
Mother Language Gujarati : માતૃભાષાનું ગૌરવ કરવાનો દિવસ એટલે વિશ્વ માતૃભાષા દિવસ. એવું કહેવાય છે કે 1952માં પૂર્વ પાકિસ્તાનમાં પાકિસ્તાન સરકારે ઉર્દુ ભાષાને માતૃભાષા તરીકે અને ફરજિયાત ભાષા તરીકે લાગુ કરવાનો જબરજસ્તી પુર્ણ નિર્ણય કર્યો.આ નિર્ણય હાલના બાંગ્લાદેશ અને તે સમયના પૂર્વ પાકિસ્તાન અને તેની પ્રજાને મંજૂર નહોતો, કારણ કે તેમની માતૃભાષા એ બંગાળી હતી. તેથી તેઓ તેની માતા બંગાળીને પ્રેમ કરતા હતાં. આ રીતે જબરજસ્તીથી કોઈ ભાષાને લાદી દેવા થયેલા પ્રયત્નો પુર્વ પાકિસ્તાનના પ્રજાજનોએ સખત વિરોધ કરીને આંદોલન કર્યું.તે આંદોલનમાં 21મી ફેબ્રુઆરીના દિવસે ચાર લોકો શહીદ થયાં. પછીથી આ દિવસને માતૃભાષા દિવસ તરીકે ઉજવવાનું યુનોએ નક્કી કર્યું છે.તેથી આજનો દિવસ માતૃભાષા દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે.
આપણે માતૃભાષા ગુજરાતીના સાર્વત્રિક ઇતિહાસ તરફ નજર કરીએ છીએ ત્યારે દેખાય છે કે આપણી ભાષા પણ સમગ્ર વિશ્વમાં એક કીર્તિસ્તંભની માફક આજે પણ ઉભી છે.સમગ્ર વિશ્વમાં 900 ભાષા બોલાય છે. અને એવું કહેવાય છે કે આ ભાષાનો ઉદભવ ઈ.સ.પૂર્વે 3500 થી ઈ.સ.સન પૂર્વે 5500 દરમિયાન થયેલો. પછી ધીમે ધીમે સંસ્કૃત ભાષા આવી જેમાં વૈદિક સંસ્કૃત,લૌકિક સંસ્કૃત અને સીએટ સંસ્કૃત એવા ત્રણ સંસ્કૃત ભાષાના સ્વરૂપો હતા. સંસ્કૃતની વિદાય અથવા તેમાંથી ઉતરી આવીને પ્રાકૃત ભાષાનો ઉદભવ થાય છે. જેમાંથી માગધી, શેની પૈસાચી વગેરે ભાષાઓ થઈનો ઉલ્લેખ મળે છે. ત્રીજા અને છેલ્લા તબક્કામાં ગુજરાતી અને ગુજરાતનો ઉલ્લેખ મળે છે. આરબ પ્રવાસીઓ ઈ.સ.916 માં અબુજેદી અને 943માં અલબરુની જ્યારે ભારતમાં આવે છે ત્યારે તેઓ ગુર્જર શબ્દનો ઉપયોગ કરે છે. પછી ધીમે ધીમે ગુર્જર પરથી ગુજરાતી ઉતરી આવે છે.નરસિંહરાવ દિવેટિયા તેને ઈ.સ. 550 પછીનો સમય તે ગણાવે છે. જેમાં પણ આપણે ત્રણ તબક્કાઓને ગણી શકીએ.
પ્રથમ તબક્કો એટલે ગુર્જર અપભ્રંશ ભાષા જે ઈસવીસન 10 મી સદીથી 14 મી સદી દરમિયાન ઉતરી આવી છે. ગુજરાતીનું આ પ્રથમ દર્શન હેમચંદ્રના પ્રાકૃતિક વ્યાકરણમાં મળે છે.પછી બીજો તબક્કો આવે છે મધ્યકાલીન ગુજરાતી. જે ઈસવીસન 14 થી 17 મી સદીનો ગાળો છે. ત્યાં આ ભાષા રાજસ્થાની ને મળતી આવે છે. જેમાં તમે કાદંબરી ,નરસિંહ -મીરાના ભજનો અને વસંત વિલાસ જેવી કૃતિઓ ને ગણાવી શકો. છેલ્લો અને અંતિમ તબક્કો આવે છે અર્વાચીન ગુજરાતી ભાષા. કે જેનો પ્રારંભ 17 મી સદીથી માનવામાં આવે છે. પ્રેમાનંદ થી દયારામ સુધીનો તબક્કો 1680 થી 1850 દરમિયાન અર્વાચીન ગુજરાતી ભાષા પગરણ કરતી દેખાઈ રહી છે. પરંતુ ગુજરાતી સાહિત્યને સમગ્ર આલેખમાં મૂકીએ તો તેનો 1000 વર્ષ નો ઉદ્ભવ અને વિકાસ છે. કોઈ સંશોધકો એમ પણ કહે છે કે 15 મી થી 16મી સદી દરમિયાન પારસીઓ ગુજરાતી બોલતા થાય છે,તેનું મૂળ સંસ્કૃતિ, ફારસી અને સ્થાનિક ગુજરાતીઓમાં દેખાઈ રહ્યું છે.
