેલ પોતાના ઉત્કૃષ્ટ અને પ્રભાવશાળી કાર્યની નકલ, રિપોર્ટ્સ અથવા તેની સંબંધિત લિંક જોડવાની રહેશે.
ગુજરાત મીડિયા એવોર્ડ 2026 માટે ૧૦ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી સુધી ફોર્મ ભરવાની અંતિમ તારીખ નક્કી કરવામાં આવી છે. આ સમયમર્યાદામાં તમામ રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું નામ નોંધાવવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.
ગુજરાત મીડિયા એવોર્ડનો મુખ્ય ઉદ્દેશ પત્રકારત્વના નૈતિક મૂલ્યોને મજબૂત બનાવવાનો, સત્યનિષ્ઠ અને જવાબદાર પત્રકારત્વને પ્રોત્સાહન આપવાનો તથા સમાજના પ્રશ્નોને ઉજાગર કરતા પત્રકારોને પ્રેરણા આપવાનો છે. છેલ્લા ત્રણ સફળ એડિશનમાં રાજ્યભરના અનેક અનુભવી તેમજ યુવા પત્રકારોને તેમના ઉત્કૃષ્ટ કાર્ય બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તમામ કાર્યક્રમોને મીડિયા જગતમાં વ્યાપક પ્રતિસાદ અને પ્રશંસા મળી હતી.
આ વર્ષે યોજાનાર ચોથા એડિશનમાં વિશિષ્ટ અને નિષ્ણાત જ્યુરી પેનલ દ્વારા વિવિધ કેટેગરીમાં પત્રકારત્વ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પત્રકારોની પસંદગી કરવામાં આવશે. નિષ્પક્ષ અને પારદર્શક પ્રક્રિયા હેઠળ દરેક એન્ટ્રીનું મૂલ્યાંકન કરવામાં આવશે, જેથી યોગ્ય અને લાયક ઉમેદવારોને સન્માન મળી શકે.
આ ભવ્ય એવોર્ડ સમારંભ દરમિયાન મીડિયા જગતની જાણીતી હસ્તીઓ, વરિષ્ઠ પત્રકારો, સામાજિક આગેવાનો તથા વિશેષ મહેમાનોની ઉપસ્થિતિ રહેશે. ગુજરાત મીડિયા એવોર્ડ 2026 માત્ર એક સન્માન સમારંભ નહીં, પરંતુ પત્રકારત્વ ક્ષેત્ર માટે પ્રેરણારૂપ મંચ સાબિત થવાની આશા આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો: અંકિત હિંગુ – 9824188085