ગુજરાતી ભાષાની સૌથી પ્રથમ કૃતિઓ તરીકે રોજનીશી લખનાર દુર્ગારામ મહેતા હતાં, તેનો સમયગાળો 1840નો હતો. નિબંધ સૌપ્રથમ લખ્યો નર્મદા શંકર દવેએ 1851માં, નવલકથા નંદશંકર મહેતાએ 1866 માં લખી અને આત્મકથા નર્મદા શંકર દવે 1866 માં લખી. સાહિત્યનું શિક્ષણ 19 મી સદી સુધી દેવનાગરી લિપિ દ્વારા થતું હતું. ગુજરાતના મધ્યકાલીન યુગના કવિઓ જેમાં અખો, પ્રેમાનંદ અને શામળ ભટ્ટ આગળની હરોળમાં મ દેખાઈ રહ્યાં છે. તેઓ બધા 1591 થી શરૂ કરીને 1769 સુધી થઈ ગયા.
ગુજરાતી ભાષાનું મહત્વ કોઈ ભાષા સાથે સરખામણી કરીને ઓછું આંકી શકાય તેમ નથી. ભારતની સ્થાનિક ભાષામાં ગુજરાતી 26 માં ક્રમે છે અને કુલ લગભગ 5.64 કરોડ લોકો બોલચાલની ભાષા તરીકે તેનો ઉપયોગ કરી રહ્યા છે. જે દેશની 4.5% જેટલી વસ્તી છે. 2011 ની વસ્તી ગણતરીમાં લગભગ 25 રાજ્યોમાં લોકો ગુજરાતી ભાષા બોલતા લોકો વસવાટ કરે છે.તેથી જ નર્મદ કહે છે કે “જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત”. તો વળી આપણા ગીત કવિ તુષાર શુક્લ કહે છે
“આપણે એને સાચવી જાણીએ
આપણને એ સાચવતી એ
ધૂળ નથી છે કુળ આપણું
ભાષા મારી ગુજરાતી છે”
આ શબ્દો છે ગુજરાતીના પોખંણા કરવાના કેવી રીતે આપણે આપણી માતાના ખોળામાંથી ઉભા થઈ શકીએ.કોઈ અન્ય ભાષાઓનું જ્ઞાન જરૂરી છે અને તેના અમલીકરણ કે પછી આદાન પ્રદાન માટે વૈશ્વિક સ્થિતિની સાથે જોડાવા કદાચ અન્ય ભાષાઓની અગત્યતાને આપણે કોરાણી ન કરી શકીએ તો પણ આપણે આપણી માંને ધક્કો તો નહીં જ મારી શકીએ!! આપણું માતૃભાષા શિક્ષણનું મહત્વ ઓછું ન થવું જોઈએ તેથી જ નવી શિક્ષણનીતિ-2020 માં આ વાત ખૂબ ભારપુર્વક સ્વીકારી છે.
દરેક ગુજરાતીને પોતાની માતૃભાષાનું મમત્વ છૂટવું ન જોઈએ.કારણ કે માંના મહત્વમા તેના ગર્ભમાં આપણા મૂલ્યો,આપણાં આદર્શો, આપનો ઈતિહાસ, આપણી સંસ્કૃતિ પરંપરા એટલું ઘૂંટાઈ ઘુટાઈને ભર્યું છે કે તેને સહેજ પણ બાજુમાં મૂકવાથી કેટલું બધું આપણાથી દૂર થવાની વીતી અને અંધકાર ડોકાઈ રહ્યો છે. જીવનના મેનેજમેન્ટને સારી રીતે સમજવા માટે આપણાં ઐતિહાસિક એવા દસ્તાવેજો કે જે ત્યાગ, સમર્પણ, મૂલ્ય અને આદર્શોના પાયા ઉપર ખપી ગયા છે અને જીવનને જે રીતે જીવી જાણીને આજે પણ તેની ખુશ્બુ સૌને આપી રહ્યા છે તેને આપણે કેવી રીતે ભૂલી શકીએ.તેથી ગુજરાતીએ ગુજરાતીથી જરાય દૂર ન જવું જોઈએ. આપણે ગુજરાતી તરીકે વિશ્વના કોઈપણ ખૂણે જઈએ તો પણ આ ભાષાનું મહત્વ ઓછું ન થવું જોઈએ અને ગૌરવપૂર્વક કહીએ કે હા અમારી ભાષા ગુજરાતી છે.ગુજરાતી આપણાંથી આપણે ગુજરાતીથી રુડાં અરુણ પ્રભાત બની રહે તે જરૂરી છે.
આવો એક નારો કરીએ “ગર્વ છે કે હું ગુજરાતી છું અને મારી માતૃભાષા ગુજરાતી છે.”